શૈક્ષણિક નગરીની યશ કલગીમાં હેરિટેજ દરજ્જાનુ મોરપીંછ ઉમેરાયુ
એમ.એન.કોલેજની રૂા.૩૫ કરોડના ખર્ચે કાયાપલટ થશે
ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નો તથા પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢની મહેનતનુ પરિણામ
અદ્યતન તમામ સુવિધાઓ સાથેનુ ત્રણ માળનુ સાયન્સ બીલ્ડીંગ બનશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શૈક્ષણિક નગરી વિસનગરની ઐતિહાસિક એમ.એન.કોલેજમાં અનેક મહાનુભાવો અભ્યાસ કરી ચુક્યા છે. કોલેજના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોઈ એમ.એન.કોલેજને હેરિટેજ સ્થળનો દરજ્જો આપવામાં આવતા શૈક્ષણિક નગરીની યશ કલગીમાં નવુ મોરપીંછ ઉમેરાતા શિક્ષણ પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. વધુ મહત્વની બાબત એ છેકે કોલેજમાં સુવિધાઓ વધારવા શિક્ષણ વિભાગ દ્વારા રૂા.૩૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. કોલેજના પ્રિન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢ તથા કોલેજ સ્ટાફની છેલ્લા વર્ષની મહેનત તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના પ્રયત્નોનુ આ પરિણામ છે.
આગામી ડીસેમ્બર માસમાં એમ.એન.કોલેજના ૭૫ વર્ષ પૂર્ણ થતા હોઈ કોલેજના પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢ દ્વારા ગત એપ્રીલ ૨૦૨૦ માં હેરિટેજ કોલેજનો દરજ્જો મળે તે માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરાઈ હતી. પ્રીન્સીપાલ મોઢની દરખાસ્ત બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની આવી અન્ય કેટલી કોલેજો છે તેની તપાસ કરી હતી. જેમાં એમ.એન.કોલેજ સહીત પાંચ કોલેજોને હેરિટેજ સ્થળનો દરજ્જો આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી. વિસનગર માટે ગૌરવની બાબત હોઈ ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તેમના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે, શેઠ માણેકલાલ નાનચંદે વર્ષ ૧૯૪૬ માં રૂા.૪ લાખનુ દાન આપતા કોલેજની સ્થાપના થઈ હતી. જે કોલેજમાં ૧૯૬૬-૬૭ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એડમિશન લીધુ હતુ. કોલેજમાંથી એલ.સી. લઈ સ્વામિનારાયણ કોલેજ અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૬૭-૬૮ માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ૧૯૬૪ માં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, પૂર્વ નાણાં મંત્રી બી.કે.ગઢવી સહીતના અનેક મહાનુભાવો કોલેજમાં અભ્યાસ કરી ચુક્યા છે. જે સમયે અમદાવાદથી અજમેર વચ્ચે આ એકજ કોલેજ હતી. એમ.એન.કોલેજને હેરિટેજનો દરજ્જો મળ્યો તે વિસનગર માટે ગૌરવની બાબત છે. કોલેજને હેરિટેજ દરજ્જો મળે તે માટે પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર ડી.મોઢ તથા કોલેજના અન્ય સ્ટાફની મહેનતને પણ ધારાસભ્યએ બીરદાવી અભિનંદન આપ્યા હતા.
એક બાજુ હેરિટેજ કોલેજનો દરજ્જો મળ્યો ત્યારે બીજી બાજુ મહત્વની બાબત એ છેકે કોલેજની કાયા પલટ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા રૂા.૩૫ કરોડની બજેટમાં જોગવાઈ કરી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જે બાબતે ર્ડા.રાજેષકુમાર મોઢે જણાવ્યુ છેકે, અત્યારના સાયન્સ બીલ્ડીંગ જર્જરીત થતા નવા બીલ્ડીંગ માટે શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જે બીલ્ડીંગ માટે રૂા.૩૧.૨૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષનો પ્રોજેક્ટ છે અને દર વર્ષે ૩૩ ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. અત્યારે જે કોમ્યુનીટી હૉલ છે તેની પાછળના ભાગે ત્રણ માળનુ સાયન્સ બીલ્ડીંગ બનશે. ભોળતળીયે રસાયણ શાસ્ત્ર વિભાગ, પ્રથમ માળે ભૌતિકશાસ્ત્ર વિભાગ તથા બીજા માળે બાયોલોજી વિભાગ બનશે. બીલ્ડીંગની બે બાજુ લીફ્ટની સગવડ સાથે લાયબ્રેરી ક્લાસરૂમ, અદ્યતન સાધનો સાથેની લેબોરેટરી, દરેક ફ્લોર ઉપર સ્ટાફ રૂમ, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે રૂમ, પાર્કિંગ, લેન્ડ સ્કેપીંગ, ગાર્ડન, સોલાર રૂફ ટોફ, સેમિનાર હૉલ, પ્રોજેક્ટ વિગેરે ખાનગી કોલેજોની જેમ અદ્યતન સુવિધાઓથી સજ્જ બીલ્ડીંગનુ નિર્માણ થશે. નેશનલ કક્ષાના સેમીનાર થઈ શકે તેવો સેમીનાર હૉલ બનાવવા માટે રૂા.૨.૮૭ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ૭૫ વર્ષ પુરા થતાં હોઈ ભવ્ય અમૃત મહોત્સવનો કાર્યક્રમ કરવા માટે રૂા.૧ કરોડની દરખાસ્ત કરવામાં આવી છે જેની પણ મંજુરી મળશે.
પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર ડી.મોઢે વધુમાં જણાવ્યુ છેકે, ગુજરાતની પાંચ હેરિટેજ કોલેજના રીપેરીંગ માટે રૂા.૧૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેનુ આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા રીપેરીંગ થશે. કોલેજના ઐતિહાસિક બીલ્ડીંગનો એનો એજ દેખાવ રહે તે માટે રીપેરીંગ કરવા રૂા.૨.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. આ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત કરી રજુઆત કરી હોવાનુ પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢે જણાવ્યુ હતુ.
તાજેતરમાંજ નવા શરૂ થયેલા અભ્યાસક્રમ બાબતે જણાવ્યુ હતું કે, ય્ઁજીઝ્ર, ેંઁજીઝ્ર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સોશીયોલોજી તથા પ્રોફેશનલ કોર્ષ માટે બી.એસ.સી.કોમ્પ્યુટર સાયંસના કોર્ષ તેમજ ઉત્તર ગુજરાતની સરકારી કોલેજોમાં સૌપ્રથમ એમ.એન.કોલેજમાં બી.એ.એમ.એ. તથા અન્ય સર્ટીફીકેટ કોર્ષ માટે ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીની મંજુરી મળી છે.
આ તમામ મંજુરીઓ મળવા પાછળ પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢને શ્રેય આપીએ એટલો ઓછો છે. જેઓ વર્ષ ૧૭-૧૮ માં ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તથા જોઈન્ટ ડાયરેક્ટરની જવાબદારી સંભાળી ચુક્યા છે. જેના અનુભવનો લાભ એમ.એન.કોલેજને મળી રહ્યો છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ઉંચી ફી ભરીને જે સુવિધાઓ મળે છે તેવીજ સુવિધાઓ પંથકના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એમ.એન.કોલેજમાં મળી રહે તેવા ઉમદા હેતુ તથા ધ્યેય સાથેના પ્રીન્સીપાલ ર્ડા.રાજેષકુમાર મોઢના પ્રયત્નોથી એમ.એન.કોલેજની આવનાર વર્ષોમાં કરવટ બદલાશે તે નિર્વિવાદ વાત છે.