માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે
૩૫૬ દાતાઓએ રક્તદાન કરીને મેગા બ્લડ કેમ્પને સફળ બનાવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં તારીખ ૧૭-૯-૨૦૨૧ ને શુક્રવારના રોજ ગોવિંદ ચકલા પટેલવાડીમાં ૨૫૦ જેટલા રક્તદાતાઓને ટાર્ગેટ સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રકતદાતાઓનું ઘોડાપૂર આવ્યું હતું. જેમાં લગભગ ૫૦૦ જેટલા રક્તદાતાઓ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ સુધીમાં નામ નોધાવ્યા હતા. પરંતુ બ્લડ બેંકની જરૂરિયાત અને રાખવાની કેપેસિટીને આધારે ફક્ત ૩૫૪ જેટલા રક્તદાતાઓને જ રક્તદાન કરવા અનુમતિ આપી હતી. આ કાર્યક્રમની અંદર ૨૫૦ જેટલા રક્તદાતાઓને મોટી ટ્રોલી બેગ પ્રકાશભાઈ પટેલ, એસ.કે. અને રાજુભાઈ પટેલ આર.કે. તરફથી ભેટ આપવામાં આવી હતી. બેગનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો છતાં પણ રક્તદાતાઓએ ગિફ્ટની લાલચ વગર જ રક્તદાન કર્યું હતું. જે એક નોંધનીય બાબત છે. રક્તદાતાઓએ પોતાની એક માનવ ફરજ અદા કરીને રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.
આ રક્તદાન કેમ્પમાં કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન, સ્વસ્તિક મિત્ર મંડળ, લાયન્સ ક્લબ ઓફ વિસનગર અને રોટરી ક્લબ વિસનગર જોડાયા હતા. લાયન્સ ક્લબ વિસનગર દ્વારા રક્તદાતાઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. જ્યારે રોટરી ક્લબ વિસનગર દ્વારા બ્લડની વિવિધ તપાસ કરવામાં આવી હતી. શ્રીજી બુલિયન વાળા ભાવેશભાઈ પટેલ તરફથી શોપિંગ બેગ ભેટ જ્યારે આવકાર સિમેન્ટ વાળા ચૌધરી પ્રવિણભાઈ તરફથી દરેક રક્તદાતાને પેન અને પેડ આપવામાં આવ્યા હતા. જ્યારે કોફી બિસ્કીટ શ્રી રામ સિંગ ચણા વાળા રાજુભાઈ તરફથી હતું. રક્તદાન કેમ્પનું સંપૂર્ણ આયોજન કોપરસિટીના અગ્રણી એવા કિર્તીભાઈ જે. કલાનિકેતન વાળા અને રમેશભાઈ પટેલ સાઈકલવાળા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેને કોપરસિટી ટીમ લાયન્સ ક્લબની ટીમ અને રક્તદાતાઓ દ્વારા સંપૂર્ણ સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમ્યાન મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય શારદાબેન પટેલે મુખ્ય મહેમાન તરીકે મુલાકાત લીધી હતી અને સોમાભાઈ મોદી પણ મહેમાન તરીકે હતા. આ કાર્યક્રમમાં ગોવિંદચકલા પટેલવાડીના ટ્રસ્ટી મંડળ દ્વારા વિનામૂલ્યે વાડી આપી હતી. જેમનો આભાર માનવામાં આવ્યો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના ચેરમેન રાજુભાઇ
આર.કે.એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહ દાખવ્યો હતો. રક્તદાન કેમ્પમાં બંને મહાનુભાવોએ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. રકતદાન કેમ્પમાં કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પટેલ તથા કોપરસિટીની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. અને રક્ત દાન પણ કર્યું હતું.આ કેમ્પની સફળતા માટે મહામંત્રી નીમેશભાઇ શાહ એ આયોજન માં મદદરૂપ થનાર તમામ અને ગિફ્ટ દાતાઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નિરોગી અને લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
↧
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસે ૩૫૬ દાતાઓએ રક્તદાન કરીને મેગા બ્લડ કેમ્પને સફળ બનાવ્યો
↧