જશુભાઈ પટેલને માર્કેટયાર્ડમાં આવક થાય તે કેમ ગમતુ નથી?
મગફળીની રૂા.૧૬.૭૧ કરોડની ખરીદી-રૂા.૩૫ કરોડના કૌભાંડનો વિવાદ તથ્યહિન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડનો ચેરમેન ઋષિભાઈ પટેલ દ્વારા અભૂતપૂર્વ વિકાસ કરવામાં આવ્યો છે. પરંતુ જેને પીળીયો થયો હોય તેને બધુજ પીળુ દેખાય છે તેમ વિઘ્નસંતોષી લોકો વિકાસ જોઈ શકતા નથી. માર્કેટયાર્ડમાં આવક થાય અને આવકનો પૈસો વિકાસમાં વપરાય તે પણ ગમતુ નથી. માર્કેટયાર્ડના કથીત રૂા.૩૫ કરોડના કૌભાંડ બાબતે ડીરેક્ટરોએ જણાવ્યુ છેકે, કુલ રૂા.૧૬.૭૧ કરોડની મગફળીની ખરીદી થઈ છે. ત્યારે કૌભાંડ એ ગંદી માનસિકતાની ઉપજ છે.
જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા ઋષિભાઈ પટેલના શાસનમાં રૂા.૩૫ કરોડનુ મગફળી કૌભાંડ થયુ હોવાના આક્ષેપથી ખળભળાટ વ્યાપ્યો છે. ઋષિભાઈ પટેલ વિરુધ્ધ તથ્યહિન આક્ષેપ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિસનગર માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ જયંતિલાલ પટેલ, પંકજકુમાર ચુનીલાલ પટેલ, રાજીવકુમાર નરોત્તમભાઈ પટેલ તથા દિનેશકુમાર એમ.પટેલ દ્વારા સંયુક્ત નિવેદનમાં જણાવાયુ છેકે, નિયામકશ્રી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા.૨૧-૧૦-૨૦૧૬ ના પત્ર નંઃ-નબસ/૦૧/થ/સ-૧/૧૯૨૦/૫૨૯૪/૨૦૧૬ અન્વયે ભારત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નાફેડની નિયુક્ત કરવામાં આવેલ. સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂા.૪૨૨૦/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ.
• માર્કેટયાર્ડમાં પારદર્શક રીતે નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ છે
• ઉંઝા તાલુકામા જે ખેતી થતી નથી તે પાક ઉંઝા માર્કેટયાર્ડમાં વેચાય છે તો વિસનગર તાલુકામાં ખેતી થતી ન હોય તે પાકની માર્કેટયાર્ડ દ્વારા ખરીદી કરાય તો પેટમાં કેમ દુઃખે છે
નિયામકશ્રી, ગાંધીનગરના પરિપત્ર અન્વયે નાયબ નિયામકશ્રી ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર મહેસાણાના પત્ર નંઃ-નબસ/૦૧/ચ-૧/૧૨૫૯/૫૨૯૪/૨૦૧૬ તા.૨૨-૧૧-૧૬ ના પત્રથી કચેરીની અધિકારી એસ.આર.પટેલ મદદ.જી.રજી.(હા)ને બજાર સમિતિ વિસનગરમાં મગફળી ખરીદી અંગે નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જે અન્વયે તેમની દેખરેખ નીચે ખરીદી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા રાજ્યની નોડલ એજન્સી તરીકે બનાસ ડેરી પાલનપુરની નિમણુંક કરાઈ હતી. જે અન્વયે બનાસડેરી પાલનપુર દ્વારા બજાર સમિતિ વિસનગરને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા કેન્દ્ર ફાળવેલ. બનાસ ડેરીના પત્ર નંઃ-દુધ-સુપર/૯૩૪૨/તા.૧૨-૧૧-૨૦૧૬ ના પત્રથી મગફળીની ખરીદી શરૂ કરાવી ખરીદી અંગેનો જરૂરી અહેવાલ બનાસ ડેરી પાલનપુરમાં મોકલવા માટે બનાસ ડેરી પાલનપુરના અધિકારી સોમાભાઈ એસ.પ્રજાપતિ (વિ.અધી.વિજીલન્સ)ને બજાર સમિતિ વિસનગરમાં મગફળીની ખરીદી માટે નિમણુંક કરવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ પાલનપુર તથા બજાર સમિતિ વિસનગરનો ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા તા.૧૫-૧૧-૧૬ ના રોજ રૂા.૧૦૦/- ના ઈ.સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની હોય, ખેડૂત હોવાના પુરાવાઓ, ૭/૧૨, ૮/અ ના ઉતરાની નકલ, વાવેતર અંગે મામલતદાર-તલાટીનુ પ્રમાણપત્ર, ખેડૂતનુ આધારકાર્ડ, આઈ.ડી.પ્રુફ, આર.ટી.જી.એસ. કે નેફ્ટથી ખેડૂતના ખાતામાં સીધુ પેમેન્ટ કરી શકાય તે માટે આઈ.એફ.એસ.સી.કોડ સાથેની બેંક પાસબુક લેવી, ખરીદ કરનાર સંસ્થા બજાર સમિતિ વિસનગરને ખરીદીની નેટ રકમ ઉપર ૧% મુજબ કમિશન મળશે. કુલ કમિશનમાંથી ૧૫ ટકા રકમ રીઝર્વ રીફંડેબલ ડીપોઝીટ તરીકે રાખવામાં આવશે. જે રકમ કેગ(સીએજી) નુ ઓડીટ પૂર્ણ થયા બાદ મળશે અને કમિશનની ૮૫ ટકા રકમ નાડેફનુ ઓડીટ પૂર્ણ થયા બાદ સમિતિને મળશે. ખરીદ કરેલ માલ બનાસડેરી પાલનપુર દ્વારા નક્કી કરેલ ગોડાઉન ઉપર પહોચાડી વેરહાઉસના મેનેજરનો સિક્કો તથા સહીવાળી રસીદ મેળવી તેની નકલ બનાસડેરી પાલનપુરને મોકલવાની રહેશે. ખરીદી કરેલ માલ ગોડાઉન સુધી ન પહોચે ત્યા સુધીની જવાબદારી બજાર સમિતિની રહેશે તેમજ ખેડૂતના માલની ખરીદી બનાસડેરી પાલનપુર તથા જીલ્લા રજીસ્ટ્રાર મહેસાણાના નોડલ ઓફીસરની રૂબરૂમાં કરવામાં આવશે તેવી શરતોનો કરાર કરી મગફળીની ખરીદી કરાઈ હતી. જે શરતો પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂા.૪૨૨૦ ક્વિન્ટલના ભાવે ૧૬૭૦૬ ક્વિન્ટલની રૂા.૭,૦૪,૯૯,૩૨૦/- ની મગફળી ખરીદી કરાઈ હતી. જેમાં વિસનગર માર્કેટયાર્ડને રૂા.૭,૦૪,૯૯૩/- કમિશન આવક થઈ હતી.
વર્ષ ૨૦૧૭-૧૮ માં બનાસડેરીના જવાબદાર અધિકારી શંકરભાઈ કે.પટેલ નોડલ અધિકારી તથા જે.ડી.ચૌધરી ખેતીવાડી અધિકારી(ભૂમો) વ તાલુકા અમલીકરણ અધિકારી વિસનગરની દેખરેખમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જે વર્ષ પણ શરતો પ્રમાણે રૂા.૪૫૦૦/- ક્વિન્ટલના ભાવે ૨૧૪૬૭.૬૦ ક્વિન્ટલની રૂા.૯,૬૬,૦૪,૨૦૦/- ની મગફળી ખરીદાઈ હતી. જેમાં માર્કેટયાર્ડને રૂા.૯,૬૬,૦૪૨/- ની કમિશનની આવક થઈ હતી. તમામ ખરીદી કોમ્પ્યુટર સીસ્ટમ(વેબ/મોબાઈલ) દ્વારા કરવામાં આવેલ. જેમાં જીલ્લાની તથા જીલ્લાની હદને જોડાયેલા જીલ્લાના ખેડૂતની મગફળી ખરીદ કરવાની છુટ આપી હતી.
ટેકાના ભાવે મગફળી ખરીદવા વિસનગર માર્કેટયાર્ડમાં કેન્દ્ર મંજુર કરવામાં આવતા માર્કેટયાર્ડને કુલ રૂા.૧૬,૭૧,૦૩૫/- ની કમિશનની આવક થઈ છે. એક નહી પરંતુ નિયુક્ત કરવામાં આવેલ બબ્બે નોડલ અધિકારીની દેખરેખમાં મગફળી ખરીદ કરવામાં આવી હતી. પછી રૂા.૩૫ કરોડના કૌભાંડની વાતજ ક્યા રહી. ઉંઝા માર્કેટયાર્ડમાં ઉંઝા તાલુકામાં જેની ખેતી થતી નથી તે ખેતપેદાશની આવક વિસનગર તાલુકામાં જેની ખેતી થતી ન હોય તે ખેતપેદાશની માર્કેટયાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવે તો વિરોધ કેમ? કમિશનની જે આવક થઈ છે તે વિકાસમાં ખર્ચ થવાનો છે. જશુભાઈ પટેલને માર્કેટયાર્ડમાં આવક થાય છે તે કેમ ગમતુ નથી. માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં કૌભાંડ થયાનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે જશુભાઈ પટેલની ગંદી રાજનિતિની માનસિકતાની ઉપજ છે.
↧
જશુભાઈ પટેલને માર્કેટયાર્ડમાં આવક થાય તે કેમ ગમતુ નથી? મગફળીની રૂા.૧૬.૭૧ કરોડની ખરીદી-રૂા.૩૫ કરોડના કૌભાંડનો વિવાદ તથ્યહિન
↧