મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરમાં
તાલુકા પંચાયત પ્રમુખ-ઉપ્રમુખની વરણી માટે મીટીંગ યોજાઈ
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે યોજાનારી ચુંટણીમાં તાલુકા પંચાયતના સાત જેટલા સદસ્યોએ દાવેદારી નોંધાવી છે. જેમાં કોઈ આંતરિક વિવાદ ઉભો ન થાય તે માટે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને મહેસાણા જીલ્લા પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરની ફન પોઈન્ટ રેસ્ટોરન્ટના હૉલમાં સભ્યો સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તિસિંહ ઝાલા, જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ સહિત જીલ્લા અને તાલુકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં અશ્વિનભાઈ કોટવાલે તાલુકા પંચાયતના તમામ સદસ્યોને સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના હોદ્દાનો નિર્ણય લેવા અને પક્ષ જેને પ્રમુખપદનો મેન્ડેટ આપે તેની સાથે રહેવા હાકલ કરી હતી.
વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા બન્ને બેઠકો માટે તા.૨૦-૬ ના રોજ ચુંટણી યોજાવાની છે. જેમાં પ્રમુખપદ માટે સામાન્ય સીટ હોવાથી તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોમાં ગોવિંદભાઈ એમ.પટેલ, કલ્પનાબેન ચૌધરી, ઈન્દ્રવદન કે.પટેલ, પ્રધાનજી ટી.ઠાકોર, પ્રવિણભાઈ આર.પટેલ, બચુજી ઠાકોર તથા મણાજી ઠાકોરના નામોની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આવનારી લોકસભાની ચુંટણીમાં પાટીદાર સમાજની સાથે ઓબીસી સમાજના મતદારોને રીઝવવા કોંગ્રેસ દ્વારા દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં આ વખતે તાલુકા પંચાયતનુ પ્રમુખ પદ ઠાકોર તથા ચૌધરી સમાજને આપવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. જેમાં કોઈ આંતરિક વિખવાદ ઉભો ન થાય તે માટે ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને મહેસાણા જીલ્લા પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરના પાલડી ત્રણ રસ્તા પાસે આવેલ ફન પોઈન્ટ રેસ્ટોરન્ટના હૉલમાં ગત મંગળવારે સભ્યો સાથે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં જીલ્લા પ્રભારી અશ્વિનભાઈ કોટવાલે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના હોદ્દાની સર્વાનુમતે બિનહરીફ વરણી થાય તે માટે તાલુકા તથા જીલ્લા પંચાયતના સદસ્યો તથા સંગઠનના હોદ્દેદારોને હાંકલ કરી છે. ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના ચાણક્યો કોઈપણ પ્રકારના વિખવાદ વગર વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના મહત્વના હોદ્દાઓની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં કેટલા સફળ થાય છે તે જાણવા રાજકીય પંડીતો રાહ જોઈને બેઠા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે વિસનગર તાલુકામાં પાટીદાર સમાજ પછી બીજા નંબરે ઠાકોર સમાજના મતદારોની સંખ્યા છે. છતાં ભાજપ કે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાને બાદ કરતા વિધાનસભા, નગરપાલિકા કે તાલુકા પંચાયતની ચુંટણીમાં ઠાકોર સમાજના દાવેદારને ધારાસભ્ય કે પ્રમુખ બનાવવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી. બન્ને પાર્ટીઓને માત્ર ઠાકોર સમાજના મત લેવામાં જ રસ છે. અગાઉ કોંગ્રેસે વિસનગર નગરપાલિકામાં વરવાજી ઠાકોરને પ્રમુખ બનાવ્યા હતા. ત્યારે આ વખતે કોંગ્રેસ લોકસભાની ચુંટણીમાં તાલુકાના ઠાકોર સમાજના મતદારોને રિઝવવા તાલુકા પંચાયતનુ સુકાન ઠાકોર સમાજના દાવેદારને સોંપે અને ઉપપ્રમુખ પદ ચૌધરી સમાજને સોંપે તેવું રાજકીય વાતાવરણ લાગી રહ્યુ છે.
↧
મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રભારી અશ્વિનભાઈ કોટવાલના અધ્યક્ષસ્થાને વિસનગરમાં તાલુકા પંચાયત પ્રમુખ-ઉપ્રમુખની વરણી માટે મીટીંગ યોજાઈ
↧