ટીપીની મીટીંગમાં સભ્યો હાજર નહી રહેતા છેવટે
પાલિકાના ટીપીના ચેરમેન પરેશભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ
પરેશભાઈએ કોંગ્રેસના કોઈ હોદ્દેદારને રાજીનામુ આપ્યુ નથી
વિસનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર પરેશભાઈ પટેલે કોંગ્રેસમાંથી આપેલા રાજીનામા સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોરે જણાવ્યુ છેકે પરેશભાઈ પટેલે અમને કોઈ રાજીનામુ પહોચતુ કર્યુ નથી. નવાઈની વાત છેકે પક્ષમાંથી રાજીનામુ આપવુ હોય તો શહેર જીલ્લા કે પ્રદેશના પ્રમુખને સંબોધન કરીને રાજીનામુ આપી શકે. પરેશભાઈ પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, તેમના સાથી કોર્પોરેટર શહેર કોંગ્રેસ મહામંત્રી દર્શનભાઈ પરમાર જોલી કે જીલ્લા પ્રમુખને આપી શકે છે. કોંગ્રેસના કોઈ પ્રમુખને સંબોધન કરીને રાજીનામુ આપે તો પાલિકાનુ સભ્યપદ પણ જોખમમાં મુકાય. પરેશભાઈ પટેલ અનુભવી કોર્પોરેટર છે ત્યારે કયા ઈરાદાથી આ રીતે રાજીનામુ આપ્યુ છે તેની ચર્ચાઓ થઈ રહી છે.
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ટી.પી.ચેરમેન પરેશભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. રાજીનામુ આપ્યા બાદ સંપર્ક કરતા જણાવ્યુ છેકે, પાલિકામાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. ભ્રષ્ટાચાર કરી જાહેરમાં લીધેલા શપથ તોડ્યા છે. શપથનુ હવે કંઈ રહેતુ નથી. પાલિકામાં જુથવાદ કરી કામ કરવા દેવામાં આવતુ નથી.
વિસનગર પાલિકાના વોર્ડ નં.૮ ના કોંગ્રેસના સભ્ય ટાઉન પ્લાનીંગના ચેરમેન પરેશકુમાર સેવંતીલાલ પટેલે તા.૧૨-૯-૨૦૧૮ ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી, આ રાજીનામાનો પત્ર સોશીયલ મીડીયામાં ફરતો થતા ભારે ચકચાર જાગી હતી. રાજીનામા પત્રમાં પરેશભાઈ પટેલે જણાવ્યુ છેકે, મને ટીપી કમિટીના ચેરમેનની જવાબદારી આપી હતી. પણ ટીપી કમિટીના સભ્યો ત્રણ ત્રણ વાર મીટીંગ બોલાવવા છતા હાજર નહી રહેતા મીટીંગ કેન્સલ કરવી પડી છે. કોઈ કામ કરવા ન દેતા હોવાથી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપુ છું. હવે હું અપક્ષ કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળીશ.
આ રાજીનામા બાબતે પરેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, ટીપીના ચેરમેન તરીકે ત્રણ વખત મીટીંગ બોલાવી હતી. પરંતુ સભ્યો હાજર નહી રહેતા મીટીંગ કેન્સલ કરવી પડી છે. મીટીંગના એજન્ડાના કામોનો વિરોધ હોય તો મીટીંગમાં હાજર રહી વિરોધ લખી શકે છે. આતો ચેરમેનની સત્તા આપી છે પરંતુ જુથવાદના કારણે આપેલી સત્તા પ્રમાણે કાર્યવાહી થવા દેતા નથી. હાલમાં પાલિકામાં જે વહિવટ ચાલી રહ્યો છે તેની સાથે સંમત નથી. ચાલી રહેલો વહિવટ ગમતો નથી. પરંતુ સાથે રહેવાના શપથ લીધા છે એટલે ના છુટકે મૌન સેવી ચુપ બેસી રહ્યા છીએ. અમારૂ સંખ્યાબળ લઘુમતિમા છે, અમારૂ સંભળાતુ નથી. શહેરના ગેરકાયદેસર બાંધકામો બાબતે કાર્યવાહી કરવા માગીએ છીએ ત્યારે સહકાર મળતો નથી. અમે સ્વચ્છ વહિવટ કરવાના, ભ્રષ્ટાચાર નહી કરવાના અને સાથે રહેવાના શપથ લીધા હતા. પરંતુ પાલિકાના વહિવટમાં ભ્રષ્ટાચાર ફુલ્યોફાલ્યો છે. પાલિકામાં જુથવાદ વકર્યો છે. ભ્રષ્ટાચાર કરી તથા જુથવાદ કરી શપથ તોડ્યા છે. એટલે હવે અમારે પણ શપથનુ પાલન કરવુ કે નહી તે વિચારવાનુ છે.
પરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે ખોટુ બાંધકામ થતુ હોય તો પાલિકાની જનરલમાં સર્વ સંમતીથી ઠરાવ કરાયો છેકે, આવા બાંધકામો સામે કલમ ૩૬ હેઠળ ટીપી કમિટીએ નિર્ણય લેવો. ગેરકાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી કરવાની જવાબદારી ટીપી કમિટી ઉપર ઠોકી બેસાડવામાં આવી છે. જ્યારે ટીપી કમિટીને ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ કાર્યવાહી કરવા દેવામાં આવતી નથી. કોઈ ગેરકાયદેસર બાંધકામ બાબતે ચીફ ઓફીસરને રજુઆત કરે તો જવાબ આપવામાં આવે છેકે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવા ટીપી કમિટીએ કોઈ નિર્ણય લીધો નથી કે કોઈ સુચના આપી નથી. ટીપી કમિટી ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવા માગે છે પરંતુ મીટીંગ થવા દેતા નથી. ટીપીને કામ કરવાજ દેવુ ન હોય તો ટીપી પાસેથી પાવર લઈ લો અને ચીફ ઓફીસરને સત્તા આપો. ગેરકાયદેસર બાંધકામ બાબતે ટીપી કમિટીને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે જેથી આ પગલુ ભરવામાં આવ્યુ છે.