૧૬ બેઠકો માટે ૧૦૫ દિવસની ચુંટણી પ્રક્રિયાનુ જાહેરનામુ પ્રસિધ્ધ
માર્કેટયાર્ડમાં ધારાસભ્ય સામે રાજુભાઈ અને પ્રકાશભાઈની પેનલ ટકરાશે
• બે ટર્મથી ભ્રષ્ટાચાર રહીત અને માર્કેટયાર્ડના અભૂતપૂર્વ વિકાસના મુદ્દે ધારાસભ્ય ચુંટણી લડશે
• સારા અને નવા કાર્યકર્તાઓને તક મળે તે મુદ્દા ઉપર રાજુભાઈ અને પ્રકાશભાઈ ચુંટણી લડશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીનો રણ ટંકાર થતાજ શહેરનું રાજકારણ ગરમ બન્યુ છે. માર્કેટયાર્ડના ચેરમેન તેમજ ધારાસભ્ય ઋષિભાઈ સામે કોણ ટકરાશે તેની રાજુભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે. માર્કેટયાર્ડમાં ભાજપનાજ બે જુથ સામસામે આવશે. ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા માર્કેટયાર્ડની ૧૬ બેઠકો માટે ૧૦૫ દિવસની ચુંટણી પ્રક્રિયાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. માર્કેટયાર્ડમાં અગાઉ અનેક કૌભાંડો થયા છે. ત્યારે સતત બે ટર્મથી ચેરમેન રહેવા છતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલે ભ્રષ્ટાચાર રહીત પારદર્શક વહીવટ કરી બતાવ્યો છે. જેમની સામે સંસ્થાઓનો અભૂતપૂર્વ વિકાસ કરનાર રાજુભાઈ પટેલ તેમજ શહેરને શૈક્ષણિક નગરીનુ બીરૂદ અપાવનાર, મેડિકલ કોલેજની ભેટ આપનાર પ્રકાશભાઈ પટેલ પોતાની વ્યક્તિગત ઈમેજ ઉપર ચુંટણી લડશે.
ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરની ચુંટણીનુ વિધિવત જાહેરનામુ બહાર પાડવામાં આવતાજ તાલુકાનુ સહકારી ક્ષેત્રનુ રાજકારણ ચર્ચાના એરણે ચડ્યુ છે. ખેડૂત મત વિભાગની ૧૦, વેપારી મત વિભાગની ૪ તથા સહકારી ખરીદ વેચાણ મંડળીઓનો મત વિભાગની ૨ બેઠકો સહીત કુલ ૧૬ બેઠકોની ચુંટણી માટે ૧૦૫ દિવસનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય ચુંટણીના કાર્યક્રમ પ્રમાણે તા.૪-૯-૨૧ ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ થશે. તા.૧૮-૯ સુધી મતદારયાદીમાં સુધારા વધારા માટે વાધા અરજીઓ રજુ કરવાની થશે. વાધા રજુ થયા બાદ તૈયાર કરેલ સુધારેલ પ્રાથમિક યાદી તા.૨૨-૯ ના રોજ પ્રસિધ્ધ થશે. ત્યારબાદ તા.૨૯-૯ સુધીમાં પુનઃ પ્રસિધ્ધ કરેલ સુધારેલ પ્રાથમિક મતદાર યાદી સામે વાધા રજુ કરવાના થશે. વાધા સુચનો બાદ તા.૪-૧૦ ના રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. મતદાર યાદીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૯-૧૧ ના રોજ નિયુક્તી(ઉમેદવારી) પત્રો આપવામાં આવશે. જે દિવસેજ ઉમેદવારોની પ્રાથમિક પ્રસિધ્ધ થશે. તા.૧૦-૧૧ ના રોજ ઉમેદવારી પત્રો ચકાસવામાં આવશે. ઉમેદવારી પત્રો તા.૧૩-૧૧ સુધી પાછા ખેચી શકાશે. જે દિવસેજ ઉમેદવારોની આખરી પ્રસિધ્ધ થશે. તા.૨૨-૧૧ ના રોજ મતદાન થશે અને તા.૨૩-૧૧ ના રોજ મતગણતરી થશે.
વર્તમાન ધારાસભ્ય તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ઋષિભાઈ પટેલ સામે કોણ પેનલ લઈને ટકરાશે તે વાતનો હવે અંત આવી ગયો છે. રાજુભાઈ પટેલ આર.કે. તથા પ્રકાશભાઈ પટેલ એસ.કે. પેનલ બનાવી માર્કેટયાર્ડની ચુંટણીમાં જંપલાવવાનો નિર્ણય થઈ ગયો છે. માર્કેટયાર્ડની ચુંટણીને લઈ મંડળીઓના મત મેળવવા મીટીંગનો દોર શરૂ થઈ ગયો છે. ધારાસભ્ય સામે માર્કેટની ચુંટણીમાં પાછીપાની નહી કરવા અને ગમે તેવા સંજોગોમાં એક રહેવા મંદિરમાં શપથવિધિ થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે. માર્કેટયાર્ડમાં ધારાસભ્ય વિરુધ્ધની ટીમને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પણ છુપા આશીર્વાદ મળ્યા હોવાનુ ચર્ચાય છે.
જોકે આ વખતની ચુંટણીમાં રૂપિયાની રેલમછેલ જોવા મળશે. ૪-૧૧ ના રોજ દિવાળી અને ૫-૧૧ ના રોજ બેસતુવર્ષ છે. ત્યારે માર્કેટયાર્ડની ચુંટણીમાં મતદારોને કેમ્પમાં નવા વર્ષના પ્રવાસનો લાભ મળશે. માર્કેટયાર્ડની ચુંટણી સંદર્ભે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ છેકે, દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે. સમાજમાં સારો મેસેજ જાય તેમજ જનરલ ચુંટણીઓમાં ભાજપને ફાયદો થાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. રાજુભાઈ પટેલની પેનલ ચુંટણીમાં જંપલાવવાની છેકે નહી તે વાતથી અજાણ હોવાનુ ધારાસભ્યએ જણાવ્યુ હતુ.
માર્કેટયાર્ડની ચુંટણીમાં જંપલાવવાના છોકે નહી તેવા પ્રશ્નમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યુ છેકે, પ્રકાશભાઈ પટેલને સાથે રાખી પેનલ બનાવીશુ. ધારાસભ્યની માર્કેટયાર્ડના ચેરમેન પદે બે ટર્મ પુરી થાય છે. ત્યારે બીજાને તક આપવી જોઈએ. સારા કાર્યકર્તા આવતા હોય તો ચુંટણી બીનહરિફ થાય તેમાં પણ તૈયારી છે.
જોકે વિસનગરના રાજકારણની તાસીર છેકે પોતાના હિત પાર પાડવા અને પોતાની રાજકારણની દુકાનો ચાલુ રાખવાની વૃત્તી ધરાવતા આસપાસના કાર્યકરોએ ચુંટણીઓમાં આગેવાનોને ક્યારેય એક થવા દીધા નથી. એટલે માર્કેટયાર્ડની ચુંટણી થશે તેમાં કોઈ બેમત નથી.