કેબીનેટ મંત્રી બનેલા ઋષિભાઈ પટેલના સન્માનમાં વિરોધી જુથે હથિયાર મ્યાન કર્યા
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણી બીનહરિફ તરફ
ભાજપના જુથવાદનો લાભ લેવા નિકળેલ કોંગ્રેસની હાલત ન ઘરના ન ઘાટના જેવી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થતાની સાથેજ ભાજપનો જુથવાદ વકર્યો હતો. ચુંટણી ફીક્સ હતી. પરંતુ ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ ચુંટણીનો ઉકળતો ચરૂ ઠંડો પડી ગયો છે. કેબીનેટ મંત્રી બનતાની સાથેજ ઋષિભાઈ પટેલના માનમાં વિરોધી જૂથે હથિયાર મ્યાન કરી દીધા છે. ત્યારે ચુંટણી થશે તો રોકડ માલ મળશે તેવી આશા લઈને બેઠેલા લોકોની મુરાદ ઉપર પાણી ફરી વળ્યુ છે. હાલના સમિકરણો જોતા માર્કેટયાર્ડની ચુંટણી બીનહરિફ તરફ જતી જોવા મળી રહી છે.
વિસનગર માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થતાની સાથેજ ધારાસભ્ય ઋષિભાઈ પટેલનુ હરિફ જુથ ચુંટણી લડવા માટે મક્કમ બન્યુ હતુ. પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલની પેનલ ચુંટણી જંગમાં ઉતારવાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. ચુંટણી માટેના ઉમેદવારો નક્કી હતા. મીટીંગો શરૂ થઈ ગઈ હતી અને મંડળીઓના સંપર્ક પણ શરૂ કરાયા હતા. તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ ઋષિભાઈ પટેલના હરિફ જુથના ટેકામાં આવી ભાજપના જુથવાદનો લાભ લેવાની તક ઝડપી હતી. પરંતુ તા.૧૬-૯-૨૦૨૧ ના રોજ બપોર પછી માર્કેટયાર્ડની ચુંટણીના તમામ રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતાની સાથે હરિફ જુથમાં સોપો પડી ગયો હતો. તા.૧૮-૯ પ્રસિધ્ધ થયેલ મતદારયાદી માટે વાધા સુચનો રજુ કરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે જીલ્લા રજીસ્ટાર ઓફીસમાં પટેલ હિરેનભાઈ વાલમ સીવાય કોઈ જોવા મળ્યુ નહોતુ. વાલમ ખેડૂત મંડળી તથા વાલમ જુથ મંડળીમાં બાર મહિનાની મુદત પૂર્ણ થવા છતા કારોબારી નહી બોલાવતા આ બન્ને મંડળીઓ મતદારયાદીમાંથી રદ કરવા હિરેનભાઈ પટેલ દ્વારા વાધા અરજી આપવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે હિરેનભાઈ પટેલને ઋષિભાઈ પટેલનો કોઈ વિરોધ નથી. પરંતુ વાલમ ગામના અને માર્કેટયાર્ડના ડીરેક્ટર પ્રિતેશભાઈ પટેલ સાથેના રાજકીય ખટરાગમાં આ બન્ને મંડળીઓ રદ કરવા વાધા અરજી આપી હતી. રાજ્ય રજીસ્ટ્રારની એક વર્ષની મુદત વધારવાની સત્તા છે. પરંતુ વાલમની આ બન્ને મંડળીઓની મુદત નહી વધારતા હિરેનભાઈ પટેલને જે જોઈતુ હતુ તે મળી ગયુ છે. બીજી બાજુ ઋષિભાઈ પટેલ વિરોધી મંડળીઓ પૈકી વિસનગર જુથ તેમજ દઢિયાળ મંડળીમાં વાર્ષિક સાધારણ સભામાં જનરલ સભાના ઠરાવથી કારોબારીની વરણી કરવામાં આવતા આ બન્ને મંડળીઓને મતદારયાદીમાંથી રદ કરવા વાધા અરજી આપવામાં આવી છે. આ ચાર મંડળીઓ રદ થાય તો બન્ને પક્ષે એક સરખુ નુકશાન હતુ.
પરંતુ હવે માર્કેટયાર્ડની ચુંટણીના સમીકરણો બદલાઈ ગયા છે. ઋષિભાઈ પટેલને મોટી જવાબદારી મળવાની અટકળો પહેલેથીજ હતી. બીજી બાજુ પ્રદેશ ભાજપ દ્વારા પણ ચુંટણીમાં જુથવાદ ન વકરે તેવા પ્રયત્નો હતા. આવા સંજોગોનુ ભવિષ્ય ભાંખી પ્રચારે તાલુકા કોંગ્રેસ પ્રમુખને પ્રશ્ન કર્યો હતો કે ભાજપ એક થશે શુ કરશો. ત્યારે પશાભાઈ પટેલે જવાબ આપ્યો હતો કે ભાજપ એક થશે તો કોંગ્રેસ પેનલ બનાવશે. ઋષિભાઈ પટેલ મંત્રી બનતાની સાથે સમીકરણો બદલાતા કોંગ્રેસની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ છે. માર્કેટયાર્ડની ચુંટણી ખર્ચાળ છે. ફાયનાન્સસરોએ ચુંટણી લડવાનુ માંડી વાળ્યુ છે. ત્યારે કોંગ્રેસ આ ખર્ચાળ ચુંટણી એકલે હાથે લડે તેવી કોઈ શક્યતા કે સંજોગો જોવા મળતા નથી.
ઋષિભાઈ પટેલ વિરોધી જુથના પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ હવે શું કરશે તેની ઉપર સૌની નજર હતી. વાધા અરજી આપવાના છેલ્લા દિવસે કોઈ ગતિવિધિ નહી દેખાતા આ આગેવાનોએ માર્કેટયાર્ડની ચુંટણી લડવા માટેના હથિયાર મ્યાન કર્યાની અટકળો શરૂ થઈ હતી. જ્યારે વિરોધી જૂથે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને શુભેચ્છા પાઠવતા માર્કેટયાર્ડની ચુંટણીનુ પીક્ચર હવે ક્લીયર થતુ જોવા મળી રહ્યુ છે. દુશ્મન હવે દોસ્ત બની જતા માર્કેટયાર્ડની ચુંટણી બીનહરિફ તરફ જતી જોવા મળી રહી છે.