પ્રદેશ ભાજપના પ્રેશરથી ભાજપ એક થશે તો કોંગ્રેસ પેનલ બનાવશે
માર્કેટયાર્ડની પ્રથમ મતદારયાદી પ્રસિધ્ધ-ચુંટણી નિશ્ચીત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની પ્રથમ મતદારયાદી પ્રસિધ્ધ થતાજ ચુંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. માર્કેટયાર્ડની ચુંટણી ભાજપ મેન્ડેટથી લડશે તેવી પ્રદેશ ભાજપની સુચના છતા માર્કેટયાર્ડની સત્તા લેવા બાથ ભીડનાર વિસનગર ભાજપના આગેવાનો એક મંચ થાય તેવા કોઈ અણસાર જોવા મળતા નથી. બીજી બાજુ તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ જણાવ્યુ છેકે ચુંટણી બીનહરિફ કરવા ભાજપ એક થશે તો કોંગ્રેસ પેનલ બનાવશે. રાજકીય સમીકરણો જોતા માર્કેટયાર્ડની ચુંટણી નિશ્ચીત છે.
વિસનગર માર્કેટયાર્ડમાંથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ ચેરમેન પદ આચકી લેવા માટે અસંતુષ્ટ જુથે હાથ મીલાવી ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. માર્કેટયાર્ડ ચુંટણી અધિકારી પી.કે.ચૌહાણે તા.૪-૯-૨૦૨૧ ના રોજ પ્રથમ મતદાર યાદી પ્રસિધ્ધ કરતાની સાથેજ મંડળીઓના મત લેવા અત્યારથીજ સંપર્કો કરી એડી ચોટીનો જોર લગાવવામાં આવી રહ્યુ છે. ખેડૂત મત વિભાગના ૮૪૮, વેપારી મત વિભાગના ૫૭૦ તથા સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગના ૨૩૨ મતની પ્રથમ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મતદાર યાદીમાં વાંધા સુચનો રજુ કરવા માટે ૧૮-૯-૨૦૨૧ ને શનિવાર સુધીની મુદત આપવામાં આવી છે.
ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સામે માર્કેટયાર્ડની ચુંટણીનો જંગ લડવા પ્રકાશભાઈ પટેલ તથા રાજુભાઈ પટેલે હાથ મીલાવ્યા છે. જેમને કોંગ્રેસનો પણ આડકતરો ટેકો મળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલની પણ ધારાસભ્ય સામેના જુથ સાથે અવરજવર જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્યને માર્કેટની ચુંટણીમાં પડકારવા ભાજપના આગેવાનોએ કોંગ્રેસ સાથે હાથ મીલાવતા વિસનગરના રાજકારણમાં નવા સમીકરણો જોવા મળી રહ્યા છે.
સહકારી સંસ્થાઓમાં મોટેભાગે ભાજપની સત્તા છે. ત્યારે સહકારી સંસ્થાઓની ચુંટણીમાં સત્તા મેળવવા ભાજપના આગેવાનો ટકરાય તો તેની આવનારી વિધાનસભાની અને લોકસભાની ચુંટણીમાં મોટી અસર થાય તેમ છે. આ ચુંટણીઓ થકી ભવિષ્યમાં ભાજપને નુકશાન થાય તેમ જોઈ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા માર્કેટની ચુંટણીઓ મેન્ડેટથી લડવા જાહેરાત કરી છે. માર્કેટયાર્ડની ચુંટણીમાં વિસનગર ભાજપના જુથવાદમાં સમાધાન થાય તે માટે પ્રદેશ ભાજપ મહામંત્રી તેમજ પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ વિસનગરના જુથવાદમાં એટલો રાગદ્વેષ છેકે માર્કેટની ચુંટણીમાં સમાધાન થાય તેવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી.
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણીમાં હાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ ધારાસભ્ય વિરોધી જુથ સાથે બેઠા હોવાનુ જાણવા મળ્યુ છે. ત્યારે પ્રદેશ ભાજપની કડક સુચનાથી માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપ એક થાય તો કોંગ્રેસનુ સ્ટેન્ડ શું રહેશે તેવા પ્રશ્નમાં પશાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સહકારી સંસ્થાઓમાં રાજકીય લેબલ હોતુ નથી. સંસ્થાઓમાં ભાજપ કોંગ્રેસ આવતુ નથી. ચુંટણીમાં અત્યારે રાજુભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલની સાથે છીએ. પરંતુ ભાજપ એક થશે તો માર્કેટની ચુંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખશે અને પેનલ બનાવી ચુંટણી લડશે.