ઋષિભાઈ પટેલ ગુજરાતમાં ગૌરવ લઈ શકે તે માટે આરોગ્ય-પાલિકા તંત્ર સજ્જ
વિસનગરમાં આરોગ્ય મંત્રીને ભેટ ધરવા ૧૦૦ ટકા વેક્સીનોત્સવ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનુ ગુજરાતમાં ગૌરવ વધે તે માટે વિસનગરનુ આરોગ્ય અને પાલિકા તંત્ર ૧૦૦ ટકા વેક્સીનોત્સવ માટે સજ્જ બન્યુ છે. ઓક્ટોબરના પ્રથમ અઠવાડીયામાં ટાર્ગેટ પૂર્ણ થાય તે માટે અત્યારે મોટા પ્રમાણમાં વેક્સીનેશન કેમ્પ થઈ રહ્યા છે. જ્યાં વેક્સીન બાકી હોય ત્યાં કેમ્પ માટે સંપર્ક કરવા આરોગ્ય તંત્ર તથા પાલિકા તંત્ર દ્વારા જણાવાયુ છે.
પ્રજા વાત્સલ્ય ધરાવતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ અધિકારીઓમાં પણ એટલાજ પ્રીય છે. ઋષિભાઈ પટેલ ત્રણ ટર્મથી ચુંટાય છે. પરંતુ અધિકારીઓ કે સામાન્ય કર્મચારીઓ સાથે ક્યારેય તોછડાઈથી વાત કરી હોવાનુ જાણવા મળ્યુ નથી. અધિકારીઓને સાથે રાખી અને પુરૂ સન્માન આપી કામ કર્યુ છે. ખોટી કિન્નાખોરી રાખી અધિકારી કે કર્મચારીની બદલી માટે ક્યારેય પ્રયત્નો કર્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી બનતા લોકોમાં જે ઉત્સાહ છે તે અધિકારીઓમાં પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઋષિભાઈ પટેલનુ ગૌરવ વધે તેમજ ઋષિભાઈ પટેલ પણ પોતાના વતનનો દાખલો આપી શકે તે માટે આરોગ્ય તથા પાલિકા તંત્ર ૧૦૦ ટકા વેક્સીનેશન માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. શહેર અને તાલુકામાં થઈ કુલ ૩૮ સેન્ટર ઉપર વેક્સીનેશન થાય તે માટે શરૂઆત કરી દીધી છે.
વેક્સીનેશનમાં વિસનગર શહેર તથા તાલુકાની શું પરિસ્થિતિ છે તે બાબતે હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલે જણાવ્યુ છેકે, વિસનગરમાં ૭૫ ટકા જેટલુ વેક્સીનેશન થઈ ગયુ છે. ૧૮ કે તેથી વધુ ઉંમરના કુલ ૨,૧૩,૫૨૦ માંથી તા.૨૧-૯ ની પરિસ્થિતિએ ૧,૫૬,૮૫૬ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે ૭૩૭૯૭ લોકોએ બીજો ડોઝ લીધો છે. તાલુકાના ગામડામાં કુલ ૧,૧૮,૨૧૯ એ પ્રથમ ડોઝ અને ૫૨૦૨૯ એ બીજો ડોઝ લીધો છે. જ્યારે શહેરમાં ૩૮૬૩૭ લોકોએ પ્રથમ ડોઝ અને ૨૧૭૬૮ લોકોએ બીજો ડોઝ લીધો છે. બીજી ઓક્ટોબર સુધી ૧૦૦ ટકા વેક્સીનેશન પૂર્ણ કરવાના પ્રયત્નો છે. રોજ ગ્રામ્ય કક્ષાએ ૨૬ સેન્ટર ઉપર તથા શહેરમાં ૧૨ સેન્ટર ઉપર વેક્સીન આપવાનુ ચાલુ છે.
વિસનગર શહેરમાં ૧૦૦ ટકા વેક્સીનેશન માટે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક, વોટર વર્કસ ચેરમેન જગદીશભાઈ પટેલ, પાલિકા સભ્ય કૈલાસબેન કડીયા તથા તેમના પતિ ગૌતમભાઈ કડીયા સાથે પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધી વેક્સીનેશન માટે પ્રવર્તેલી
ગેરમાન્યતાઓના કારણે લઘુમતિ સમાજ વેક્સીનેશનથી અળગો રહેતો હતો. ત્યારે શામળભાઈ દેસાઈના પ્રયત્નોથી વોર્ડ નં.૨ ના લઘુમતિ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન થઈ રહ્યુ છે.
ગૌતમભાઈ કડીયા પણ તેમના વોર્ડ નં.૭ ની લઘુમતિ સોસાયટીમાં વેક્સીનેશન માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પાલિકા ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠકે જણાવ્યુ છેકે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ આપણા શહેરના છે. જેથી ૧૦૦ ટકા વેક્સીનેશન કરી તેમને ભેટ આપવી જોઈએ. વેક્સીનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે પ્રમુખ વર્ષાબેન પટેલ, વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ સહિતના પાલિકા સભ્યો મહેનત કરી રહ્યા હોવાનુ ચીફ ઓફીસરે જણાવ્યુ હતુ. ચીફ ઓફીસરે બાકી હોય એ તમામ લોકોને વેક્સીનનો લાભ લેવા માટે વિનંતી કરી છે. પાલિકા વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ છેકે ઘણા વર્ષ બાદ વિસનગર વિધાનસભા સીટને મંત્રી પદનો મોકો મળ્યો છે ત્યારે પક્ષાપક્ષીને કોઈ સ્થાન નથી. પાલિકા દ્વારા વેક્સીનોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ ઉત્સવમાં સહભાગી થવા માટે તમામે પ્રયત્નો કરવાના છે અને વિસનગરને કોરોના મુક્ત કરવાનુ છે.
વિસનગરમાં ૧૦૦ ટકા વેક્સીનેશન માટે અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્વૈચ્છીક પ્રયત્ન કરી રહ્યા છે. જેમને આરોગ્ય વિભાગની કે અન્ય કોઈ વિભાગની સુચના નથી. છતાં આરોગ્ય મંત્રીનુ ગુજરાતમાં ગૌરવ વધે તે માટે આ પ્રયાસ હાથ ધર્યા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે પણ વિસનગરને નિયમિત વેક્સીનના ડોઝ મળતા રહે તેની કાળજી લેવી જરૂરી છે. શુક્રવારના દિવસે વેક્સીનના ડોઝ ઓછા આવતા કેટલાક સેન્ટરો ઉપર વેક્સીનેશન થઈ શક્યુ નહોતુ. વેક્સીન માટે અધિકારીઓ સાથે લોકોનો પણ ઉત્સાહ છે. નિયમિત ડોઝ મળતા રહેશે તો અધિકારીઓ અને શહેર તથા તાલુકાની પ્રજાના પ્રયત્નોથી ૧૦૦ ટકા વેક્સીનોત્સવ સફળ થવાનો છે.