Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

અજમલજી ઠાકોરે ભાજપનુ ઉપપ્રમુખ પદ ઠુકરાવ્યુ

$
0
0

સરકાર ઠાકોર સમાજની માગણીઓ નહી સ્વિકારતા

અજમલજી ઠાકોરે ભાજપનુ ઉપપ્રમુખ પદ ઠુકરાવ્યુ

ગુજરાત ઠાકોર સમાજ અનામત સમીતી દ્વારા છેલ્લા ૬ વર્ષમાં ૨૦ વખત રજુઆત કરવામાં આવી છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેર ભાજપ સંગઠનની જાહેરાત પુરતા ટેબલ વર્ક વગર કરવામાં આવી હોવાનુ જણાય છે. પાલિકાના પૂર્વ કોર્પોરેટર અજમલજી ઠાકોરે જ્યા સુધી સમાજની પડતર માગણીઓ સ્વિકારવામાં આવશે નહી ત્યા સુધી ભાજપનો કોઈ હોદ્દો સ્વિકારીશ નહી તેવી અગાઉથી રજુઆત કરવા છતા શહેર ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવતા સત્તાની લાલચ રાખ્યા વગર આ મહત્વનો હોદ્દો ઠુકરાવ્યો હતો. એક તરફ જગદીશ ઠાકોરને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવતા ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ આકર્ષાયો છે ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકર અજમલજી ઠાકોરે ઉપપ્રમુખનો હોદ્દો ઠુકરાવતા ઠાકોર સમાજ અનામત સમીતીની માગણીઓને લઈ સમાજના લોકો હવે જાગૃત બન્યા છે.
જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ દ્વારા તા.૧૯-૧-૨૦૨૨ ના રોજ વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. નવા સંગઠનની જાહેરાતના ત્રણ દિવસ બાદ તા.૨૨-૧-૨૦૨૨ ના રોજ પાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ ગુજરાત ઠાકોર સમાજ અનામત સમીતીના પ્રમુખ અજમલજી ઠાકોરે સંગઠનમાં મળેલ ઉપપ્રમુખના હોદ્દા ઉપરથી જીલ્લા ભાજપ પ્રમુખને રાજીનામુ ધરી દીધુ હતુ. જીલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રાજીનામુ આપતા અજમલજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ગુજરાત ઠાકોર સમાજ અનામત સમીતીના પ્રમુખ પદે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવુ છું. સમાજના પ્રશ્નો જેવા કે વસ્તીના પ્રમાણમાં અથવા ઠાકોર સમાજ માટે ૧૫ ટકા અલગ અનામત, ઠાકોર-કોળી વિકાસ નિગમમાં ૧૦૦૦ કરોડ ગ્રાન્ટ આપવી, આદર્શ નિવાસી શાળાની જેમ દરેક જીલ્લામાં ઠાકોર સમાજ માટે હોસ્ટેલ સાથેની શાળાઓ બનાવવી, ઠાકોર સમાજની વિધવા બહેનોને માસીક રૂા.૫૦૦૦ પેન્શન આપવુ વિગેરે માગણીઓ માટે સરકાર સમક્ષ વારંવાર લેખીત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ સમાજની કોઈ માગણી ધ્યાને લેવામાં આવતી નથી. ઠાકોર સમાજનુ કામ થતુ ન હોય તો પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી.
રાજીનામુ આપ્યા બાદ અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, છેલ્લા દશ વર્ષથી ઠાકોર સમાજ માટે વિવિધ માગણીઓ કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૬ માં અલગ અનામત, વર્ષ ૨૦૧૭ માં ઓબીસીમાંથી ૩૯ જ્ઞાતિ રદ કરવા હાઈકોર્ટમાં પીટીશન, વર્ષ ૨૦૧૮ માં ઠાકોર કોળી સમાજના હક્ક માટે માનવ અધિકાર પંચ સમક્ષ રજુઆત, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, દિલ્હી ઓ.બી.સી. પાર્લામેન્ટના અધ્યક્ષ, સામાજીક ન્યાય વિભાગ, ઓ.બી.સી. નેશનલ કમિશન, સરકારના મંત્રીઓ, અધિકારીઓ વિગેરે સમક્ષ, ઠાકોર સમાજના હિત માટે લગભગ ૨૦ વખત રજુઆત કરતા આવ્યા છીએ. પરંતુ ભાજપ સરકાર દ્વારા વિવિધ માગણીઓ સંદર્ભે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. ગુજરાતમાં ક્ષત્રીય ઠાકોર સમાજની વસતી મોટા પ્રમાણમાં છે. ત્યારે સરકાર દ્વારા રાજ્યમાં બીજા નંબરની વસતી ધરાવતા સમાજની માગણીઓ અવગણવામાં આવી છે. ભાજપનો ખેસ પહેરેલો હોવાથી અનામત સમીતીની કોઈ જગ્યાએ મીટીંગ કરતા સમાજના લોકો પ્રથમ અમારી તરફ આગળી ચીંધતા હતા. ત્યારે બીજી બાજુ વારંવાર રજુઆત કરવા છતા સરકાર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. બે માસ અગાઉ પણ જીલ્લા ભાજપ પ્રમુખને સંગઠનમાં કોઈ હોદ્દો નહી આપવા રૂબરૂમાં જણાવ્યુ હતુ. અજમલજી ઠાકોરે વધુમાં જણાવ્યુ હતું કે રાજીનામુ આપ્યા બાદ મંત્રી ઋષિભાઈ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પણ મીટીંગ થઈ હતી. ત્યારે પ્રદેશ અધ્યક્ષશ્રીને પણ પહેલા સમાજની માગણી સ્વિકારશો પછીજ હોદ્દો સ્વિકારીશ તેવી રજુઆત કરી છે. ભાજપ જો ઠાકોર સમાજની માગણીઓ નહી સ્વિકારે તો આવનાર વિધાનસભાની ચુંટણીમાં પગ ઉપર કુહાડો માર્યા સમાન સાબીત થશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles