રાજ્ય સરકારની નિષ્ક્રીયતાથી અંબાજી રેલ્વેનુ કામ અટકયુ-રેલ્વે તંત્ર
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
મહેસાણા-વરેઠા બ્રોડગ્રેજ લાઈન શરૂ કરાઈ ત્યારે વિસનગર, વડનગર, ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીના દિવસોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળે તેવો ઉત્સાહ, ઉન્માદ અને આનંદ જોવા મળ્યો હતો. બ્રોડગ્રેજ રેલ્વે શરૂ કરી પરંતુ અગાઉ વર્ષો પહેલા રેલ્વેમાંં જતા ત્યારે એસ.ટી. બસ કરતા ભાડુ સસ્તુ હોવાથી લોકોનો ઘસારો રહેતો હતો. હાલ બ્રોડગ્રેજનું ભાડુ એસ.ટી.બસ કરતા દોઢુ હોવાથી લોકો બ્રોડગ્રેજમાં જવાનું પસંદ કરતા નથી ત્યારે ખેરાલુના જાગૃત નાગરિક દિનેશભાઈ રાણાએ કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગમાં માહિતી માંગી હતી કે વરેઠાથી અંબાજી બ્રોડગ્રેજ રેલ્વેનું કામ કેમ શરૂ થતુ નથી ત્યારે કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગે જણાવ્યુ છે કે ગુજરાત સરકારની નિષ્ક્રીયતાને કારણે જમીન સંપાદન અને ફાળવણીની પ્રક્રિયા અટકી ગઈ હોવાથી હાલ બ્રોડ ગેજનું કામ અટકયુ છે.
ખેરાલુના અગ્રણી દિનેશભાઈ રાણાએ શું માહિતી માંગી હતી અને શું જવાબ આપ્યો છે તે જોઈએ તો બ્રોડગ્રેજ લાઈનનું સર્વનું કામ, જીઓ ટેકનીકલ અભ્યાસ, તૈયાર રેખાંક, તથા અન્ડ ડીઝાઈન વાયા અંબાજી ૮૯.૩૮ કીમી. વચ્ચેનો બ્રોડગ્રેજ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બાંધકામ શરૂ કરવા કેન્દ્ર સરકારે જરૂરી ભંડોળ પણ ફાળવવામાં આવ્યુ છે.છતા હાલ તારંગા હિલ- અંબાજી -આબુરોડ પ્રોજેક્ટમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? ત્યારે કેન્દ્રના રેલ્વે વિભાગ દ્વારા જવાબ આપ્યો છે કે તારંગા હિલ-આબુ રોડ વાયા અંબાજી (૮૯ કી.મી.) નવી લાઈન પ્રોજેક્ટને ર૦૧૭-૧૮ના બજેટમાં સરકારની જરૂરી મંજુરીઓને આધિન મંજુર કરવામા આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરવામા આવી હતી કે જમીન મફત આપે અને બાંધકામની પ૦% કિંમત વહેંચે અથવા આ પ્રોેજેક્ટને વૈકલ્પિક રીતે રાજ્ય જેવી (જોઈન્ટ વેન્ચર) કંપનીને સોંપવાનું વિચારે. પરંતુ ગુજરાત રાજ્ય સરકારની સંમતિ પ્રાપ્ત થઈ નથી. વિગતવાર પ્રોેજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે અંતિમ સ્થાન સુધી સર્વે કરવામાં આવી રહ્યુ છે. હાલ કામ મંજુર થયુ નથી જેથી કામ શરૂ કરી શકાય નહી.
ઉપરોક્ત જવાબ ઉપરથી એવું લાગે છે કે જે રીતે કેન્દ્ર સરકાર રેલ્વેનું ખાનગી કરણ કરવા તરફ જઈ રહી છે તેમાં તારંગા હિલ આબુ રોડ વાયા અંબાજી રેલ્વે ટ્રેક પણ પ્રાઈવેટ પાર્ટનર શીપથી જોઈન્ટ વેન્ચરથી બનાવે અને તેની ઉપર બ્રોડગ્રેજ રેલ્વે પસાર થાય જેથી આવનારા સમયમાં જે રીતે વરેઠાથી મહેસાણા જવુ મોંઘુ પડયુ છે તેમ મહેસાણાથી અંબાજી આબુ રોડ જવાનું પણ લોકોને મોંઘુ જ પડશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારની માલીકીના રેલ્વે ટ્રેક હતા અને રેલ્વે ગાડીઓ પ્રાઈવેટ માલિકોને ચલાવવા સુપ્રત કરી છે હવે એવુ લાગે છે કે આખો રેલ્વે ટ્રેક પણ (જે.વી) જોઈન્ટ વેન્ચરથી બનશે જેથી રેલ્વે ટ્રેક પણ હવે પ્રાઈવેટ કંપનીની માલીકીનો બનશે જેથી સરવાળે રેલ્વેમાં અવરજવર મોંઘી સાબિત થશે તેવું દિનેશભાઈ રાણા જણાવેલ છે.