તંત્રી સ્થાનેથી
ફરીથી પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકાય તેવું પ્લાસ્ટીક આવી રહ્યુ છે
દિવાળીનો તહેવાર આવી ગયો છે. બે વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલી ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. ખરીદીમાં મોટાભાગે પેકીંગ માટે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક માનવજાતિ માટે ખતરનાક છે. જેનો ફરી ઉપયોગ થઈ શકે તેવું કરવું જોઈએ. છેલ્લા કેટલા દાયકાઓમાં વિશ્વમાં પ્લાસ્ટીકની વસ્તુઓનો વપરાશ ખુબ વધ્યો છે. પ્લાસ્ટીક એ સસ્તો અને સગવડપૂર્ણ પદાર્થ છે. પરંતુ આ પ્લાસ્ટીકની સૌથી મોટી મુશ્કેલી એ છેકે તેનો કચરો ઝડપથી નષ્ટ થતો નથી. જે રીતે લાકડુ ધાતુની વસ્તુઓ સમય જતાં વાતાવરણમાં નષ્ટ જઈ જાય છે તે રીતે પ્લાસ્ટીકનો કચરો નષ્ટ થઈ શકતો નથી. તેથી પૃથ્વી ઉપર પ્લાસ્ટીકના કચરાના ઢગલાઓ વધતા જાય છે. આ પ્રશ્ન દુનિયાના બધા દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે. પ્લાસ્ટીકનો વપરાશ ૧૯૭૦ પછી ઝડપી વધવા લાગ્યો છે. ૧૯૯૦ સુધીમાં બેજ દાયકામાં દુનિયામાં પ્લાસ્ટીકના કચરાનું સર્જન અગાઉન હતું તેના કરતાં ત્રણ ઘણું થઈ ગયું છે. ૨૦૨૦ સુધીમાં તો ન ગણી શકાય તેટલા ટનનું ઉત્પાદન થઈ ચુક્યુ છે. પ્લાસ્ટીકનો વપરાશ તેની સુગમતાને કારણે વધતોજ જાય છે. પાણીની પ્લાસ્ટીકની બોટલોનો વપરાશ શરૂ થયો પછી તો પ્લાસ્ટીકના કચરાએ હદજ વટાવી દીધી છે. આજે વિશ્વમાં આપણે વર્ષે દહાડે ૩૦૦ મીલીયન ટન પ્લાસ્ટીકનો કચરો વધારીએ છીએ. પ્લાસ્ટીકના વધતા કચરાની સમસ્યા ભારત સરકારને પણ છે. તે પ્લાસ્ટીકના નિયંત્રણ બાબતે સક્રિય થઈ છે. તેમણે વિવિધ પગલાં ભરવાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છેકે પહેલી જુલાઈ ૨૦૨૨ થી દેશમાં એકજ વખત વાપરી ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટીકની વસ્તુનો પ્રતિબંધ આવી જશે. આમાં કેન્ડી સ્ટીક, પ્લાસ્ટીકની પ્લેટો, પ્લાસ્ટીકના ગ્લાસ અને કપ, કટલરીમાં આવતી પ્લાસ્ટીકની ચમચી, કાંટા અને છરી વગેરેનો સમાવેશ થાય છે. આ જાહેરનામામાં જણાવાયું છેકે ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૧ થી પ્લાસ્ટીકની કેરી બેગની જાડાઈ ૫૦ માઈક્રોનથી વધારી ૭૫ માઈક્રોન કરવામાં આવશે. ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ થી ૧૨૦ માઈક્રોન જાડાઈવાળા પ્લાસ્ટીકની થેલીઓની છૂટ આપવામાં આવશે. આ રીતે વધુ જાડાઈના કારણે પ્લાસ્ટીકની થેલી ફરીથી વપરાશમાં લઈ શકાશે. ૧ લી જુલાઈ ૨૦૨૨ થી સીંગલ પ્લાસ્ટીકની વસ્તુઓ તેના ઉત્પાદન, આયાત સંગ્રહ, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ આવી જશે. આ વસ્તુઓમાં કેન્ડીની સળીઓ, આઈસ્ક્રીમ સ્ટીક, પ્લાસ્ટીકના ઝંડાઓ, ડેકોરેશન માટેના થર્મોકોલ, પ્લેટો, કપ, ચમચા, ડીશો, છરી, કટલરી, સ્ટ્રો, રેપરની કે પેકીંગની વસ્તુઓ ૧૦૦ માઈક્રોન કરતાં ઓછી જાડાઈના પી.વી.સી.બેનરોનો સમાવેશ થાય છે. આ મનાઈ કોમ્પોસ્ટેબલ પ્લાસ્ટીકની વસ્તુઓને લાગુ પડશે નહિ.
↧
ફરીથી પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકાય તેવું પ્લાસ્ટીક આવી રહ્યુ છે
↧