વિસનગર પાલિકાનુ બીલ વસુલવા નાક દબાવ્યુ
LED કોન્ટ્રાક્ટરે અંધારપટ કરી શહેરને બાનમાં લીધુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ સરકાર પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે છાવરતા અત્યારે સ્ટ્રીટલાઈટની કમ્પલેનમાં સમગ્ર વિસનગર શહેર હેરાન થઈ રહ્યુ છે. પાલિકામાંથી બીલ મંજુર કરવા એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટરે અંધારપટ કરી શહેરને બાનમાં લેતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી હેરાન કરતા એલ.ઈ.ડી. કોન્ટ્રાક્ટરને કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ શબક શીખવે અને કોન્ટ્રાક્ટરની બાનમાંથી મુક્ત કરાવે તેવી શહેરીજનોની લાગણી છે.
• સીમકાર્ડ સાથેની ટાઈમર સ્વીચોમાં ઓનલાઈન ફેરફાર કરીને ખોટી રીતે હેરાન કરાય છે
• મંત્રી ઋષિભાઈ પટેલ કોન્ટ્રાક્ટરને શબક શીખવે તેવી લાગણી
વિસનગરમાં છેલ્લા એક માસથી સ્ટ્રીટલાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજે ૭-૦૦ કલાક સુધીમાં અંધારુ થઈ જાય છે ત્યારે ૭-૩૦ કલાક સુધી સ્ટ્રીટલાઈટો શરૂ થતી નથી. જ્યારે વહેલી સવારે અંધારુ હોય ત્યારે સ્ટ્રીટલાઈટો બંધ થઈ જાય છે. EESL કંપનીનો કોન્ટ્રાક્ટર એલ.ઈ.ડી.લાઈટનો માલ સપ્લાય નહી કરતા શહેરમાં ૪૦૦ ઉપરાંત્ત લાઈટ બંધ છે. કોન્ટ્રાક્ટર સ્ટાફ ફાળવતો નહી હોવાથી સ્ટ્રીટ લાઈટની ઘણી કમ્પલેન પેન્ડીંગ છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને છાવરતા અત્યારે વિસનગરમાં લોકો છેલ્લા ચાર વર્ષથી સ્ટ્રીટ લાઈટમાં હેરાન થઈ રહ્યા છે.
વિસનગર પાલિકામાં ભાજપના બોર્ડે સત્તા સંભાળતાની સાથેજ એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટર માલ સપ્લાય કરે તે માટે રૂા.૫ લાખનો ચેક બીલ પેટે આપવામાં આવ્યો હતો. તેમ છતાં માલ સપ્લાય નહી કરતા અત્યારે શહેરમાં સ્ટ્રીટલાઈટ બાબતે લોકો હેરાન થઈ રહ્યા છે. અંધારુ થયા બાદ લાઈટો ચાલુ થાય છે અને વહેલી સવારે અંધારામાં લાઈટો બંધ થઈ જાય છે. જે બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ છેકે, બીલ મંજુર કરાવવા કોન્ટ્રાક્ટરે પાલિકાનુ નાક દબાવ્યુ છે. કોન્ટ્રક્ટર દ્વારા ટાઈમર સ્વીચો લગાવવામાં આવી છે. જેમાં નાખવામાં આવેલ સીમકાર્ડ આધારે કોન્ટ્રાક્ટર દ્વારા ઓનલાઈન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટર ઓનલાઈન સમયમાં ફેરફાર કરતોહોવાથી ભાજપ શાસીત વિસનગર પાલિકા પણ મજબુર બની લોકોને થતી હેરાનગતીનો તમાસો જોઈ રહી છે. વિસનગર પાલિકામાં અને રાજ્યમાં ભાજપનુ શાસન હોવા છતા એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટરની મનમાની સામે પાલિકાના વગદાર સભ્યો કેમ બોલી શકતા નથી તે નવાઈની બાબત છે. કોઈ હોદ્દો જોઈતા હોય તો આ વગદાર સભ્યો ભાજપના અદના નેતાઓ સુધી પહોચી શકે છે. જ્યારે સ્ટ્રીટલાઈટની પડતી હાલાકી દુર કરવા રજુઆત કરી શકતા નથી.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ તથા કેટલાક સભ્યો દ્વારા સ્ટ્રીટ લાઈટ કોન્ટ્રાક્ટરની હેરાનગતી દુર કરવા માટે શહેરી વિકાસ કમિશ્નર સુધી રજુઆત કરવામાં આવી છે. પરંતુ પરિણામ લાવી શક્યા નથી. કોન્ટ્રાકટરની મનમાની રોકવા પાલિકા દ્વારા ટાઈમર સ્વીચ બદલવાનુ પણ વિચારાઈ રહ્યુ છે. પરંતુ ભાજપના સભ્યોની ત્વરીત નિર્ણય શક્તિના અભાવે અત્યારે આખુ શહેર હેરાન થઈ રહ્યુ છે. મંત્રી ઋષિભાઈ પટેલ પણ સ્ટ્રીટલાઈટના પ્રશ્નથી વાકેફ છે. ત્યારે સ્ટ્રીટલાઈટ કોન્ટ્રાક્ટરની ચુંગાલમાંથી શહેરીજનોને મુક્ત કરાવે તે જરૂરી છે.
↧
વિસનગર પાલિકાનુ બીલ વસુલવા નાક દબાવ્યુ LED કોન્ટ્રાક્ટરે અંધારપટ કરી શહેરને બાનમાં લીધુ
↧