Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

માર્કેટયાર્ડમાં ભાજપ પેનલની ૪૩૬ મતની જંગી સરસાઈથી જીત

$
0
0

સહકારી ક્ષેત્રમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનો દબદબો યથાવત

માર્કેટયાર્ડમાં ભાજપ પેનલની ૪૩૬ મતની જંગી સરસાઈથી જીત

• આમ આદમી પાર્ટીના ઉમેદવારો એકપણ મંડળીના સભાસદ નહી હોવા છતા મત મેળવી ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કર્યો હોવાનો આનંદ
• ભાજપની પેનલમાં ૧૦૦ મતનુ ક્રોસ વોટીંગ થયુ
• દુધસાગર ડેરીના રાજકારણનો રાગદ્વેષ ડોકાયો, વિજેતા ખેડૂત પેનલના પટેલ ઉમેદવારમાં એલ.કે. પટેલ સૌથી ઓછા મત મળ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં ભાજપ સમર્થીત ખેડૂત પેનલનો જંગી મતની સરસાઈથી વિજયી થતા માર્કેટયાર્ડમાં કેસરીયો માહોલ છવાયો છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલ ચુંટણીમાં ધાર્યુ પરિણામ મેળવી કેબીનેટ મંત્રીએ સહકારી ક્ષેત્રમાં દબદબો યથાવત જાળવી રાખ્યો છે. આ ચુંટણીમાં ઘણા રાજકીય સમિકરણોએ ભાગ ભજવ્યો હોવાનુ જોવા મળ્યુ છે. ચુંટણીમાં ભાજપની ખેડૂત પેનલનો વિજય થતા ગુલાલ ઉડાડી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.
વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં તા.૨૨-૧૧ ના રોજ મતદાન થયુ હતુ. જેમાં ૧૬ બેઠકો પૈકી વેપારી મત વિભાગ તથા સહકારી ખરીદ વેચાણ મંડળીઓનો મત વિભાગની ૬ બેઠકો બીનહરિફ થતા ખેડૂત પેનલની ૧૦ બેઠકો માટે મતદાન થયુ હતુ. ચુંટણીમાં ભાજપ સમર્થીત પેનલ સામે આમ આદમી પાર્ટીની કિસાન પેનલની સીધી જંગ હતી. માર્કેટયાર્ડના હૉલમાં જીલ્લા રજીસ્ટ્રાર ચુંટણી અધિકારી નિમેશભાઈ પટેલ અને પી.કે.ચૌહાણની દેખરેખમાં મતદાન થયુ હતુ. ચુંટણીમાં ૫૯ મંડળીના ૮૪૬ મતદારોમાંથી ૮૨૦ મતદારોએ મતદાન કરતા કુલ ૯૭ ટકા મતદાન થયુ હતુ. મતદાન સમયે ભાજપ ઉમેદવારના નંબરની ચીઠ્ઠી સાથે મતદારોને મતદાન કરવા મોકલતા હોવાની આમ આદમી પાર્ટીના ઉમેદવારે પુરાવા સાથે રજુઆત કરી ચુંટણી રદ કરવા માટે ચુંટણી અધિકારીને અરજી આપી હતી. જોકે મતદાનના દિવસે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે તથા ભાજપની પેનલના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
માર્કેટયાર્ડના હૉલમાં તા.૨૩-૧૧-૨૦૨૧ ના રોજ ખેડૂત વિભાગની ચુંટણીની મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ મત પેટીના બેલેટ એકઠા કરી ૨૫ ના થપ્પા બનાવી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડથીજ ભાજપ સમર્થીત ખેડૂત પેનલે સરસાઈ મેળવી હતી. જે સરસાઈ દરેક રાઉન્ડમાં જળવાઈ હતી. ૮૨૦ મતદારોએ મતદાન કર્યુ હોવાથી ૨૩ મા રાઉન્ડના અંતે ભાજપની પેનલની જીત નિશ્ચીત થઈ હતી. મતગણતરી પુર્ણ થતા ભાજપની પેનલનો ૪૩૬ મતની જંગી મતની લીડથી વિજય થતા ખેડૂત પેનલના ભાજપના ઉમેદવારો અને ટેકેદારોએ ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. આતશબાજી કરી વિજય પ્રાપ્ત કરનાર ઉમેદવારોએ ગંજબજારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી વિજયનો ઉન્માદ વ્યક્ત કર્યો હતો.
કોર્ટના આદેશથી વાલમ જુથ સેવા સહકારી મંડળી, દઢિયાળ સેવા સહકારી મંડળી, વિસનગર જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી, વાલમ ખેડૂત સેવા સહકારી મંડળી એમ કુલ ૪ મંડળીઓનુ ૭૧ મતદારોનુ મતદાન અને મતગણતરી અલગથી કરવામાં આવી હતી. જેમાં પણ ભાજપની પેનલે સરસાઈ મેળવી હતી. પરિણામ બાદ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ શાસીત માર્કેટયાર્ડ દ્વારા ખેડૂત અને વેપારીઓ લક્ષી વિકાસ સાથે સમાજ સેવાના પણ અનેક કાર્ય કરવામાં આવ્યા છે. જે વિકાસ કામે અને સમાજ સેવાના કામોની જીત થઈ છે. અસંતુષ્ટ લોકોએ પેનલ ઉભી કરી હતી. જેમને ખેડૂતોએ જવાબ આપ્યો છે.
માર્કેટયાર્ડની ચુંટણીમાં ઘણા રાજકીય સમીકરણો કામ કરી ગયા હોવાનુ પરિણામ ઉપરથી જોવા મળે છે. વેપારી મત વિભાગમાં તથા સહકારી ખરીદ વેચાણ મત વિભાગમાં ચૌધરી સમાજના ૧-૧ ઉમેદવાર બીનહરિફ થતા તેમજ ખેડૂત પેનલમાં ભાજપે ચૌધરી સમાજના ૩ ઉમેદવારને મેન્ડેટ આપતા તેના અણગમાનો ગણગણાટ વર્તાયો હતો. જેની અસર પરિણામ ઉપરથી જોઈ શકાય છે. ભાજપ સમર્થીત ખેડૂત પેનલમાં ક્રોસ વોટીંગ થતા ૧૦૦ મતનો તફાવત જોઈ શકાય છે. એલ.કે.પટેલને મળેલા મત ઉપરથી પણ દુધસાગર ડેરીની ચુંટણીનુ રીએક્શન જોવા મળે છે. વિજેતા પેનલમાં પટેલ ઉમેદવારોમાં એલ.કે.પટેલને સૌથી ઓછા મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર કોઈપણ મંડળીના સભાસદ નહોતા. સરકારી મશીનરીની કોઈ મદદ મળી નહોતી કે કોઈ કેમ્પ કે ખર્ચ કર્યો નહોતો છતાં આપની કિસાન પેનલના ૧૦ ઉમેદવારોમાંથી ૭ ઉમેદવારોને ૧૦૦ થી વધારે મત મળ્યા હતા. જેમાં પટેલ તરૂણકુમાર મણીલાલે કિસાન પેનલમાં સૌથી વધારે ૧૫૭ મત મેળવ્યા હતા. ૮૨૦ ના મતદાનમાં જો આમ આદમી પાર્ટીના સૌથી વધારે મત મેળવનાર ઉમેદવારને ૧૯ ટકા મત મળતા હોય તો વિધાનસભાની ચુંટણીમાં આપના ઉમેદવારને કેટલા મત મળે તેની પણ માર્કેટયાર્ડની ચુંટણીના પરિણામ બાદ ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપ સમર્થીત પેનલમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરીને મેન્ડેટ ન મળે તે માટેના પ્રયત્નો કરાયા હતા. ત્યારે ખેડૂત પેનલમાં ચૌધરી સમાજના ત્રણ ઉમેદવારમાં રાજુભાઈ ચૌધરી સૌથી વધારે મત લાવી ચૌધરી સમાજમાં કેટલો દબદબો છે તે સાબીત કરી બતાવ્યુ છે.

ખેડૂત મત વિભાગમાં કોને કેટલા મત મળ્યા

અ.નં.       ઉમેદવારનું નામ                                      મળેલ મત
૧              પટેલ નટવરલાલ ઈશ્વરભાઈ                    ૭૦૯
૨             પટેલ મહેન્દ્રભાઈ જેઠાભાઈ                      ૭૦૧
૩             પટેલ જયંતીભાઈ ગોપાળદાસ                 ૬૯૩
૪             પટેલ રાજેશભાઈ કાનજીભાઈ                  ૬૮૭
૫             પટેલ ભરતકુમાર શંભુભાઈ                      ૬૭૫
૬             પટેલ પ્રિતેશકુમાર પ્રભુદાસ                      ૬૬૩
૭             પટેલ લક્ષ્મણભાઈ કાશીરામભાઈ            ૬૩૦
૮             ચૌધરી રાજેન્દ્રકુમાર લવજીભાઈ                ૬૦૧
૯             ચૌધરી ભરતભાઈ જીવણભાઈ                  ૫૯૪
૧૦           ચૌધરી જશવંતભાઈ જેસંગભાઈ               ૫૯૩
૧૧           પટેલ તરૂણકુમાર મણીલાલ                    ૧૫૭
૧૨           પટેલ રમેશભાઈ ઉગરાભાઈ                     ૧૫૩
૧૩           પટેલ યોગેશકુમાર અમરતભાઈ               ૧૩૪
૧૪           પટેલ કાળીદાસ શંકરલાલ                        ૧૨૩
૧૫           પટેલ ગજેન્દ્રકુમાર દશરથભાઈ                ૧૨૦
૧૬           પટેલ હરેશકુમાર મણીલાલ                      ૧૧૮
૧૭           પટેલ લક્ષ્મણભાઈ પ્રભુદાસ                     ૧૧૧
૧૮           પટેલ હસમુખભાઈ મગનભાઈ                 ૭૬
૧૯           ચૌધરી ભરતભાઈ હેમરાજભાઈ                ૬૦
૨૦           ઠાકોર પ્રવિણજી કાન્તિજી                        ૫૪
૨૧           પટેલ હાર્દિકકુમાર સુરેશભાઈ                   ૨૮


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles