વિસનગરમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનુ સ્વાગત કરાયુ
કોંગ્રેસની કોરોનામાં ભોગ બનનારના હક્ક માટે ન્યાયયાત્રા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનામાં જે લોકો ભોગ બન્યા છે તેમના હક્ક માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણી ન્યાય યાત્રામાં વિસનગર આવતા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરોધપક્ષના નેતાએ કોરોના મૃતકોના હક્ક માટે તેમજ મૃતકોના વારસદારોને નોકરી માટે કોંગ્રેસ ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવશે તેમ જણાવ્યુ હતુ. જે માટે વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોરોનામાં ભોગ બનનાર પરિવારોની મુલાકાત લઈ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.
કોરોના મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મહામારીના કારણે અનેક પરિવાર રજળી પડ્યા છે. ત્યારે ભાજપ સરકાર લાજવાની જગ્યાએ સફળતાના પાંચ વર્ષ અને જન આશિર્વાદના કાર્યક્રમો કરીને ગાજી રહી છે. કોરોના મહામારીમાં ભોગ બનનાર પરિવારોને પોતાનો હક્ક અપાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભોગ બનનાર પરિવારોને ન્યાય અપાવવાની આશાએ કોંગ્રેસના કાર્યકરો ઘેર ઘેર ફરી રહ્યા છે. વિસનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને આર્થિક સહાયની માગણી સાથે ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ માનસિંહજી ઠાકોર, માજી મંત્રી કિરીટભાઈ પટેલ, ન્યાય યાત્રાના નિરિક્ષક અશોકસિંહ વિહોલ, વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, કોંગ્રેસ માલધારી સેલના ચેરમેન હેમુભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર મુસ્તાકભાઈ સીંધી, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોકસિંહ વાઘેલા, પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ, પાલિકા કોર્પોરેટર હિરેનભાઈ પટેલ, વિસનગર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ વસંતીબેન પ્રજાપતિ, જીલ્લા કોંગ્રેસ અનુ.જાતિના પ્રમુખ મહેશભાઈ રાઠોડ, જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હસમુખભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ન્યાય યાત્રાના કાર્યક્રમ દરમ્યાન વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધનાણી વિસનગર આવતા કડા ત્રણ રસ્તા પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા પરેશ ધનાણીનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ હતુ. જ્યારે માલધારી સેલના પ્રમુખ હેમુભાઈ રબારીએ રબારી સમાજના ગૌરવ સમાન લાલ પાઘડી પરેશભાઈ ધનાણીને પહેરાવી આવકાર્યા હતા.
કોંગ્રેસની ન્યાય યાત્રા સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારીમાં ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવડી છે. ભાજપ સરકારની મહામારીમાં અવ્યવસ્થા તેમજ ગેરવહીવટના કારણે સારવાર નહી મળતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મહામારીના મૃતકોના પરિવારને સહાય આપવામાં સરકારે અસંવેદનશીલતા દાખવી છે. ન્યાય યાત્રામાં કોંગ્રેસની મુખ્યત્વે ચાર માગણી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત આપત્તીમાં મૃત્યુ પામનાર પરિવારને રૂા.૪ લાખની સહાય આપવાનુ પ્રયોજન છે. ત્યારે સરકારે કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારોને કોઈ સહાય આપી નથી. કોરોનામાં મૃતકોના આધારભૂત પુરાવા લઈ વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આવા પરિવારની વિગતો એકઠી કરીને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. મૃત્યુ સહાય માટે આવેદન પત્ર આપવામાં આવશે અને કોંગ્રેસ દ્વારા આ માટે લડત આપવામાં આવશે. કોરોનામાં સરકારી ફરજ દરમ્યાન જે કર્મચારીનુ મૃત્યુ થયુ હોય તેમના પરિવારમાંથી કોઈ એકને નોકરી મળે, સાત દિવસથી વધારે જે કોરોના સંક્રમિત દર્દિએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હોય તેમને સરકાર દ્વારા સહાયરૂપ વળતર મળે તેમજ મહામારીમાં લોકો રીબાતા હતા ત્યારે હાથ ઉપર હાથ ધરી બેસી રહેલી સરકારની નિષ્ક્રીયતાની વિગતો બહાર લાવવા કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે.