ધારાસભ્ય ઋષિભાઈ પટેલે કેન્દ્ર સંચાલીત રેલ્વેમાં વગનો ઉપયોગ કરતા
એન.એ.વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં એન.એ.વિસ્તારમાં અનુસુચિત સમાજની સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી હતી. ત્યારે બ્રોડગેજ રેલ્વે લાઈનનુ કામ ચાલતુ હોવાથી ધારાસભ્ય ઋષિભાઈ પટેલ વગનો ઉપયોગ કરી પાકુ નાળુ બનાવતા હવે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ભુતકાળ બની જશે. આઈ.ટી.આઈ. ફાટક પાસે પણ નાળુ મંજુર થતા વરસાદી પાણીની કેનાલનું પાણી પસાર થઈ શકશે.
વિસનગરમાં કાંસા એન.એ. ગુરૂકુળ રોડ ઉપર અનુસુચિત સમાજની સોસાયટી વિસ્તારનો ભાગ આસપાસના વિસ્તાર કરતા બે થી ત્રણ ફૂટ નીચો છે. જેના કારણે ચોમાસામાં જ્યારે પણ એક-બે ઈંચ વરસાદ ખાબકે ત્યારે આ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો. આ વિસ્તારમાં બીલ્ડરો દ્વારા આડેધડ સોસાયટીઓ બાંધતા તેમજ સોસાયટીના રહીસો આડેધડ દબાણ કરતા પાણી ભરાઈ રહેવાનુ આ પણ એક મુળભૂત કારણ હતુ. આ વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ શ્રીનાથ, વિવેકનગર સોસાયટી પાછળ આવેલ ગાયત્રી શ્રીનાથના તળાવમાં થતો હતો. પરંતુ તળાવ નાનુ હોવાથી પ્રથમ વરસાદમાંજ તળાવ ભરાઈ જતુ હતુ. આ તળાવમાંથી આગળ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કે જગ્યા નહોતી. તળાવની પાસે રેલ્વે ટ્રેક આવી જતો હતો.
વરસાદી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી ચોમાસુ મધ્યે જુલાઈ, ઓગસ્ટમાં સામાન્ય વરસાદમાં આ આખો વિસ્તાર બેટમાં ફેરવાતો હતો. પાણી નહી સુકાતા કાદવ કિચ્ચડ થતો હતો. નીચાણવાળો વિસ્તાર હોવાથી આઈ.ટી.આઈ.તરફ કે ગુરૂકુળ રામાપીર મંદિર તરફ પણ વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવી શકાતી નહોતી તેમજ પાઈપલાઈન નાખી શકાય તેમ નહોતી. આ વિસ્તારના લોકો ભરાતુ ચોમાસા પાણીથી વાજ આવી ગયા હતા. તંત્ર પણ લાચાર હતુ. ત્યારે મહેસાણા તારંગા બ્રોડગેજ રેલ્વે લાઈનનુ કામ શરૂ થતા તળાવની પાસે રેલ્વે ટ્રેક નીચે નાળુ બનાવવા એન.એ.વિસ્તારના સરપંચ અમીષાબેન રાજેશભાઈ પરમાર તથા આ વિસ્તારના આગેવાનો દ્વારા સાંસદ જયશ્રીબેન પટેલ તથા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેમની દેખરેખમાં રેલ્વે લાઈનનુ કામ ચાલી રહ્યુ છે તે ચીફ એન્જીનીયર ધારાસભ્ય ઋષિભાઈ પટેલના મિત્ર હોવાથી ધારાસભ્યએ વગનો ઉપયોગ કર્યો અને ગાયત્રી, શ્રીનાથ તળાવ પાસે રેલ્વે ટ્રેક નીચે પાકુ આર.સી.સી.નાળુ મંજુર કરાવ્યુ છે. જે નાળાનુ અત્યારે કામકાજ ચાલી રહ્યુ છે. આ નાળાની નીચેથી ચાલતા પસાર પણ થઈ શકાશે. આ નાળાના કારણે ગાયત્રી શ્રીનાથ તળાવના પાણીનો હવે આગળ નિકાલ થઈ શકે અને આવતા વર્ષથી એન.એ.વિસ્તારના અનુસુચિત વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની જશે. આ કામગીરી અને જવાબદારી ધારાસભ્ય ઋષિભાઈ પટેલની નથી તેમ છતાં મિત્રતાનો ઉપયોગ કરી નાળુ મંજુર કરાવતા આ વિસ્તારમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આઈ.ટી.આઈ.ફાટક પાસે કાંસા ચાર રસ્તાથી ફાટક સુધી વરસાદી પાણીની કેનાલ આવતી હતી. પરંતુ રેલ્વે ટ્રેક નીચે નાળુ બનાવવાની મંજુરી નહી મળતા કેનાલનુ પાણી આગળ જઈ શકતુ નહોતુ. ફાટકથી એમ.એન.કોલેજ ફાટક તરફ ૨૦૦ મીટર જેટલુ દુર એક નાળુ હતુ. કેનાલનુ પાણી સમગ્ર વિસ્તારમાં ભરાય ત્યારબાદ ૨૦૦ મીટર દુર નાળામાંથી બીજી તરફ વરસાદી પાણી જતુ હતુ. જેના કારણે ચોમાસામાં ગોકુળનગર સોસાયટી પાછળ તળાવ ભરાતુ હતુ અને ગંદકી થતી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે આઈ.ટી.આઈ.ફાટક પાસેજ નાળુ મંજુર કરાવતા હવે કાંસા રોડ તરફથી આવતી કેનાલનુ પાણી સીધુજ રેલ્વે નાળામાંથી પસાર થઈ મહેસાણા ચાર રસ્તા તરફની કેનાલમાં જશે. ગોકુળનગર પાછળ પાણી ભરાવાની સમસ્યાનો પણ અંત આવશે. આ નાળામાંથી પાલિકાની પીવાની પાણીની લાઈનો પણ પસાર થઈ શકશે.