તંત્રી સ્થાનેથી-“બોલે તેના બોર વેચાય” અને “ન બોલવામાં નવ ગુણ”
બંને વિરોધાભાસી પણ અત્યંત ઉપયોગી
બોલે તેના બોર વેચાય અલબત્ત આ કથન ખોટુ નથી. પરંતુ ઘણી વખત લોકો પોતાની જાતને વધારે પડતી બીજા કરતાં હોશિયાર માનતા હોય છે તથા બધાને ગમે તે વાતમાં વણમાગી સલાહ આપવા બેસી જાય છે. જેથી પોતે પોતાનુ માન ગુમાવે છે. જરૂરિયાત હોય તેવા સમયે યોગ્ય માણસને યોગ્ય વાત કરવાથી આપણું સ્વમાન જળવાઈ રહે છે. ઘણી વખત માનવી આવેશમાં ક્રોધાયમાન બની આવેગમાં આવીને ન બોલવાના વેણ બીજાને સંભળાવીને પોતાનું પોત પ્રકાશે છે. સામેની વ્યક્તિનું હાડોહાડ અપમાન કરવાનું પણ બાકી રાખતા નથી. કોની સાથે કેવી રીતે સમય જોઈને વાત કરવી કેવી રીતે વર્તવું તે લોકોએ જાણવું જોઈએ. બોલે તેના બોર વેચાય તે વિધાનની સાથે સાથે બીજા કથનનો પણ માણસે ખ્યાલ રાખવો જોઈએ. આ કથન જીવનમાં ઉતારવાથી વિવાદો ટળતા હોય છે તે છે ન બોલવામાં નવ ગુણ. ચોક્કસ આ બન્ને વિરોધાર્થી કહેવતો વિરોધાભાસી હોવા છતાં બન્નેનો સારાંશ દૈનિક વહેવાર કે વ્યવસાયમાં સંજોગો અનુસાર યોગ્ય સમયે ઉપયોગ કરવાથી ફળ આપનાર પરિણામ સાબિત થાય છે. નેતા કે અભિનેતા સેલ્સમેનોએ બોલવામાં કાબિલ રહેવું જ પડે જેથી તેઓ તેમના વિચારો પ્રદર્શિત કરી બીજા ઉપર પ્રભાવ પાડી પોતાનું કામ કઢાવી શકે છે. આવી વ્યક્તિઓએ બોલવામાં ઘણું ધ્યાન આપવું પડે છે નહિ તો પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. શરમાળ સ્વભાવના લઘુતાગ્રંથિથી પીડાતા વ્યક્તીઓ સમાજમાં નિરસ રહેતા દેખાય છે. લોકો આવા માણસોનો સાથ ઈચ્છતા નથી. તેઓ એકલા પડી જાય છે. મતભેદ તો સંજોગોવશાત થાય પણ મૌન રાખવાથી મતભેદ થતો અટકી જાય છે. ઘણા વાચાળ લોકો બિનજરૂરી બોલી બીજાના લમણા દુખાડતા હોય છે. ઘણા માણસોને નાની વાતને મોટી કરવાની ટેવ પડી ગઈ હોય છે. વધારે પડતું બોલવાથી ન બોલવાના વાક્યો બોલાઈ જતાં બીજાને દુઃખ પહોંચે છે. બિનજરૂરી બોલવાથી વ્યક્તિની પોતાની શક્તિઓ પણ હણાય છે. ઘણા લોકો વગર વિચાર્યે બોલીને બીજાને ઊતારી પાડે છે. કોઈ મોટુ કાર્ય કર્યું હોય તેવો આનંદ મેળવતો હોય છે. ઘણાની જીભ વાચાળ હોય છે, તે મનફાવે તેમ બોલી દે છે. પછી પસ્તાવાનો વારો આવે છે. ઘણા લોકોને બોલાચાલી કર્યા વિના ચેન પડતું જ નથી. અન્ય વ્યક્તિઓ સાથે સંબંધો બગડવામાં ઘણા કારણોમાનું એક કારણ વાણી વિલાસ છે. વિવેક વિનાની ભાષાના ઉપયોગથી અનેકના પતન થયેલા છે. તથા દ્વેષ કલહ, કંકાસ રૂપી વાણી બોલીને બીજાનું પારાવાર નુકશાન તો ઘણા લોકો કરે છે. પણ સાથે સાથે પોતાની તબિયત ઉપર પણ અસર થાય છે. વાણીનો સંયમ રાખવાથી અનેક પ્રકારના વેરઝેર કે કલહ, કંકાશ કે કુસંપથી બચી શકાય છે. એટલા માટે તો કવિઓ કહી ગયા છે કે વાણી અને પાણીનો સદુપયોગ કરવાથી અનેક સંકટો ટળે છે અનેક લાભો થાય છે.