મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણના ચુકાદાઓથી
ચેક આપી નાણાં લઈ
છેતરપીંડી કરનારાઓમાં ફફડાટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધંધાર્થે આપેલા ચેક તેમજ નાણાંકીય વ્યવહારની ગેરંટીરૂપે આપેલા ચેક રીટર્ન થવાના બનાવો વધતા લોકોનો નાણાંકીય વ્યવહાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે નામદાર કોર્ટ આવા કેસમાં સજા ફટકારી નાણાંકીય વ્યવહારો ઉપર લોકોને વિશ્વાસ ટકી રહે તેવા પ્રયત્નો કરી રહી છે. વિસનગરના જ્યુડી.મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણ ચેક રીટર્ન કેસમાં સજા ફટકારતા ચેક આપી નાણાં લઈ છેતરપીંડી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. જ્યારે નાણાં આપી છેતરાયા છે તેમને ઝડપી ન્યાય મળવાની આશા બંધાઈ છે.
વિસનગરના જ્યુડી.મેજીસ્ટ્રેટ શ્રી જે.વી.ચૌહાણ બે અઠવાડીયાના અંતરમાં ચેક રીટર્નના કેસમાં સજાના બે હુકમ કરતા નાણાંકીય વ્યવહારમાં છેતરપીંડી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિસનગરની બદ્રીનારાયણ સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ શંકરલાલ પટેલને ઈંટોની જરૂરીયાત ઉભી થતા કુવાસણા ગામના પરષોત્તમદાસ અંબાલાલ પ્રજાપતિ સાથે ઈંટો ખરીદવાનો સોદો કરી રૂા.૧,૨૫,૦૦૦ આપ્યા હતા. વિષ્ણુભાઈ પટેલને ઈંટોની જરૂરીયાત ઉભી થતા ઈંટો મંગાવતા પરષોત્તમભાઈ પ્રજાપતિએ ઈંટો આપી નહોતી. ત્યારે વિષ્ણુભાઈ પટેલે ઈંટો પેટે આપેલા રૂપિયા પરત માગતા પરષોત્તમભાઈ પ્રજાપતિએ બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા વિષ્ણુભાઈ પટેલે ચેક રીટર્નનો કોર્ટમાં કેસ કરી ન્યાય માગ્યો હતો. જે અંગેનો કેસ વિસનગર કોર્ટના બીજી એડીશનનુ જ્યુ.ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણ સમક્ષ ચાલતા આ કેસના આરોપી પરષોત્તમભાઈ અંબાલાલ પ્રજાપતિએ એક વર્ષની સજા તથા રૂા.૨૦૦૦ નો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે. જ્યારે વિષ્ણુભાઈ પટેલને રૂા.૧,૫૫,૪૦૦ ૬૦ દિવસમાં પરત કરવા આદેશ કર્યો છે. ગત અઠવાડીયે પણ કમાણા ગામના ઠાકોર કનુજી અનારજી પાસે મહેસાણાના પરમાર જીતેન્દ્રભાઈ ધનજીભાઈએ રૂા.૨,૮૦,૦૦૦ હાથ ઉછીના લઈ ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા મેજીસ્ટ્રેટ શ્રી ચૌહાણે જીતેન્દ્રભાઈ પરમારને એક વર્ષની સજા, રૂા.૨૦૦૦ દંડ તથા રૂા.૨,૮૦,૦૦૦ ૬૦ દિવસમાં ચુકવી દેવા આદેશ કર્યો હતો. આમ મેજીસ્ટ્રેટ શ્રી ચૌહાણે ટુંક સમયમાં ચેક રીટર્નના કેસમાં સજા ફટકારતા ચેકનો એક સામાન્ય કાગળ તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
↧
મેજીસ્ટ્રેટશ્રી જે.વી.ચૌહાણના ચુકાદાઓથી ચેક આપી નાણાં લઈ છેતરપીંડી કરનારાઓમાં ફફડાટ
↧