વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે પંપાળવામાં આવતા
મુદતમાં વધારો કરવાથી કોન્ટ્રાક્ટરો ધીમે કામ કરે છે-ગીરીશભાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરે એક સોસાયટીનો રોડ બનાવવા જુનો રોડ તોડ્યો હતો. જે રોડનુ પુયણુ પંદર દિવસ સુધી નહી ઉઠાવતા સોસાયટીના લોકોનુ વાહન લઈ બહાર નીકળવુ દુષ્કર બન્યુ હતુ. જેનો હોબાળો થતા કોન્ટ્રાક્ટરે રાતોરાત પુયણુ ઉઠાવી રોડ સાફ કર્યો હતો. કોન્ટ્રાક્ટરની આવી હેરાનગતી જોતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતું કે પાલિકા દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરોને મુદત વધારો આપવામાં આવે છે. મુદત વધારાની લ્હાણી કરવામાં આવતા કોન્ટ્રાક્ટરો બેફામ બનતા લોકો હેરાન થઈ રહ્યા છે.
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર વીર કન્સ્ટ્રક્શનને સુભાષ સોસાયટીનો રોડ બનાવવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર નવો સીસી રોડ બનાવવા જુનો રોડ તોડી પંદર દીવસ સુધી પુયણુ નહી ઉઠાવતા સોસાયટીના લોકોને વાહન લઈને બહાર નીકળવુ દુષ્કર બની ગયુ હતુ. પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ છે ત્યારે આ વિસ્તારમાં રહેતા કોંગ્રેસી અગ્રણી હરેશભાઈ ચૌધરીની રજુઆત પણ ધ્યાને લેવામાં આવી નહોતી. શાકભાજી, દુધ આપતા વિગેરે ફેરીયાઓ આવી શકતા નહોતા ત્યારે આ બાબતે હોબાળો થતા કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પુયણુ ઉઠાવી રોડ સાફ કર્યો હતો. શહેરમાં કોન્ટ્રાક્ટરોની વિકાસ કામગીરીમાં લોકો હેરાન થતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટરો પાસે ઝડપી કામગીરી કરાવવાની જગ્યાએ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે છાવરવામાં આવી રહ્યા છે. તા.૨૬-૪-૧૮ ની જનરલમાં કોન્ટ્રાક્ટરોને મુદત વધારો આપતા ઠરાવનો વિરોધ કરાયો હતો. કોન્ટ્રાકટરો ટેન્ડરની મુદત પ્રમાણે કામ પૂર્ણ ન કરે તો વધારાના સમય પ્રમાણે પેનલ્ટી ભરવી પડતી હોય છે. કોન્ટ્રાક્ટરોને પેનલ્ટીથી બચાવવા મુદત વધારાનો ઠરાવ કરતા તે એક શંકાની બાબત છે. શા માટે કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે છાવરવામાં આવે છે તે એક પ્રશ્ન છે. કેટલાક કોન્ટ્રાક્ટર ત્રણ વર્ષથી તો કેટલાક કોન્ટ્રાક્ટર બે વર્ષથી કામ કરી રહ્યા છે છતા કામ પુર્ણ કરી શક્યા નથી.
પાલિકાની ગત એપ્રીલ માસમાં થયેલ જનરલમાં કયા કોન્ટ્રાક્ટરને કઈ તારીખે વર્કઓર્ડર અપાયો અને કેટલી વખત મુદત વધારો અપાયો તે બાબતે ગીરીશભાઈ પટેલે માહિતી આપતી જણાવ્યુ છેકે કોન્ટ્રાક્ટર મયંક વી.પટેલને તા.૧૫-૨-૧૭ ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની મુદત ૬ માસની હતી ત્યારબાદ ૩૧-૧૨-૧૭ સુધી મુદત વધારાઈ હજુ પણ કામગીરી ચાલુ છે. કોન્ટ્રાક્ટર વિનાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ૩૦-૩-૧૭ ના રોજ છ માસમાં કામ કરવાનો વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને ૩૧-૧૨-૧૭ સુધી મુદત વધારો અપાયો હતો. જેનુ કામ ચાલુ છે. કોન્ટ્રાક્ટર કિશા કન્સ્ટ્રક્શનને તા.૧૬-૯-૧૫ ના રોજ ૯ માસની મુદતમાં કામ કરવાનો વર્કઓર્ડર અપાયો હતો. ત્યારબાદ તા.૩૦-૪-૧૭ સુધી મુદત વધારવામાં આવી હતી. ત્રણ વર્ષ પુરા થવા આવ્યા છતા કોન્ટ્રાક્ટરનુ કામ ચાલુ છે. ક્રિશા કન્સ્ટ્રક્શનના બે ટેન્ડર છે. બન્નેમાં કામ ચાલુ છે. પી.એમ.બીલ્ડકોનના કુલ ત્રણ ટેન્ડર છે. જે ત્રણે ટેન્ડરનો તા.૧૭-૧૧-૧૬ ના રોજ ૯ માસમાં કામગીરી પૂર્ણ કરવાનો વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. તા.૩૧-૧-૧૮ સુધી મુદત વધારો આપવા છતા કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ નહી કરતા બીજી મુદત વધારી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર વીર કન્સ્ટ્રક્શન કંપનીને તા.૩૦-૩-૧૭ ના રોજ ૯ માસમાં કામગીરી પૂર્ણ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટરના બે ટેન્ડર છે. આ કોન્ટ્રાક્ટરને પણ મુદત વધારો કરી આપવામાં આવ્યો છે. છેલ્લી જનરલમાં આ દરેક કોન્ટ્રાક્ટરને આગામી ઓગષ્ટ માસ સુધી મુદત વધારી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે જનરલમાં પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે મુદત વધારી આપતા ઠરાવનો વિરોધ કરતા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ હતું કે હવે પછી કોઈ કોન્ટ્રાક્ટરને મુદત વધારી આપવામાં આવશે નહી. કેટલાક કોન્ટ્રાક્ટરો તો બે-ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને મુદત વધારી આપતા કીડી પગે કામ કરી રહ્યા છે. જેમાં સુભાષ સોસાયટીની જેમ શહેરના ઘણા ખરા વિસ્તારના લોકો હેરાન થઈ રહ્યા છે. આઠમાં મહિનાની છેલ્લી મુદત છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે ધીમી ગતીથી કામ કરતા કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરવામાં આવે છેકે પછી ફરીથી મુદત વધારો કરી આપી પંપાળવામાં આવે છે.