Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પાલિકા પ્રમુખ વર્ષાબેન અંધારપટમાંથી ક્યારે મુક્ત કરશે?

$
0
0

પાલિકાને તાળુ મારો અથવા સભ્યો રાજીનામુ આપો તેવો રોષ

પાલિકા પ્રમુખ વર્ષાબેન અંધારપટમાંથી ક્યારે મુક્ત કરશે?

હાઈવે ઉપર અંધારાના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની એલ.ઈ.ડી.લાઈટો નાખતા રીપેરીંગ તેમજ માલ સપ્લાય નહી કરતા અત્યારે વિસનગર શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ભાજપ શાસીત પાલિકાની અણ આવડતનો લોકો ભોગ બની રહ્યા છે ત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છેકે, સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યાનો ઉકેલ લાવી શકતા ન હોય તો પાલિકાને તાળુ મારો અથવા સભ્યો રાજીનામુ આપો. પાલિકા પ્રમુખ હાથ ઉપર હાથ ધરી બેસી રહેતા ભાજપના સભ્યોને જવાબ આપવા અઘરા બની ગયા છે.
વિસનગર પાલિકાની ચુંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપનાર લોકો અત્યારે સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શહેરના હાઈવે ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી કેટલાક વિસ્તારમાં અંધારપટ છે. દેણપ ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી છેલ્લા બે માસથી લાઈટો ચાલુ બંધ થાય છે. સોના કોમ્પલેક્ષ સામેના રોડ ઉપર પણ આવીજ પરિસ્થિતિ છે. અંધારાના કારણે સામેથી આવતા વાહનની લાઈટોથી આખો અંજાતા રોડ ઉપર બેઠેલી ગાયો દેખાતી નહી હોવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટની સમસ્યા છે. બબ્બે મહિનાથી કમ્પલેનનો નિકાલ થતો નહી હોવાનો લોકોમાં રોષ છે.
થલોટા રોડ ઉપરના એક જાગૃત આગેવાને રોષ ઠાલવ્યો છેકે પાલિકા આધુનિકતા તરફ જવાની જગ્યાએ અંધારાની અરાજકતા તરફ જઈ રહ્યુ છે. પ્રમુખ વર્ષાબેન પટેલના શાસનમાં સ્ટ્રીટ લાઈટ બાબતેનો વહીવટ ખાડે ગયો છે. મોટી વાતો કરે છે પરંતુ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગમાં નક્કર કામ કરી શકતા નથી. અગાઉના પાલિકા વહીવટને યાદ કરતા જણાવ્યુ હતું કે, ફક્ત એક ફોનમાં સ્ટ્રીટ લાઈટની કમ્પલેનનો નિકાલ થતો હતો. અત્યારે ૨૪ કલાકમાતો શું પણ બે મહિને પણ સ્ટ્રીટ લાઈટની કમ્પલેન કોઈ સાંભળતુ નથી. ઓનલાઈન કમ્પલેન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. ભાજપનુ બોર્ડ સ્ટ્રીટ લાઈટ વિભાગમાં જો સંતોષકારક કામ કરી શકતુ ન હોય તો પાલિકાને તાળુ મારો અથવા ભાજપના સભ્યો રાજીનામુ આપો.
જાગૃત આગેવાને વધુમાં જણાવ્યુ હતું કે, મિલ્કત વેરા બાકી હોય તો પાલિકાના ચાર થી પાંચ કર્મચારીઓની ટીમ વસુલાત માટે નીકળે છે. પાલિકા દ્વારા નોટીસ લગાવવામાં આવે છે. કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવે છે. જોહુકમી કરી લાખ્ખોના વેરાની વસુલાત કરવામાં આવે છે. ત્યારે વેરાની લાખ્ખોની આવકમાંથી લોકોની સગવડ માટે સ્ટ્રીટ લાઈટનો સામાન ખરીદતા નથી. પાલિકા જનરલમાં પ્રમુખ વર્ષાબેન પટેલ તથા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ ટેન્ડરીંગ કર્યુ છે. માલસામાન ખરીદવામાં આવશે તેવા છેતરામણી કરતા જવાબો આપે છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. સ્ટ્રીટલાઈટના પ્રશ્ને ભાજપના નિષ્ફળ શાસનના કારણે લોકો ખરેખર હાલાકી ભોગવી રહ્યા છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles