સવા વર્ષ મળેલી તકમાં ૧૫ વર્ષનુ મહેણું ભાગવા અનેક પડકાર
ઋષિભાઈ પટેલ મંત્રી બનતા વિસનગરના વિકાસનુ ભાગ્ય ખૂલ્યુ
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ હવે મંત્રી ઋષિકેશભાઈ પટેલ કહેવાશે. કેબીનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતાજ વિસનગરમાં અત્યારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જેઓ મંત્રી બનતાની સાથેજ વિસનગરના વિકાસનુ ભાગ્ય ખુલ્યુ છે. સમય ઓછો છે અને સમગ્ર રાજ્યની જવાબદારી સાથે તક મળી છે ત્યારે ૧૫ વર્ષનુ મહેણુ ભાગવા માટે અનેક પડકારોનો સામનો કરવાનો છે. સહનશક્તિ અને સંવેદના ધરાવતા ઋષિભાઈ પટેલને ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા બનાવી ભાજપે મહત્વની જવાબદારી સોપી છે. ભાજપની અગ્નિ પરીક્ષામાં ઋષિભાઈ પટેલ કેટલા સફળ થાય છે તે હવે તેમની કાર્યશક્તિ ઉપરથી જોવા મળશે.
વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતાની સાથેજ વિસનગર વિધાનસભા સીટમાં ત્રણ ટર્મથી ચુંટાયેલા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વિશ્વાસુ ગણાતા સિનિયર ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ નામ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મુખ્યમંત્રીના દાવેદારમાં ચર્ચાયુ હતુ. મુખ્યમંત્રીની દાવેદારીમાં નામ ચર્ચાતાજ ઋષિભાઈ પટેલની રાજકીય તાકાતનો પરિચય થઈ ગયો હતો. મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલનુ નામ ફાઈનલ થતાની સાથેજ સિનિયર ધારાસભ્ય હોવા છતાં રાજકીય અન્યાયનો ભોગ બનેલા ઋષિભાઈ પટેલને મંત્રી પદ મળશે તેવુ મક્કમતાથી ચર્ચાતુ હતુ. મંત્રીમંડળમાં નોરીપીટ થીયરીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પડતા મુકાતા ઉત્તર ગુજરાતમાંથી ભાજપ પાટીદાર ચહેરા તરીકે સિનિયર ધારાસભ્ય ઋષિભાઈ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપશે તેવી શક્યતા જોવાતી હતી. છેલ્લા ત્રણ ટર્મથી રાજકીય રીતે વેતરાઈ આવતા ઋષિભાઈ પટેલને આ વખતે પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળે તે માટે ભારે ધમપછાડા થયા હતા. તા.૧૫-૯ નો શપથવિધિ સમારંભ મોકૂફ રહેતાની સાથેજ ઋષિભાઈ પટેલને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહી તેનો સતત ભય હતો. ત્યારે તા.૧૬-૯-૨૦૨૧ ને ગુરુવારની સવારે પ્રદેશ ભાજપમાંથી મંત્રીમંડળમાં શપથ માટે ફોન આવતાજ વિસનગરમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજકીય હરિફોને હંફાવી ઋષિભાઈ પટેલ મંત્રીમંડળમાં પહોચતા ભાજપના કાર્યકરોમાં તેની ખુશી હતી. ધારાસભ્ય કાર્યાલય આગળ આતશબાજી કરી ઋષિભાઈ પટેલને મંત્રી મંડળમાં સ્થાન આપવાની જાહેરાતને વધાવી હતી. ઢોલ નગારા સાથે કાર્યકરોએ અક્કલ હોશિયારીથી મંત્રીપદ સુધી પહોચેલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલની સફળતાને આવકારી હતી.
કેબીનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી મંડળ માટે શપથવિધિ શરૂ થતાની સાથેજ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી તરીકે શપથ લેતાની સાથે વિસનગરના લોકોની ખુશી બેવડાઈ હતી. મહત્વનુ ખાતુ મળશે તેવી આશા બંધાઈ હતી. વિસનગરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો તથા શુભેચ્છકો કેબીનેટ મંત્રી બનનાર ઋષિભાઈ પટેલને અભિનંદન આપવા ગાંધીનગર પહોચ્યા હતા. જ્યા ઋષિભાઈ પટેલ ઉપર અભિનંદન વર્ષા થઈ હતી. ઋષિભાઈ પટેલને આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ તેમજ જળ સંપત્તી અને પાણી પુરવઠા વિભાગની મહત્વની જવાબદારી સોપવામાં આવી છે.
૨૪ વર્ષ બાદ વિસનગર વિધાનસભા સીટને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે. ઋષિભાઈ પટેલ ઉત્તર ગુજરાતના સિનિયર ધારાસભ્ય હોવા છતા તેમનુ રાજકીય કદ વધી ન જાય તેનુ સતત ધ્યાન રાખી વિસનગરનો વિકાસ અટકાવવામાં આવ્યો છે. ઋષિભાઈ પટેલે પોતાની આવડત અને વગ આધારે ધાધુસણથી રેડ લક્ષ્મીપુરા સીંચાઈ માટે પાઈપલાઈન તેમજ ફક્ત વિસનગર તાલુકા માટે ૫ કરોડ લીટરની કેપેસીટીનો ફીલ્ટરેશન પ્લાન્ટ મંજુર કરાવ્યો છે. તેમ છતાં વિસનગર શહેરને લગતા અનેક વિકાસ કામ અટકી પડેલા છે. મંત્રી ઋષિભાઈ પટેલ પાસે સમય સવા વર્ષનો છે જ્યારે શહેરને લગતા વિકાસ કામના પડકાર ઘણા છે. મળેલા ત્રણ ખાતામાં સમગ્ર રાજ્યની જવાબદારી, ઉત્તર ગુજરાતના પાટીદારોને એક કરવાની જવાબદારી સાથે વિસનગર શહેરના વિકાસની પણ એટલીજ જવાબદારી સંભાળવાની છે. તક મળીજ છે ત્યારે શહેરના અટકી પડેલા વિકાસ કામ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ધમધમાવશે તેવી આશા બંધાઈ છે.
↧
સવા વર્ષ મળેલી તકમાં ૧૫ વર્ષનુ મહેણું ભાગવા અનેક પડકાર ઋષિભાઈ પટેલ મંત્રી બનતા વિસનગરના વિકાસનુ ભાગ્ય ખૂલ્યુ
↧