ઠાકોર સમાજના દિકરાને ડાક્ટર બનાવવા પાટણ સાંસદ
ભરતસિંહ ડાભીએ પોતાની મિલ્કતમાં ૧૦ લાખનો બોજો પડાવ્યો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
હિન્દુ શાસ્ત્રમાં દાનનો અનેરો મહિમા છે. ત્યારે કોઈ તરસ્યાને પાણી પીવડાવવા પરબો બાંધે છે. ભુખ્યાને જમાડવા અન્નક્ષેત્રો બનાવે છે. ગરીબોને વસ્ત્રો દાન કરે છે. ત્યારે શિક્ષણનું દાન આપવાનો આપણા હિંદુ સમાજમાં મહિમા ખોવાઈ ગયો છે. ત્યારે ઠાકોર સમાજના બક્ષીપંચ સમાજ માટે કાયમ અડીખમ રીતે સરકાર સામે અવાજ ઉઠાવનાર પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પેઢીઓની પેઢી સુધી પુણ્ય તપે તેવુ ઉત્તમ શિક્ષણનું દાન કર્યુ છે. આ દાન એવુ છે કે ક્યારેય કોઈપણ રાજનેતાએ ગુજરાતમાં કર્યાનો એકપણ દાખલાની ઇતિહાસે નોંધ લીધી નથી. તેવુ શિક્ષણ દાન કરવા પોતાની મિલ્કતમાં ૧૦ લાખનો બોજો પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જીલ્લાના સમી તાલુકાના કાંકતા ગામના ઠાકોર ઉદેસિંહ નટુસિંહ ને સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં એડમીશન ગત વર્ષે મળ્યુ હતુ. સમાજના લોકોએ પહેલા વર્ષે સહાય કરી પરંતુ દર વર્ષે કોણ સહાય કરે જેથી એક ફોન પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ઉપર આવ્યો જેનું નામ નટુજી ઠાકોર હતુ. નટુજી પોતે ખેત મજુર છે. પેટે પાટા બાંધી માતા-પિતાએ ભણાવ્યો જેની આપવિતી કહી હતી. સાંસદ ભરતસિંહ ડાભીએ તપાસ કરાવડાવી ત્યારે જાણવા મળ્યુ કે માતા કમુબેન તથા પિતા નટુજી કાચા ઝુંપડામા રહે છે. લોક સહકારથી દિકરાને ભણવ્યો પરંતુ હવે દર વર્ષે મેડીકલની ફી કોણ આપે?
સાંસદ ભરતસિંહ ડાભીએ તુરતજ ૧૦ લાખની શિક્ષણ સહાય લોન મંજુર કરવા સમાજ કલ્યાણ ખાતામા જાણ કરી સમાજ કલ્યાણ અધિકારીએ કહ્યુ કે મિલ્કત હોય તોજ ૧૦ લાખની સહાય મળે. ગરીબ પરિવારના નટુજી ઠાકોર પાસે રહેવા ઘર પણ નથી પછી મિલ્કત કોણ આપે જેથી સાંસદ ભરતસિંહ ડાભીએ તુરતજ પોતાની ટીંબા ખાતેના સર્વે નં.૮૧૨મા ૧૦,૦૦,૦૦૦/- રૂપિયાનો બોજો પડાવી સમાજ કલ્યાણ અધિકારીને મોકલી આપ્યો. સમાજ કલ્યાણ અધિકારીએ યુધ્ધના ધોરણે ૧૦ લાખની સહાય ચાર ટકા વ્યાજે મંજુર કરી દેતા ઠાકોર સમાજનો ઉદય નટુજી ઠાકોર ડાક્ટર બનશે. ખરેખર ભરતસિંહ ડાભીના આ ઉમદા કાર્યને અભિનંદન આપીએ તેટલા ઓછા કહેવાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મુગલો સામે લડવા માટે મહારાણા પ્રતાપને ભામાશા નામના શેઠે પોતાનું સર્વસ્વ આપી દીધુ હતુ. ત્યારે આધુનિક જમાનાના ભામાશા તરીકે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને ઉપનામ આપીએ તો કોઈ અતિશ્યોક્તિ ન કહેવાય ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પણ ગૌરવ કહેવાય.