પ્રચાર સાપ્તાહિક પરિવારના અમેરીકન સ્થિત
ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ રોબોટીક સર્જરીના સીસ્ટમ ડાયરેક્ટર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વર્ષોથી અમેરીકામાં સર્જન તરીકે પ્રેક્ટીસ કરતા ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ પ્રચાર સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના પુત્ર છે. જેમણે અમેરીકામાં મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. છેલ્લા થોડા વર્ષોથી મેડીકલ ક્ષેત્રે “રોબોટીક સર્જરી”નો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે ટ્રોમા સર્જરી છોડી રોબોટીક સર્જરીમાં નિપૂણતા મેળવી અત્યાર સુધીમાં તેમણે ૧૧૦૦ થી વધુ રોબોટીક સર્જરીના ઓપરેશનો કર્યા છે. ૨૦૨૦ માં ૧૦૦૦ ઓપરેશન પુરા કરવા બદલ તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. રોબોટીક સર્જરીમાં પેટના હર્નીયા, હાયેપ્સ હરનીયા, કોલોન કેન્સર, પિત્તાશય, તેમજ સ્વાદુપીંડ વગેરેના ઓપરેશનોનો સમાવેશ થાય છે. તદુપરાંત લંગ કેન્સર, કીડની કેન્સર, ન્યુરો સર્જરી, ગાયનેક સર્જરીના ઓપરેશનોનો પણ સમાવેશ થાય છે. જેની નોંધ ત્યાંના મીડીયામાં વખતોવખત લેવામાં આવે છે. અગત્યની વસ્તુ એ છે કે તાજેતરમાં ર્ડા.રવિ બ્રહ્મભટ્ટની રોબોટીક સર્જરીની કદર કરી કેર પોઈન્ટ હેલ્થ સિસ્ટમના એક્ઝયુકેટીવ ર્ડા.અચિંત્ય મૌલિકે ર્ડા.રવિ બ્રહ્મભટ્ટને સીસ્ટમ ડાયરેક્ટર ઓફ રોબોટીક સર્જરીના ઊંચા પદ ઉપર નિયુક્ત કરી તેમના કામની કદર કરી બહુમાન કર્યુ છે. કેર પોઈન્ટ હેલ્થ રોબોટીક પ્રોગ્રામ ૨૦૧૩ માં શરૂ થયો હતો. ત્યારથી અત્યાર સુધી આ પ્રોગ્રામમાં ૧૬૦૦ ઓપરેશન ક્રાઈસ્ટ હોસ્પિટલમાં અને ૧૩૦૦ ઓપરેશન હોબોગન મેડીકલ યુનિવર્સિટી સેન્ટરમાં થયા છે. આ બન્ને સંસ્થાઓએ રોબોટીક સર્જરી માટે ૨૦૨૦ માં ર્ડા.રવિ બ્રહ્મભટ્ટની સાથે એવોર્ડ આપ્યા હતા. આ બંને સંસ્થાઓમાં ર્ડા.રવિ સીસ્ટમ ડાયરેક્ટર ઓફ રોબોટીક સર્જરીના ચીફ તરીકે નિમાતા ર્ડા.રવિ હવે મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. અમેરીકાની આ સંસ્થામાં રોબોટીક સર્જરી શીખવા માટે ત્યાંના ર્ડાક્ટરો આવે છે. તેમને રોબોટીક સર્જરી શિખવાડવાની જવાબદારી ર્ડા.રવિ હવે સંભાળી રહ્યા છે. હવે તેમના હાથ નીચે રોબોટીક સર્જનો તૈયાર થશે. ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ ભારત માટે અને વિસનગર માટે ગૌરવરૂપ છે. તથા તેમણે વિસનગર બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ વધાર્યુ છે.