ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નેતૃત્વમા મુલાકાત લીધી
વિકાસને નડતરરૂપ પ્રશ્નો માટે પાલિકા ટીમ મુખ્યમંત્રીના દ્વારે
સરકાર લેવલથી પ્રશ્નોનો નિકાલ થાય તેમ હોઈ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત લઈ રજુઆત કરાઈ -પ્રમુખ વર્ષાબેન પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરના વિકાસને લગતા એવા કેટલાક પ્રશ્નો છે કે જે, સરકારની સહાય વગર નિકાલ થાય તેમ નથી જે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નેતૃવત્વમાં પાલિકા ટીમે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલ દ્વારા વિકાસમા બાધારૂપ વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા મુખ્યમંત્રીએ પાલિકાના પ્રતિનિધીઓને આશ્વાસન આપ્યુ હતુ.
વિસનગર શહેરના વિકાસ માટે તેમજ પડતર પ્રશ્નોના નિકાલ માટે પાલિકાના સિનિયર સભ્યો એક થયાના વિગતોથી સભ્યોમા રાહતની લાગણી જોવા મળી રહી છે. શહેરના વિકાસને લગતા એવા કેટલાક પ્રશ્નો છે કે જે સરકારની સુચના અને સંમતી વગર નિકાલ થાય તેમ નથી. જે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલના નેતૃત્વમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, દંડક મેહુલભાઈ પટેલ, પક્ષના નેતા અમાજી ઠાકોર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન આશાબેન પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. જેમની સમક્ષ પાલિકા પ્રમુખ તથા પ્રતિનિધી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, પાલિકા ભવન માટે ફાળવવામાં આવેલ ૨૦૦૦ ચો.મી. જમીનમાં ચો.મી. દીઠ રૂા.૩૦,૦૦૦/- ભાવ ગણવામાં આવ્યો છે. પરંતુ પાલિકા પાસે પુરતુ સ્વભંડોળ ન હોઈ નવેસરથી ૧૨૦૦ ચો.મી.જમીન ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. ચો.મી.જમીનનો જે ભાવ ગણવામાં આવ્યો છે તે આજુબાજુના સર્વે નંબરોની જંત્રી કરતા પણ વધારે ભાવ છે. જેનો ભાવ ઓછો ગણવા પુનઃવિચારણા કરવા રજુઆત કરાઈ હતી.
શહેરનુ કચરા સ્ટેન્ડ નાનુ પડતુ હોવાથી તેમજ આસપાસ રહેણાંક વિસ્તાર વધી ગયો હોવાથી સર્વ નં.૨૧૧૯ વાળી જમીન કચરા સ્ટેન્ડ માટે ફાળવવા કલેક્ટરમા દરખાસ્ત કરવામાં આવી છે. જે કચરા સ્ટેન્ડની જગ્યા નજીવા દરે ફાળવવામાં આવે તો પાલિકાને ખોટુ આર્થિક ભારણ સહન કરવુ પડે નહી. આ જગ્યા કાયમી ધોરણે લેન્ડફીલ સાઈટ સદરે નીમ કરવા જણાવ્યુ હતુ. એલ.ઈ.ડી. લાઈટ બાબતે રજુઆત કરાઈ હતી કે, સરકારની સુચનાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ સ્ટ્રીટ લાઈટની ફરિયાદોનો નિકાલ કરવા કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટર પાલિકાને એલ.ઈ.ડી. લાઈન ન આપતા પાલિકાને સ્વભંડોળમાથી લાઈટની ખરીદી કરવી પડી છે. કોન્ટ્રાક્ટરને પાલિકા પાસેથી નાણાં લેવાના થાય છે જેમાથી એલ.ઈ.ડી. લાઈટ ખરીદેલ નાણાં બાદ કરી આપવા જોઈએ.
રૂા.૨૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ભુગર્ભ ગટર લાઈન યોજના ચાલુ કરવામાં નહી આવતા ધુળ ખાઈ રહી છે. જેમા ગટર લાઈનના જોઈન્ટ બાકી હોઈ ગટર લાઈનના બુચ કાઢવાના બાકી હોઈ તેમજ સોસાયટી વિસ્તારના મેન હોલમાથી કાદવ કિચ્ચડ સાફ કરવાનો બાકી હોઈ જી.યુ.ડી.સી.ને સુચના આપી સત્વરે કામ કરાવવા રજુઆત કરવામા આવી હતી. જે બાબતે પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ હતુ કે, આ પ્રશ્નો સરકાર લેવલના હોઈ તેનો ઝડપી નિકાલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.