વિદેશથી આવેલ વ્યક્તિમાં લક્ષણો જણાતા વેરીયંટ કયા પ્રકારનો તેની તપાસ જરૂરી
વિસનગરમાં ત્રણ માસ બાદ કોરોના પોઝીટીવ કેસથી તંત્ર એલર્ટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની ભયાનકતા બાદ છેલ્લા ત્રણ માસથી વિસનગરમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ જોવા મળ્યો નહોતો. ત્યારે વિદેશથી આવેલા એક યુવાનમાં કોરોનાના લક્ષણો જોવા મળતા રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા યુવાનના રહેણાંક મકાનની આસપાસ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ થોડી ઘણી હાશ અનુભવી છે.
કોરોનાની અસર ઓછી થઈ છે. કેસ ઓછા થયા છે પરંતુ આપણી વચ્ચેથી કોરોના હજુ સુધી ગયો નથી. અત્યારે લોકો કોરોનાને ભુલી જઈ નવરાત્રી મહોત્સવમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યા વગર ફરી રહ્યા છે. બજારોમાં અને દુકાનોમાં પણ દિવાળી તેમજ લગ્નસરાની ખરીદી કરવા ભીડ જોવા મળે છે. જે આ મહામારીના માહોલમાં ભયાનક સાબીત થાય તેમ છે. વર્ષ-૨૦૨૧ નો એપ્રીલ-મે અને જુનમાં કોરોનાની ભયાનક અસરો સમગ્ર દેશમાં જોવા મળી હતી. વિસનગરમાં પણ અનેક મૃત્યુ થયા હતા. ત્યારબાદ જુલાઈ માસથી કોરોનાના કેસ નહીવત થયા હતા. છેલ્લા ત્રણ માસથી વિસનગરમાં એકપણ કેસ નોધાયો નહોતો. ત્યારે કડા રોડ ઉપર આવેલ એક સોસાયટીનો કોમ્પ્યુટર પ્રોગ્રામીંગના વ્યવસાય સાથે સંકળાયેલ યુવાન રશીયાથી પરત ફર્યો હતો. જે અમદાવાદ માસીના ત્યા બે-ત્રણ દિવસ રોકાયા બાદ વિસનગર આવ્યો હતો. વિસનગર આવ્યા બાદ ઉધરસ અને તાવની અસર શરૂ થઈ હતી. જોકે રશીયા કોરોના ટેસ્ટ કરાવતા નેગેટીવ આવ્યો હોવાથી સામાન્ય તાવ અને ઉધરસ હશે તેવુ માન્યુ હતુ. સતત ત્રણ દિવસ તાવ અને ઉધરસ રહેતા વિસનગર અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કરાવ્યો હતો. જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. યુવાને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા તે રીપોર્ટ પણ પોઝીટીવ જણાયો હતો.
ત્રણ માસ બાદ કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોધાતા આરોગ્ય તંત્ર ચોકન્નુ બન્યુ હતુ. યુવાને હોમ આઈશોલેશન રહીને સારવાર શરૂ કરી છે. ત્યારે આરોગ્ય વિભાગની સુચનાથી યુવાનના મકાન આગળ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. એજ્યુકેટેડ પરિવાર હોવાથી વિદેશથી આવતાજ યુવાનને હોમ આઈશોલેટ કરવામાં આવ્યો હતો. જેથી ઘરમાં અન્યને કે આસપાસ રહેતા કોઈના સંપર્કમાં આવ્યો નહોતો. છતાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા યુવાનના પરિવારના સભ્યો તથા આસપાસ રહેતા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમામનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. યુવાન અમદાવાદ માસીના ત્યા રોકાયો હતો તે પરિવારમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. વિસનગરના પોશ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન થયુ હોવાથી તેનો પણ લાભ થયો છે. કોરોનાથી બચવા કોરોનાની રસીજ એક માત્ર ઈલાજ છે. ત્યારે કોરોના ફરીથી ભયાનક રૂપ ધારણ ન કરે તે માટે વેક્સીન લેવી અને જોડે રહીને લેવડાવવી એ ખુબજ જરૂરી છે.
↧
વિદેશથી આવેલ વ્યક્તિમાં લક્ષણો જણાતા વેરીયંટ કયા પ્રકારનો તેની તપાસ જરૂરી વિસનગરમાં ત્રણ માસ બાદ કોરોના પોઝીટીવ કેસથી તંત્ર એલર્ટ
↧