તંત્રી સ્થાનેથી
વિસનગર માર્કેટ કમિટિની ચુંટણીના વિખવાદોથી
ભાજપને ધારાસભામાં મોટુ નુકશાન પડી શકે છે
વિસનગર માર્કેટ કમિટિની ચુંટણી આગામી નવેમ્બર માસમાં યોજાવાની છે. જેનું જાહેરનામુ ૧૦૫ દિવસ પહેલા બહાર પડી ચુક્યું છે. વિસનગર માર્કેટ કમિટિનો વહીવટ અને તેના ચેેરમેનનો દબદબો ગુજરાત રાજ્યના મીનીસ્ટર જેટલો છે. જેથી તે મેળવવા માટે ચુંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ ચેરમેન પદ હસ્તગત કરવા માટે પ્રવર્તમાન ચાલુ ચેરમેન ઋષિભાઈ પટેલ સામે પક્ષે ભાજપના મોટાભાગના દિગ્ગજ નેતાઓ સહિત રાજુભાઈ પટેલ(આર.કે.) પ્રકાશભાઈ પટેલની પેનલે ઝુકાવ્યું છે. માર્કેટ કમિટિની ચુંટણી પ્રક્રિયા અટપટી છે. તેના સાત કોઠા પાર કરવા સહકારી વિભાગના જાણકાર કાર્યકરનું જ કામ છે. બન્ને જૂથમાં સહકારી આગેવાનો છે. માર્કેટ કમિટિની ચુંટણીમાં માર્કેટમાં રજીસ્ટ્રર થયેલી મંડળીઓના તમામ સભ્યો મતદાન કરી શકે છે. ગત ચુંટણીમાં ૫૦૦ આસપાસ મત હતા. આ ચુંટણીમાં નવીન મંડળીઓનો ઉમેરો થયો હોવાથી ૭૦૦ મત આસપાસ મતો છે. માર્કેટ કમિટિમાં ખેડૂતો, માર્કેટયાર્ડમાં રજીસ્ટર થયેલા વેપારીઓ, સહકારી વિભાગમાં માર્કેટમાં રજીસ્ટર થયેલી મંડળીઓ ઉમેદવારી કરી શકે છે. માર્કેટ કમિટિ માટે સહકારી નિયમ છે કે ખેડૂત વિભાગમાંથી ચુંટાયેલ ઉમેદવાર માર્કેટ કમિટિનો ચેરમેન બની શકે છે. માર્કેટ કમિટિમાં ૭/૧૨ માં નામ હોય તે ખેડૂત ચુંટણીમાં દાવેદારી કરી શકે છે, આવી પૂરા ભેદભરમ વાળી ચુંટણીમાં ભાજપના બે કદાવર જૂથો આમને સામને કેડો બાંધીને સામ, દામ, દંડ, ભેદની નીતિ સાથે સામે આવી ગયા છે. આ ચુંટણીમાં ઓછા મત હોવાથી મતદારોને લઈ જઈ કેમ્પ કરવાનો સીલસીલો છે. ચુંટણીના એક મહિના પહેલાથી કેમ્પો થાય છે. જેમાં મતદારોને ગુજરાત બહાર લઈ જઈ એશોઆરામથી રાખવામાં આવે છે. ભાજપના બન્ને જૂથો સક્ષમ છે. જેથી આ ચુંટણી કસમકશ ભરેલી યોજાશે. મતદારોને જલસા પડી જવાના છે. આ ચુંટણીનું જે પણ હોય તે ભાજપના બન્ને જૂથોમાં વેરઝેર ઘૂસશે જે આગામી ધારાસભાની ચુંટણી સુધી જવાના નથી. આગામી ધારાસભામાં ભાજપની ટીકીટ મેળવનાર બે જૂથ પૈકીનાજ એક હશે. જે આ માર્કેટની ચુંટણીમાં એડી ચોટીનું જોર લગાવી લડી રહ્યા હશે. સામ સામે ચુંટણી લડાય એટલે દ્વેષભાવ ઊભો થાય, કોર્ટે કચેરીઓ થશે તેમાં અનેક વિવાદો ઊભા થશે. આવા વિવાદ વાળા જૂથો એક જ વર્ષમાં આવતી ધારાસભાની ચુંટણી સમયે એક થઈ જશે તે માનવામાં આવે તેવી વાત નથી. માર્કેટ કમિટિને વેરઝેર એક વર્ષ સુધીમાં શમવાના નથી. બે જુથમાંથી એક જ જુથ ભારે ખર્ચ કરીને જીતવાનું છે. મોટો ખર્ચો કરી હારેલુ જૂથ કઈ રીતે ધારાસભાની ચુંટણીમાં બીજા જુથને મદદ કરશે? આનો અર્થ એ કરી શકાય કે ભાજપ સિવાય બીજા પક્ષનો ધારાસભામાં દબદબો રહી શકે છે. બીજા પક્ષમાંથી સક્ષમ ઉમેદવાર મૂકાશે તો માર્કેટયાર્ડમાં હારેલુ જૂથ પરોક્ષ રીતે મદદ કરશે. ભાજપના બન્ને જુથમાં મોટાભાગના પટેલો અને ચૌધરી સમાજના ઉમેદવારો હશે. બન્ને બાજુ એકજ સમાજના ઉમેદવારો આવશે. જેથી જે તે સમાજોમાં વિખવાદ થશે. સમાજમાં પડેલો વિખવાદ ધારાસભામાં દેખાશે. માર્કેટની ચુંટણી લડતાં જે તિરાડ પડશે તે એકજ વર્ષમાં શમવાની નથી. એટલે ભાજપમાં આ ચુંટણી મોટી નુકશાનકારક સાબિત થશે. પ્રદેશ ભાજપ આ ચુંટણીમાં દરમ્યાનગીરી કરી બન્ને જૂથો વચ્ચે સમાધાન કરાવે તો ભવિષ્યમાં ભાજપને થનાર નુકશાન અટકી શકે છે.