પંચાયત માર્ગ મકાન વિભાગની કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગત
પીંડારીયાથી બન્ને નવા રોડ ઉપર ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભાજપ સરકારમાં જેટલો વિકાસ અને કામ થયા છે તેટલાજ પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થયો છે. જેમાં માર્ગ મકાન વિભાગ તો ભ્રષ્ટાચારનુ કારખાનુ બની ગયો છે. વિસનગરમાં પીંડારીયા રોડથી વડનગર રોડને જોડતા બન્ને નવા રોડ ઉપરના નાળા તુટી ગયા છે. નાળામાં તિરાડો પડી છે. કોન્ટ્રાકટરનુ બીલ મંજુર થયુ છે. પરંતુ એક નાળામાં ડામર રોડ બનાવ્યો નથી. જર્જરીત નાળુ બેસી જશે તો અકસ્માત થવાની પુરેપુરી શક્યતા છે.
વિસનગરમાં પીંડારીયા રોડથી આશાપુરી માતાના મંદિર થઈ વડનગર હાઈવેને જોડતો તથા પીંડારીયા હનુમાન દાદાના મંદિરથી પાછળ થઈ વડનગર હાઈવેને જોડતા બન્ને રોડ એક બે વર્ષ અગાઉજ બનાવવામાં આવ્યા હતા. પરંતુ પંચાયત માર્ગ મકાન વિભાગ તથા કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી જે હલકી ગુણવત્તાનુ કામ કરવામાં આવ્યુ છે તેની પોલ ખુલી છે. આશાપુરી માતાના મંદિર પાસે બનાવવામાં આવેલ આર.સી.સી.નુ નાળુ નાના ફોર વ્હીલ વાહનોની અવરજવરથી તુટી ગયુ છે. આગળ રેલ્વે અંડરપાસ હોવાથી મોટી ટ્રક જેવા વજન વાળા વાહનો પસાર થઈ શકતા નથી. આમ નાના વાહનોની અવરજવરમાંજ આર.સી.સી.ના નાળાનો ભાગ બેસી ગયો છે. નાળાની બન્ને બાજુ બનાવવામાં આવેલી દિવાલોમાં પણ તિરાડ પડી છે. ભુલથી કોઈ મોટી ટ્રક પ્રવેશ કરે તો તુર્તજ નાળુ બેસી જવાની પુરેપુરી શક્યતા છે. નાળા ઉપરનો આર.સી.સી.નો માલ માટીની જેમ ભુકો થઈને ધીમે ધીમે ઉખડી રહ્યો છે.
કોંગ્રેસમાં પાંચ સાત વર્ષ રોડ બનતા હતા, પરંતુ બનેલા રોડ વર્ષો સુધી ટકતા હતા
પીંડારીયા હનુમાન દાદાના મંદિરના પાછળના ભાગેથી સેવાલીયા રોડથી જોગણી માતાના મંદિર થઈ વડનગર રોડને જોડતા જવા બનાવેલ રોડની પણ આવીજ હાલત થઈ છે. સેવાલીયા રોડથી વળતાજ આ નવા રોડ ઉપર બનાવેલ નાળુ દબાઈ ગયુ છે. નાળા ઉપરનો આર.સી.સી.નો માલ ઉખડી ગયો છે. આ રોડ ઉપર કેટલીક જગ્યાએ રોડ સાઈડની માટીનુ ધોવાણ થતા ખાડા પડી ગયા છે. જે પુરવામાં નહી આવે તો નવો બનાવેલ રોડ તુટવાની પુરેપુરી શક્યતા છે. જોગણી માતાના મંદિર જવાના રોડથી વડનગર રોડને જોડતા રોડ સુધી સી.સી.રોડ ઉપર ડામર રોડનુ કામ બાકી રાખવામાં આવ્યુ છે. ફુલચંદભાઈ પટેલના સભ્ય કાળમાં રોડ બનતો હતો ત્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીએ બાકી રહી ગયેલા રોડ ઉપર ડામર રોડ બનાવવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ હજુ સુધી ડામર કામ કરવામાં આવ્યુ નથી. કોન્ટ્રાક્ટરનુ બીલ મંજુર થઈ ગયુ છે પરંતુ ડામર રોડ ખવાઈ ગયો હોય તેમ જણાય છે.
વિસનગર પંચાયત માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી એક બે વર્ષમાં બનેલા બન્ને રોડના નાળા તુટી ગયા છે. ત્યારે આ બાબતે તપાસ કરી જવાબદાર અધિકારી તથા કર્મચારી સામે પગલા લેવાય તે જરૂરી છે. ભાજપના અદના નેતાઓ ભાષણોમાં બડાશો મારે છે કે કોંગ્રેસના શાસનમાં પાંચ સાત વર્ષ સુધી રોડ બનતા નહોતા. ત્યારે અત્યારે એ યાદ કરવુ એટલુજ જરૂરી છેકે કોંગ્રેસના શાસનમાં પાંચ-સાત વર્ષે રોડ બનતા હતા તે રોડ પાંચ સાત વર્ષ સુધી તુટતા નહોતા. જે અત્યારે ભાજપના શાસનમાં એક-બે વર્ષમાં તુટી જાય છે.
↧
પંચાયત માર્ગ મકાન વિભાગની કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગત પીંડારીયાથી બન્ને નવા રોડ ઉપર ભ્રષ્ટાચાર ઉપસી આવ્યો
↧