નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતુ તે
વિસનગર ડેપોમાં કેન્ટીન ક્યારે શરૂ થશે?-મુસાફરો ત્રસ્ત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર એસ.ટી. ડેપોમાં નવુ એસ.ટી.સ્ટેન્ડ શરૂ થઈ ગયુ છે. પરંતુ એસ.ટી. કેન્ટીન તથા ખાણીપીણીના સ્ટોલ શરૂ નહી થતા મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે. એસ.ટી.ના અધિકારીઓ મુસાફરોની પરેશાની જોઈ અને જાણી તાત્કાલીક કેન્ટીન તથા ખાણી પીણીના સ્ટોલ શરૂ કરે તેવી લાગણી પ્રવર્તી છે.
ભાજપ સરકારના ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વિસનગર ડેપોમાં રૂા.૩ કરોડના ખર્ચે નવુ એસ.ટી.સ્ટેન્ડ બનાવવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા તા.૩-૬-૨૦૧૮ ના રોજ તેનુ લોકાર્પણ કરાયુ હતુ. નવુ એસ.ટી.સ્ટેન્ડ શરૂ કરાયા બાદ જુના એસ.ટી.સ્ટેન્ડમાં આવેલ ખાણીપીણીના સ્ટોલ બંધ કરવામાં આવ્યા હતા. જે સ્ટોલ બંધ કરાયા બાદ જૂનુ એસ.ટી.સ્ટેન્ડ તોડવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. મોટાભાગનુ સ્ટેન્ડ જમીનદોસ્ત થઈ ગયુ છે. એસ.ટી.સ્ટેન્ડમાં કેન્ટીન, સીંગચણા સ્ટોલ, જ્યુસ સેન્ટર, ખાણી પીણીના સ્ટોલ મુસાફરોની સુવિધા માટે હોય છે. ખરેખર તો નવા એસ.ટી.સ્ટેન્ડમાં આ સ્ટોલ શરૂ કરવામાં આવે નહી ત્યાં સુધી જુના એસ.ટી.સ્ટેન્ડમાં કાર્યરત આ સ્ટોલ બંધ કરવાની જરૂર નહોતી. કારણકે નવા એસ.ટી.સ્ટેન્ડમાં આવતા મુસાફરો જુના એસ.ટી.સ્ટેન્ડમાં ચાલુ સ્ટોલનો લાભ લેતા હતા. નવા એસ.ટી.સ્ટેન્ડના વિવિધ સ્ટોલના ટેન્ડરો ખુલી ગયા છે. વિવિધ સ્ટોલ વગર મુસાફરો ખરેખર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નવા એસ.ટી.સ્ટેન્ડમાં મુસાફરોના હિતમાં તાત્કાલીક કેન્ટીન તથા અન્ય સ્ટોલ શરૂ કરવા જરૂરી છે.
↧
નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતુ તે વિસનગર ડેપોમાં કેન્ટીન ક્યારે શરૂ થશે?-મુસાફરો ત્રસ્ત
↧