તાલુકાનુ સરકારી તંત્ર રાજકીય ઈશારે કામ કરી રહ્યુ છે
રાજકીય દ્વેષભાવમાં કોરોના વોરિયર્સની સન્માનમાં બાદબાકીથી રોષ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાની મહામારીમાં નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર ઘણી સંસ્થાઓ અને કાર્યકરો છે. ૧૫ મી ઓગષ્ટના કાર્યક્રમમાં આવા સાચા કોરોના વોરિયર્સનુ સન્માન નહી કરી અવગણના કરવામાં આવતા નારાજગી જોવા મળી છે. સરકારી તંત્ર રાજકીય ઈશારે કામ કરતુ હોવાથી રાજકીય દ્વેષભાવમાં સન્માન કરવામાં આવ્યુ નહી હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. સન્માનમાં અવગણના થવાના કારણે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઈમેજ પણ ખરડાઈ છે.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ મહામારીમાં જેમની મદદ લીધી હોય તેમને કેમ ભુલી ગયા
વિસનગર તાલુકા સેવા સદનમાં ૧૫ મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિસનગરના કોરોના વોરિયર્સનુ સન્માન કરી સન્માન પત્ર આપવામાં આવ્યુ હતુ. સન્માન કરવા આવેલ ૧૯ માંથી ૧૪ તો સરકારી કર્મચારી હતા. કોરોનાની પ્રથમ અને બીજા લહેરમાં એક નહી પરંતુ અનેક લોકો છે જેમણે પોતાની કે પરિવારની ચીંતા કર્યા વગર સાચી સમાજ સેવા કરી છે. મહામારીમાં મદદરૂપ બનનાર આ લોક સેવકો સરકારી કર્મચારી નહોતા, તેમણે કોઈ ફરજ પાડવામાં આવી નહોતી, કે જવાબદારી સોપવામાં આવી નહોતી. છતા આવા વિકટ સમયમાં લોકોને મદદ કરવાની નિઃસ્વાર્થ ભાવનાથી સેવા આપી હતી. જેમાંથી કેટલીક સંસ્થાઓ, મિત્ર વર્તુળ અને કાર્યકરોનો સરકારી તંત્રએ ઉપયોગ કર્યો હતો. જે બાબતથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ સારી રીતે વાકેફ છે.
કોરોનાની પ્રથમ લહેરમાં વિસનગરમાંથી પરપ્રાન્તીયોને બહાર મોકલવાની વ્યવસ્થા કરી, વિસનગરના જે લોકો લોકડાઉનમાં બહાર ફસાયા હતા તેમને પરત લાવવા રાત દિવસ એક કર્યા હતા. લોકડાઉનમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકો ભુખ્યા ન રહે તે માટે રાશનકીટ બનાવી વિતરણ કરાયુ, રોજ ૪૦૦૦ ઉપરાંત્ત લોકોને જમવાનુ પહોચતુ કરવામાં આવતુ હતુ. બીજી લહેરમાં લોકો બહાર નિકળતા ગભરાતા હતા ત્યારે સંક્રમિતોની સારવાર માટે વ્યવસ્થા કરી, ઓક્સીજન તથા મેડિકલની જરૂરીયાતો પુરી કરી, મહામારીમાં આવી તો અનેક સેવાઓ વિવિધ સંસ્થાઓ અને સમાજ સેવકો દ્વારા કરવામાં આવી હતી.
એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે નૂતન હોસ્પિટલમાં ઓક્સીજન ખૂટે નહી તે માટે રાત દિવસ એક કર્યા હતા. જેમણે અસંખ્ય લોકોને સારવાર આપી હતી. રાજુભાઈ પટેલ આર.કે. અને ભરતભાઈ ચોક્સીએ સાર્વજનિક સ્મશાનમાં કોરોના મૃતકોના અગ્નિ સંસ્કાર માટે વહેલી સવારથી મોડી રાત સુધી મહેનત કરી હતી. મર્ચન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં કોવીડ કેર સેન્ટર ખોલી રાજુભાઈ દાળીયાએ સંક્રમિતોની સારવારમાં કોઈ ઉણપ રાખી નથી. કાંસા જશુભાઈ પટેલે રાશનકીટ, ઓક્સીજન સીલીંડર, દવાઓની કીટ વિગેરે સેવાઓ કરી હતી. ઓક્સીજન બેડની વ્યવસ્થા થાય તે માટે આમ આદમી પાર્ટીના યુવાનોએ સ્વખર્ચે ગુરૂકુળ સ્કુલમાં કોવીડ કેર સેન્ટર ઉભુ કર્યુ હતુ. દલાલ સ્ટોક વાળા પીન્ટુભાઈ ભાવસારે અનેક રાશનકીટનુ વિતરણ કર્યુ હતુ. પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ તેમના પ્રમુખકાળમાં મહામારીમાં મહત્વનુ પ્રદાન આપ્યુ હતુ. આ સીવાય ધારાસભ્ય ઋષિભાઈ પટેલ જે સંસ્થાનો રાજકીય કાર્યક્રમો માટે ઉપયોગ કરે છે તે વાળીનાથ મંદિર, જૈન સમાજ, ગાયત્રી પરિવાર સંસ્થા, હરિહર સેવા મંડળ, મથુરદાસ ક્લબ, રોટરી ક્લબ ઓફ વિસનગર, રોટરી રાઉન્ડ ટાઉન, જે.કે.ચૌધરી, ઈશ્વરલાલ નેતા, રાજુભાઈ ગાંધી, રાધે ગુપ્તા, બન્ને વેપારી મંડળો જેવા અનેક લોકો છે જેમણે મહામારીમાં અવિસ્મરણીય સેવા આપી છે. લોકોને રાશનકીટ પહોચતી કરવા અને જમવાનુ પહોચતુ કરવા માટે પ્રાન્ત ઓફીસર અને મામલતદારે આ સંસ્થાઓ તથા કાર્યકરો સાથે મીટીંગ કરી મદદ માગી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ આ મીટીંગોમાં હાજર રહેતા હતા.
નિઃસ્વાર્થ ભાવે સેવા કરનારની અવગણના કરવામાં આવશે તો ભવિષ્યમાં સમાજસેવા કરવા આગળ આવશે કોણ ?
સરકારી તંત્ર અને ધારાસભ્ય ઋષિભાઈ પટેલ આ સાચા કોરોના વોરિયર્સથી પરિચીત છે તેમજ નિઃસ્વાર્થ સેવાઓનો પણ જાત અનુભવ કર્યો છે. ત્યારે ગરજ પતી એટલે વૈદ વેરી જેવો ઘાટ ઘડાયો છે. પ્રાન્ત તથા મામલતદાર રાજકીય ઈશારે સન્માન કરતા હોવાનો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. મહામારીની અસર ઓછી થતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ સાચા કોરોના વોરિયર્સને ભુલી ગયા છે. ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતા લોકોની અવગણના કરવામાં આવી છે તો ભવિષ્યમાં મદદ કરવા આગળ આવશે કોણ? રાજકીય દ્વેષભાવમાં કોરોના વોરિયર્સની સન્માનમાં બાદબાકી કરતા ધારાસભ્યની પણ ઈમેજ ખરડાઈ છે.