Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ભારતીય કિસાન સંઘનો વિજ પ્રવાહમાં અનિયમિતતાથી રોષ

$
0
0

સળંગ ૮ કલાકની જગ્યાએ બે ભાગમાં ગમે તે સમયે વિજ પુરવઠો આપવામાં આવતા ખેડુતોએ આખો દિવસ બેસી રહેવુ પડે છે

ભારતીય કિસાન સંઘનો વિજ પ્રવાહમાં અનિયમિતતાથી રોષ

• રવિપાકના સમયે પાવર ક્રાઈસીસની અસરથી ખેડૂતો ચીંતીત
• ચાર કલાકના સમયમાં પણ પૂરતો સમય વિજળી આપવામાં આવતી નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કુદરતી આપત્તીની થપાટો સહન કરનાર ખેડૂતોને હવે સરકારની અણઆવડતના કારણે કૃત્રિમ આપત્તી સહન કરવાનો સમય આવ્યો છે. પાવર ક્રાઈસીસની અસરથી ખેત સીંચાઈ માટેનો વિજ પ્રવાહ અનિયમિત રહેતા રવિપાક ઉપર માઠી અસર થવાનો ભય સતાવતા ખેડૂતો ચીંતીત બન્યા છે. વિસનગર ભારતીય કિસાન સંઘે રોષ વ્યક્ત કરી નિયમિત સળંગ વિજપ્રવાહ આપવા માગણી કરી છે.
ઉત્તર ગુજરાતના નોધપાત્ર વરસાદના અભાવે જળાશયો ખાલીખમ હોવાથી ખેતીને કેનાલ આધારીત સીંચાઈનો લાભ મળવો મુશ્કેલ છે. ચોમાસામાં પાછળથી વરસાદ થતા ચોમાસુ પાક નિષ્ફળ નિવડ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતો શિયાળુ પાક સારો થાય તે આશાએ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે પાવર ક્રાઈસીસના કારણે સીંચાઈ માટે આપવામાં આવતા વિજપ્રવાહમાં અનિયમિતતા આવતા રવિપાક નિષ્ફળ જશે તેવી ખેડૂતોને ચીંતા સતાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘ વિસનગર દ્વારા નાણાં, ઉર્જા તથા પેટ્રોકેમીકલ્સ મંત્રી, કૃષિ પશુપાલન મંત્રી તથા આરોગ્ય મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, ટ્યુબવેલ, ઈલેક્ટ્રીક મોટર માટે ખેત કનેક્શનમાં જે વિજ પુરવઠો આપવામાં આવે છે તેમાં તા.૧૮-૧૦-૨૦૨૧ થી સતત આઠ કલાક મળતો નથી. ચાર-ચાર કલાકના બે ભાગમાં વિજ પુરવઠો આપવામાં આવે છે. જે બે ભાગમાં વિજ પુરવઠો આપવામાં આવે છે તે પણ કયા સમયે આપવામાં આવે છે તેની ખેડૂતોને જાણ કરવામાં આવતી નથી. વિજ પુરવઠો આપવાનો સમય નક્કી નહી હોવાથી ખેડૂતોને આખો દિવસ રાહ જોઈને બેસી રહેવુ પડે છે અને સમયસર ખેતરમાં પીયત કરી શકતા નથી. પ્રથમ ચાર કલાક વિજ પુરવઠો આપ્યા બાદ બીજા ચાર કલાક આપવામાં આવતા વિજ પુરવઠા માટે સમયની જાણ કરવામાં આવતી નથી. શિયાળુ પાકની વાવણીનો સમય શરૂ થઈ ગયો છે ત્યારે વિજ પુરવઠો આપવાના સમયની જાણ કરવી ખુબજ જરૂરી છે. વિજ કનેક્શનના બીલ બાકી હોય તો તેની જાણ વિજ કંપની દ્વારા વ્યક્તિગત મેસેજથી કરવામાં આવે છે ત્યારે અત્યારના સમયમાં વિજ પુરવઠાની જાણ ખેડૂતોને કરવી ખુબજ આવશ્યક છે.
ભારતીય કિસાન સંઘની બીજી એ પણ રજુઆત છેકે વિજ પુરવઠો અચાનક બંધ થયા પછી, વિજ કંપનીની ઓફીસે ટેલીફોનીક સંપર્ક કરવા છતાં કોઈ ફોન ઉપાડતુ નથી, કોઈ જવાબ મળતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં ઘરવપરાશનો વિજ પુરવઠો બંધ થયા પછી પુરવઠો ક્યારે ચાલુ થશે તેનો પણ જવાબ મળતો નથી. તા.૨૫-૧૦-૨૦૨૧ થી ૨૫-૧૧-૨૦૨૧ શિયાળુ ખેતીનો સમય હોવાથી આ સમય દરમ્યાન સળંગ ૮ કલાકને બદલે ૧૦ કલાક વિજ પુરવઠો મળે તેવી પણ કિસાન સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles