વિસનગર હાઈવે અને કાંસાનો રોડ બીસ્માર
ભારે વરસાદે માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારની પોલ ખોલી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે સોના કોમ્પલેક્ષ રોડ અને કાંસા રોડની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે. ડામર રોડમાંં હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરવાના કારણે રોડની આવી હાલત થતી હોય છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ લોકોની સુવિધા અને સગવડ માટે ખર્ચે છે. પરંતુ માર્ગ મકાન વિભાગના મંત્રીઓ અને અધિકારીઓની ભૂખના કારણે મજબુત રોડ નહી બનતા અત્યારે લોકો પટકાઈ રહ્યા છે.
ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે. હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરવાના કારણે દર ચોમાસામાં કાચા રસ્તાની જેમ ડામર રોડ ધોવાઈ જાય છે. આવી પરિસ્થિતિ દર વર્ષની છે. પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કોઈ તપાસ કે કાર્યવાહી થતી નથી. વિસનગરમાં કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના હાઈવે ઉપર હમણા થોડા સમય અગાઉજ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે ચોમાસુ સીઝનના કુલ વરસાદની હજુ ભુખ સંતોષાઈ નથી તેવામાં એક બે વખત પડેલા ભારે વરસાદના કારણે આઈ.ટી.આઈ.થી કાંસા ચાર રસ્તા વચ્ચે ડામર રોડ ધોવાતા ખાડા પડી ગયા છે. પડેલા મોટા ખાડાના કારણે વાહનચાલકો પટકાઈ રહ્યા છે. રાત્રીના સમયે લાઈટના પ્રકાશના કારણે ખાડા નહી દેખાતા ટુ વ્હીલર વાહન ચાલકો ખાડામાં પડવાથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પુરવાની સત્વરે કામગીરી કરવામાં નહી આવતા વાહન ચાલકો બેહાલ બની ગયા છે. ભ્રષ્ટાચારી માર્ગ મકાન વિભાગ લોકોની હેરાનગતીનો તમાશો જોઈને બેઠુ છે.
કાંસા રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પંપથી કાંસા ગામના બીજા બસ સ્ટેન્ડ સુધી વરસાદના કારણે એટલા મોટા ખાડા પડ્યા છેકે રોડ ઉપરથી પસાર થતા નાના ફોર વ્હીલ વાહનોનો નીચેનો ભાગ અડી જાય છે. વિસનગરથી ઉંઝા જવા માટેના એક માત્ર માર્ગ ઉપર દિવસમાં નાના મોટા અનેક વાહનોની અવરજવર છે. જે વાહનોને મોટા ખાડાના કારણે પસાર થવુ કઠીન બની જાય છે. ચોમાસાની ઋતુમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડનુ શરૂ કરવામાં આવેલ કામ પણ લોકો માટે આશ્ચર્યજનક છે. રોડ રીપેર કરવા કોન્ટ્રાક્ટર ખાડામાં પુરાણ કરે છે અને વરસાદથી ધોવાઈ જાય છે. ખોટા બીલો મંજુર કરવા વિસનગર માર્ગ મકાન વિભાગ ઓફીસની મીલીભગતથી ખાયકી કરવા ચોમાસામાં રોડ બનાવવામાં આવતો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાણી સુકાઈ ગયા બાદ માટીસ્ તથા ડસ્ટ એટલી ઉડે છેકે રોડ ઉપર દુકાનો અને મકાનો ધરાવતા હેરાન થઈ ગયા છે. કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો પણ છંટકાવ કરવામાં આવતો નહી હોવાની ફરિયાદ છે.
ડામર રોડમાં હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરવામાં આવતા સામાન્ય વરસાદમાં રોડ ધોવાઈ જાય છે તે નગ્ન સત્ય છે. વિસનગર પાલિકાના ગત બોર્ડમાં ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં બનેલ ડામર રોડમાં પુરતી કાળજી રાખવામાં આવતા અને ડામરના યોગ્ય ઉપયોગથી રોડ બનાવવામાં આવ્યા હતા. ત્યારે ચોમાસામાં ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં વિસનગરમાં બનેલ એક પણ ડામર રોડ ધોવાયો નથી. જ્યારે ત્યારબાદ બનેલ વિસનગર હાઈવેનો ડામર રોડ પ્રથમ ચોમાસામાં ધોવાઈ ગયો છે. માર્ગ મકાન વિભાગમાં ડામર રોડ બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો બોલતો પુરાવો છે.
↧
વિસનગર હાઈવે અને કાંસાનો રોડ બીસ્માર ભારે વરસાદે માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારની પોલ ખોલી
↧