હિંમતનગરના ઢુંઢરની ૧૪ માસની બાળકીને ન્યાય અપાવવા
ક્ષત્રિય સેનાના એલાનથી સતલાસણા-ખેરાલુમાં જડબેસલાખ બંધ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા ખાતે હિંમતનગરના ઢુંઢર ખાતે ૧૪ માસની બાળકી ઉપર થયેલ બળાત્કાર કેસમાં ન્યાય અપાવવા માટે બુધવારે બંધનું એલાન અપાતા ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય રાજપુત સેના અને રાષ્ટ્રીય કરણી સેનાએ વેપારીઓને વિંનંતી કરતા સમગ્ર સતલાસણા જડબે સલાખ બંધ રહ્યુ હતુ. તેમજ ગુરુવારે ખેરાલુમાં તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના રાષ્ટ્રીય રાજપુત કરણીસેના અને ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેનાએ બંધનુ એલાન આપતા તમામ લોકોએ સહકાર આપતા કયારેય ન જોયુ હોય તેવુ અભુતપૂર્વ બંધ ખેરાલુ શહેરમાં જોવા મળ્યુ હતુ.
સતલાસણા સજ્જડ બંધ રહ્યા પછી ખેરાલુ શહેર પણ સજ્જડ બંધ રખાવવા બુધવારે ક્ષત્રિય ઠાકોર સેનાના યુવકોએ દુકાને દુકાને ફરીને તમામ લોકોને બળાત્કારનો ભોગ બનેલી બાળકીને ન્યાય અપાવવા દુકાનો બંધ રાખવા વિનંતી કરી હતી. ખેરાલુ શહેરમાં અત્યાર સુધી એક બંધના એલાનમાં એક પધ્ધતિ હતી જેમાં મેઈન બજાર બંધ રાખી હાઈવે અને ખેરાલુ શહેર આજુ બાજુના વિસ્તારોની દુકાનો ચાલુ રહેતી હતી. ક્ષત્રિય ઠાકોર સેના સાથે રાષ્ટ્રીય કરણીસેનાનો સહકાર હતો. વેપારીઓ પણ આ બનાવથી સરકાર ઝડપથી પગલા ભરે તેવી આશા વ્યક્ત કરી બંધમાં જોડાતા ખેરાલુ શહેર સજ્જડ બંધ હતુ. ખેરાલુ શહેરમાં રેલી રૂપે જઈ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી બાળકીને ન્યાય અપાવવા વિનંતી કરી હતી. ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ ભવાનજી ઠાકોર સાથે મહેશજી ઠાકોર, રાષ્ટ્રીય કરણી સેનાના ખેરાલુના મંગળસિંહ ચૌહાણ ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણી કડવાજી ઠાકોર સહિત અસંખ્ય લોકો રેલીમાં ઉમટી પડયા હતા.
ગુરુવારે ખેરાલુ શહેર સજ્જડ બંધ હતુ ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનું સરકાર સાથે સમાધાન થતા કલેકટરશ્રી મહેસાણા સાથે આઈ.જી. મયંકસિંહ ચૌહાણ, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજીભાઈ ઠાકોર સાથે જિલ્લા /તાલુકાના ક્ષત્રિય સેનાના હોદ્દેદારોની મિટીંગ મળી હતી. જેમા સરકાર સાથે સમાધાન થતા હવે પછી કોઈ કાર્યક્રમ આપવાનો નથી તેવી જાહેરાત કરી હતી. જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજીભાઈ ઠાકોરે જણાવ્યુ હતુ કે આરોપીને પકડી લીધો છે. રાજ્ય સરકારના મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સમાધાન વાતચિત થયા મુજબ ભોગ બનનાર બાળકીને આર્થિક સહાય ૪.પ લાખ અપાશે. હિંમતનગર જિલ્લાના તમામ પોલીસકર્મીઓ પોતાનો એક દિવસનો પગાર આપશે તેમજ સ્પેશિયલ જજની નિમણુંક કરી એક મહિનામાં જજમેન્ટ આપી વધુમાં વધુ સજા થાય તે રીતે ઝડપી કાર્યવાહી કરાશે. સરકારે માંગણીઓ સ્વીકારી હોવાથી હવે પછી ક્ષત્રિય ઠાકોર સેનાએ કોઈ કાર્યક્રમ સરકાર વિરૂધ્ધ આ બાબતે કરવાનો નથી તેવી જાહેરાત કરી હતી.
↧
હિંમતનગરના ઢુંઢરની ૧૪ માસની બાળકીને ન્યાય અપાવવા ક્ષત્રિય સેનાના એલાનથી સતલાસણા-ખેરાલુમાં જડબેસલાખ બંધ
↧