ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં ભીખાલાલ અને ભરતસિંહની પેનલ ટકરાશે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થતા ખેરાલુ ભાજપના બે ગ્રુપ સામસામે આવી ગયા છે. ખેરાલુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી જ્યારે રેલ્વે સ્ટેશન પાસે વડનગર, ખેરાલુ અને સતલાસણાની સંયુક્ત માર્કેટયાર્ડ હતુ તે પછી રાજ્ય સરકારે ત્રણે તાલુકાના માર્કેટયાર્ડ ૨૦૧૬ માં વિભાજન કર્યુ. જેમાં સતલાસણા માર્કેટયાર્ડ તો પહેલેથીજ ધમધમતુ હતુ ત્યારે ખેરાલુ અને વડનગર માર્કેટયાર્ડ મૃતપાય થઈ ગયુ હતુ. ૨૦૧૬ માં ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી આવતા ભીખાલાલ ચાચરીયાએ ચુંટણી ટાણે વચન આપ્યુ કે આપણો પાક આપણું બજારને ખેરાલુ હાઈવે ઉપર લઈ જઈશ અને ભવ્ય માર્કેટયાર્ડ બનાવીશુ. ત્યારબાદ ૧૬ વિઘા જમીન હાઈવે ઉપર ખરીદી અને પોતાની ૫૮.૧૬ ગુંઠા એટલે કે કરોડોની કિંમતની સવા બે વિઘા જમીન માર્કેટયાર્ડને વિનામુલ્યે દાન આપી નવિન માર્કેટયાર્ડ બનાવવાનું ૧૭ જૂન ૨૦૧૭ માં કામ શરુ કર્યુ અને ચાર વર્ષમાં ૧૭ જુલાઈ ૨૦૨૧ માં માર્કેટયાર્ડનું લોકાર્પણ પણ કરાયુ.
ખેરાલુના નવિન માર્કેટયાર્ડને સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડનું નામાંકન કરાયુ. જેમાં કુલ ૧૨૮ પેઢીઓ(દુકાનો) અદ્યતન બનાવી છે. જેમાં ચાલુ અઠવાડીયામાં ત્રણ નવી પેઢીઓ સાથે કુલ ૧૭ દુકાનો શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડને ધમધમતુ કરવા માટે માર્કેટ શેષ-૪૦ પૈસા કરી દીધી અને વેપારી કમિશન ૧.૨૫ રૂપિયા કરી દીધુ છે. જેના કારણે વેપારીઓ આકર્ષાઈ રહ્યા છે. દિવાળી સુધીમાં બીજી ૪૦ પેઢીઓ (દુકાનો) શરુ કરવા માટે ભીખાલાલ ચાચરીયાએ સંકલ્પ કર્યા છે. હાલ જે રીતે ખેરાલુ માર્કેટયાર્ડમાં ફટાફટ પેઢીઓ(દુકાનો) શરૂ થઈ રહી છે તે જોતા એવુ લાગે છેકે છ થી નવ મહિનામાં માર્કેટયાર્ડની તમામ દુકાનો ખુલી જશે. ત્યારે હવે રાજ્ય સરકારના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી જાહેર કરી છે. જેમાં ખેરાલુ માર્કેટયાર્ડને પારસમણીની જેમ સમૃધ્ધ કરનાર ભીખાલાલ ચાચરીયા સામે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની પેનલો ચુંટણી લડવા તલાવારોને ધાર કાઢી રહી હોવાના સમાચારો વહેતા થયા છે.
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપો સામસામે ચુંટણી લડી રહ્યા છે. જેથી આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મોટુ નુકશાન થશે તેમાં કોઈ બે-મત નથી. ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં બન્ને પક્ષો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નિતી ચાલશે. જેમાં બન્ને પક્ષે કેમ્પો થશે. મતદારોને ૧૫ દિવસના પ્રવાસનો લાભ મળશે. બન્ને મહાનુભાવોને એક કરી શકે તેવો વ્યક્તિ ખેરાલુ વિધાનસભામાં નથી. ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પ્રયત્ન કરે તો ભાજપના બન્ને ગ્રુપો એક થઈ શકે તેમ છે. માર્કેટયાર્ડની ચુંટણીમાં ભાજપના બે ગ્રુપો એક નહી થાય તો વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ખેરાલુ વિધાનસભામાં મોટુ નુકશાન થશે તે ધ્યાને રાખીને બન્ને ગ્રુપો વચ્ચે સમાધાન કરાવવુ જોઈએ. ધારાસભ્ય અજમલજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી(ફતેપુરા), અવળળભાઈ ચૌધરી (ચાચરીયા), કનકસિંહ ઠાકોર(ડભોડા), ભગુભાઈ ચૌધરી (વઘવાડી), રેવાભાઈ ચૌધરી(અરઠી), નરેશભાઈ બારોટ(વકીલ), દિનેશભાઈ ચૌધરી (હીરવાણી), વિનુભાઈ ચૌધરી એડવૉકેટ (પાન્છા), વિનોદભાઈ ચૌધરી (પાન્છા), ભીખાભાઈ પટેલ (સાગથળા), કેશુભાઈ ચૌધરી(વઘવાડી), બાબુજી ઠાકોર(વાવડી), ભરતજી ઠાકોર(લીમડી), ડાહ્યાજી ઠાકોર (કુડા), ભુપતસિંહ ઠાકોર (ડભોડા), નટવરસિંહ રાજપૂત (ડભોડા), રમેશજી ઠાકોર(દેલવાડા), રમેશજી ઠાકોર (નળુ), દલજીભાઈ ચૌધરી (વઘવાડી), લાલાજી ઠાકોર(ખેરાલુ), પરથીભાઈ ચૌધરી (ડાઓલ), દશરથભાઈ પ્રજાપતિ(થાંગણા), મુકેશભાઈ બારોટ (ડભાડ), હેમન્તભાઈ શુકલ(ખેરાલુ), ધર્મેન્દ્રભાઈ બારોટ(ચાડા), ગોવિંદભાઈ સેનમા(હીરવાણી), નરેશભાઈ રાવત(પાન્છા), રમેશભાઈ રાવત(મંડાલી), ચંદ્રકાન્તભાઈ રાવત(મંડાલી), હારૂનભાઈ સિંધી(ખેરાલુ), ઈદ્રીશભાઈ મનસુરી (ખેરાલુ), ઈબ્રાહિમખાન તુંવર(ડભાડ), નારાયણભાઈ ચૌધરી(મછાવા), મોઘજીભાઈ ચૌધરી(ખેરાલુ), જગતસિંહ રાણા(મંદ્રોપુર), દિલિપસિંહ રાણા (મંદ્રોપુર), સી.ડી. દેસાઈ (ખેરાલુ), શેખુભાઈ કાજી (લાલાવાડા), સુરેશભાઈ પરમાર(ચાડા), મુકેશભાઈ દેસાઈ(ખેરાલુ) જેવા અગ્રણીઓની એક મિટીંગ બોલાવી બન્ને પેનલોને એક કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણી મહત્વની નથી પરંતુ ખેરાલુ માર્કેટયાર્ડ ધમધમતુ થાય તેને પ્રાધાન્ય આપીને બન્ને આગેવાનો વચ્ચે સમાધાન થવુ જોઈએ તેવુ અમારુ માનવુ છે.
ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ ૨૫-૧૧-૨૦૨૧ છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ૨૬-૧૧-૨૦૨૧ છે. ઉમેદવારી પરત ખેચવાની તારીખ ૨૯-૧૧-૨૦૨૧ છે. ચુંટણીની તારીખ ૭-૧૨-૨૦૨૧ છે અને મત ગણતરીની તારીખ ૮-૧૨-૨૦૨૧ છે.