તળ સમાજ કેળવણી ઉત્તેજક મંડળે બેટી બચાવો અભિયાન સાર્થક કર્યુ
ફક્ત દિકરીઓ ધરાવતા ૧૦૪ દંપત્તિનુ સન્માન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તળ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે મહત્વનુ કામ કરવામાં આવી રહ્યુ છે. આ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા બેટી બચાવો અભિયાન સાર્થક કરતુ “જનમ જનમ મોહે બીટીયા હી દેજો”નો અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં તળ સમાજના ફક્ત દિકરીઓ ધરાવતા ૧૦૪ દંપત્તિઓનુ તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર, ઉચ્ચ શિક્ષણ મેળવનાર સમાજની દિકરીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
વિસનગર તળ કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ પટેલ ભરતભાઈ એકાઉન્ટન્ટ તથા તેમની ટીમ દ્વારા સમાજના શિક્ષણનો વ્યાપ વધે, સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ મળે, સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાઓનો લાભ લે તેવા શિક્ષણને લગતા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા દિકરી શ્રાપ નથી પરંતુ આશિર્વાદ છે તેવો વિવિધ સમાજોને સંદેશો આપતો તેમજ બેટી બચાવો અભિયાનને સાર્થક કરતો ‘જનમ જનમ મોહે બીટીયા હી દેજો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરમાં તા.૧૫-૮-૨૦૨૧ ના રોજ બપોરે ૩-૩૦ કલાકે યોજાયેલ આ કાર્યક્રમમાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં સંતાનમાં ફક્ત દિકરીઓજ હોય એવા સમાજના ૧૦૪ દંપત્તીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. સરકારની પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલમાં ભરતી થનાર તળ સમાજની બે દિકરીઓનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ એસ.કે.યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ એસ.પટેલ, ઉદ્ઘાટક તરીકે એમ.ડી.મેડીસીન ગોલ્ડ મેડાલીસ્ટ ર્ડા.ભૂમીબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે ઈશ્વરભાઈ ટી.પટેલ(આઈ.ટી.), ડાહ્યાભાઈ પટેલ ટ્રસ્ટી મર્ચન્ટ કોલેજ, શ્રીમતી રીટાબેન જનકકુમાર પટેલ સુપર વાઈઝર મહિલા બાળ કલ્યાણ વિભાગ, શ્રીમતી લીપી હાર્દિકભાઈ પટેલ સોશ્યલ વેલ્ફેર ઈન્સ્પેક્ટર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળના તમામ સભ્યોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. કાર્યક્રમ માટે દાન આપનાર દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન અશોકભાઈ કે.પટેલ તથા રાજુભાઈ પટેલ(ગોસા) દ્વારા કરવામાં આવ્યુ હતુ. મહેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા દંપત્તિઓની આભારવિધિ કરવામાં આવી હતી.