Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની વિપુલભાઈ ચૌધરીને ગૃહમંત્રી બનાવવા હાકલ

$
0
0

ખેરાલુ શહેરમાં સોમવારના રોજ અર્બુદા સેનાનું કાર્યાલયના પ્રારંભમાં ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજ માટે કાયમ સરકાર સામે ઝઝુમતા ફાયર બ્રાન્ડ પાટણ- સાંસદ ભરતસિંહ ડાભી ફરીથી ઓ.બી.સી. સમાજને એક કરવા આગળ આવ્યા છે. ભરતસિંહ ડાભીએ ઓ.બી.સી. એક્તા માટે દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીને ખુલ્લુ સમર્થન જાહેર કરી ર૦રરની વિધાનસભાની ચુંટણીમાં ફરીથી ગૃહમંત્રી બનાવવા હાકલ કરતા ભાજપમાં સ્પષ્ટ બે ભાગ જોવા મળ્યા હતા. પ્રચાર સાપ્તાહિકે અગાઉ પણ લખ્યુ હતુ કે ભાજપમાં બે ભાગ સ્પષ્ટ છે એક અજમલજી ઠાકોર ગ્રૃપ, બીજુ ભરતસિંહ ડાભી ગ્રૃપ અને હવે ત્રીજુ ભાજપનું વિપુલભાઈ ચૌધરી ગ્રૃપ કહેવાશે. ભરતસિંહ ડાભી અને વિપુલભાઈ ચૌધરી એક થતા અગાઉના પાણી માટેના તમામ આંદોલનોમાં વિપુલભાઈ ચૌધરી અને ભરતસિંહ ડાભી ગ્રૃપનો ટેકો હતો. જેની ચર્ચાઓ શરૂ થઈ છે.
ખેરાલુ શહેરમાં અર્બુદા સેનાના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ ડાભીએ કાર્યકરોને જણાવ્યુ હતુ કે ઓ.બી.સી. સમાજનું સંગઠન બને તેવી લોકોની માંગણી છે. ઓ.બી.સી સમાજની નેતાગીરી કરવાનો સમય પાકી ગયો છે. ર૦રર ની વિધાનસભામાં ખભે ખભો મિલાવી કામ કરવાનું છે. વિપુુલભાઈ ચૌધરી ફરીથી સક્રિય રાજકારણમાં આવે અને રાજ્યમા ગૃહ મંત્રીનું ખાતુ અપાવીએ તે માટે જે કાંઈપણ કરવુ પડે તે મહેનત બધા ભેગા મળીને કરીએ.
પાટણ સાંસદના આ નિવેદનથી ઉત્તર ગુજરાતમાં ભાજપના નેતાઓમાં સ્પષ્ટ બે ભાગલા જોવા મળે છે. ભાજપનો જુથવાદ વધવાનું કારણ જ્ઞાતિવાદ અગાઉ ચરમ સીમાએ પહોચ્યો હતો. ઈત્તરકોમ કે ઓ.બી.સી. સમાજને કોઈ ગણતુ જ નહોતું. જેથી પાટણ સાંસદ હવે હારી થાકી અને કંટાળીને ઓ.બી.સી. સમાજને એક કરવા તનતોડ પ્રયત્ન કરતા હતા. પરંતુ વિપુલભાઈ ચૌધરીનો સાથ આપી ભરતસિંહ ડાભીએ બોલ ખોવાઈ જાય તેવી સીક્સ મારી છે જેનાથી ભાજપના કેટલાક નેતાઓના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. કારણ કે ખેરાલુ વિધાનસભામાં ભરતસિંહ ડાભીના એક ચક્રી સાશનમાં હવે વિપુલભાઈ ચૌધરીનું પણ સમર્થન પ્રાપ્ત થશે. હવે ખેરાલુ વિધાનસભામાં ભાજપને જીતવા માટે ભરતસિંહ ડાભીનું સમર્થન જોઈશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આ બાબતે ભાજપના એક અગ્રણીએ જણાવ્યુ કે છેલ્લા ર૦-રપ વર્ષથી ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ ભરવા ભાજપના ધારાસભ્યો પ્રયત્નો કરતા હતા. પરંતુ ખેરાલુ વિધાનસભામાં ઓ.બી.સી. સમાજ વધુ હોવાથી ઈરાદાપુર્વક ખેરાલુ- સતલાસણાના વિકાસમાં રોડા નાંખવામા આવતા હતા હવે જયારે છેલ્લા દશ મહિનાથી રાજ્યના મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ બદલાઈ ગયા છે. સરકાર સારુ કામ કરે છે પરંતુ લોકોને વિશ્વાસ નથી. છેલ્લા ર૦-રપ વર્ષથી લોકોની પાણીની સમસ્યા હલ ન કરી તો હવે બાકીના છ મહિનામાં કેવી રીતે સમસ્યા હલ થશે? ઓ.બી.સી. સમાજને થતા સતત અન્યાયથી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે. જો આ બન્ને કદાવર નેતાઓ સાથે ભાજપ સરકાર સમાધાન નહી કરે તો ખેરાલુ વિધાનસભામાં ભાજપને જીતવું લોઢાના ચણા ચાવવા સમાન બનશે.
આ ઉપરાંત ભાજપનું એક ગ્રૃપ ભરતસિંહ ડાભીના વિપુલભાઈ ચૌધરીના સમર્થનવાળા સ્ટેટમેન્ટથી ખુબજ ખુશ છે. કારણ કે એ લોકો એવું જણાવે છે કે ભરતસિંહ ડાભી ભાજપ વિરૂધ્ધમાં કામ કરે છે તે સરકારને જાણ થઈ ગઈ, અત્યાર સુધી ભાજપના આગેવાનો પ્રદેશ મોવડીઓ સમક્ષ રજુઆત કરતા હતા પરંતુ તેમની વાતને પ્રદેશ મોવડીઓ સ્વીકારતા નહોતા હવે જયારે ભરતસિંહ ડાભીના વિપુલભાઈ ચૌધરીના ખુલ્લા સમર્થનથી ભરતસિંહ ડાભીના પરિવારને ભાજપ વિધાનસભાની ટીકીટ નહી આપે તેવી ચર્ચાઓ કરી ભાજપના આગેવાનો ખુશ થઈ રહ્યા છે. જોઈએ હવે આગામી વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસમાંથી કોને ટીકીટ મળે છે અને કોણ જીતે છે તેતો સમયજ બતાવશે.

The post ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની વિપુલભાઈ ચૌધરીને ગૃહમંત્રી બનાવવા હાકલ appeared first on Prachar Weekly.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles