તંત્રી સ્થાનેથી
મોઘવારીમાં રાહત મેળવવા માટે પેટ્રોલ-ડીઝલને જી.એસ.ટી. નીચે લાવો
કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ માસમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂા.૯૪૧૮૧ કરોડની આવક મેળવી છે. ઈંધણ ઉપરના ભારે વેરાના કારણે અગાઉના નાણાંકીય વર્ષ કરતાં ૮૮ ટકા વધુ આવક મેળવી છે. સરકાર પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો ઉપર મોટા પ્રમાણમાં વેરા વસુલે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ખૂબ નીચા ગયા હતા ત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટી ઘણી વધારી દઈ સરકારે પ્રજાને સસ્તા ઈંધણનો લાભ આપ્યો નહતો. આની સામે સરકાર કહે છેકે કોવીડ રોગચાળા સામે લડવા માટે વધુ નાણાંની જરૂર હોવાથી હાલ ડ્યુટી નહિ ઘટાડી શકાય. ગત વર્ષે રોગચાળાને કારણે ઈંધણની માંગ ખૂબ ઘટી જતાં ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો ઘણા વર્ષે નીચા સ્તરે પહોચી ગયા બાદ સરકારે ઘટેલી કિંમતો ઉપર વધુ વેરો મેળવવા પેટ્રોલ ઉપરની એક્સાઈઝ ડ્યુટી લીટરે રૂા.૧૯.૯૮ ઉપરથી વધારીને રૂા.૩૨.૯૦ કરી હતી. જ્યારે ડીઝલ ઉપરની એક્સાઈઝ ડ્યુટી રૂા.૧૫.૮૩ વધારીને રૂા.૩૧.૮૦ લીટરે કરવામાં આવી હતી. આના કારણે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝની વસુલાત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં આવક વધીને ૩.૩૫ લાખ કરોડ થઈ હતી. જે એક વર્ષ પહેલા રૂા.૧.૭૮ લાખ કરોડ હતી આ આંકડા તંત્ર તરફથી બહાર પાડવામાં આવ્યા હતા. આ વસુલાત જે છે તેના કરતાં પણ ઊંચી હોત. પણ લોકડાઉન તથા અન્ય નિયંત્રણોને કારણે ઈંધણની વપરાશ ઘટતાં આવક થોડી ઘટી હતી. એપ્રીલથી શરૂ થતા હાલના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રણ માસમાં એક્સાઈઝ ડ્યુટીની આવક રૂા.૯૪૧૮૧ કરોડ થઈ હતી. આ આવક અન્ય પેટ્રોલીયમ પેદાશો પરથી પણ મળેલી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો ઉપરની ડ્યુટીમાંથી ખાસી કમાણી કરી છે. સરકાર આ નાણાં રોગચાળા સામે લડવા ખર્ચતી હોય તો સારી વાત છે પરંતુ ઈંધણોમાં અને તેમાંયે ખાસ કરીને ડીઝલના ભાવોમાં રાહત મળે તે હવે મોંઘવારીને નાથવા માટે જરૂરી છે. ડીઝલ અને પેટ્રોલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો ચોક્કસ તેમાં ઘટાડો થઈ શકે તેમ છે તે ઉપરાંત્ત બીજી રીતે પણ સરકાર વિચારે-ઈંધણો પરનો થોડો વેરો ઘટાડે, પ્રજાને કંઈક રાહત આપે તે જરૂરી બન્યુ છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટી ઉપરાંત્ત રાજ્ય સરકારના સ્થાનિક વેરા પણ લાગે છે. આ વેરા પણ ઘટાડવામાં આવે તથા પેટ્રોલ-ડીઝલને જી.એસ.ટી. નીચે લાવવામાં આવે તો બન્નેની કિંમતો ઘટી શકે છે. પેટ્રોલીયમ પેદાશોને જી.એસ.ટી. નીચે લાવવા માટે કેન્દ્ર સરકારે દેશ વ્યાપી સભ્યોની કમિટિ બનાવી છે. જેમાં વિચારણા બાદ પેટ્રોલીયમ પેદાશોને જી.એસ.ટી. હેઠળ લાવવાનો નિર્ણય કરવામાં આવશે. આ નિર્ણય થાય તો ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં રાહત થઈ શકે છે.