માંગણી સંતોષવાનું આશ્વાસન આપી રેલ્વે તંત્રએ છેતર્યા
ITI ફાટક પાસે પાકુ નાળુ નહી તો જન આંદોલન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર આઈ.ટી.આઈ. પાસેના ૧૮ નંબરના રેલ્વે ફાટક પાસે પાકુ નાળુ બનાવવા વર્ષોની માંગણી છે. અગાઉ રેલ્વે તંત્રએ નાળા માટે એસ્ટીમેટ બનાવી પૈસા ભરવા પાલીકાને પત્ર પણ આપ્યો હતો. ત્યારે અત્યારે બ્રોડગેજ લાઈનની કામગીરી માં પાકુ નાળુ બનાવવાની જગ્યાએ પાઈપ લાઈન નાખવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. વોર્ડનં.૧ અને ૫ ના સભ્યો તથા રહીશોએ રોષ ઠાલવ્યો છે કે રેલ્વેના અધિકારીઓએ પાકુ નાળુ બનાવવાનુ આશ્વાસન આપ્યા બાદ છેતર્યા છે. આર.સી.સી. નાળુ નહી બને તો જન આંદોલન કરવામાં આવશે.
વિસનગર કાંસા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી વરસાદી પાણીના નિકાલની કેનાલ છે. પરંતુ આઈ.ટી.આઈ ફાટક પાસે રેલ્વે નાળા માટે મંજુરી નહી અપાતા ચોમાસામાં ફાટક પાસે પાણી ભરાઈ રહે છે. અને ભરાયેલુ પાણી ગોકુળનગર સોસાયટીમાં ભરાતા સોસાયટી બેટમાં ફેરવાય છે. વધારે પાણી ભરાય ત્યારે ફાટકથી ૨૫ મીટર એમ.એન.કોેલેજ તરફ પત્થર નું મોટુ નાળુ હતુ તેમાંથી બીજી તરફ પાણી જતુ હતુ. તે નાળુ પણ અત્યારે બ્રોડગેજ લાઈનના કારણે તોડીને પુરી દેવામાં આવ્યુ છે. આઈ.ટી.આઈ. પાસે આર.સી.સી.પાકુ નાળુ બનાવવા છેલ્લા ઘણા વર્ષોથી માંગણી થઈ રહી છે. અત્યારે બ્રોડગેજ લાઈનનું કામ ચાલુ હોવાથી કામગીરીનુ નિરિક્ષણ કરવા આવતા રેલ્વેના જી.એમ. સુધીના અધિકારીઓ સમક્ષ પાકા નાળા માટે રજુઆત કરવામાં આવી હતી. છેલ્લે રેલ્વે અધિકારીએ વરસાદી પાણીની કેનાલની વહન ક્ષમતા કેટલી છે. પાણીની કેનાલ ક્યાથી ક્યા જાય છે. તેની વિગતો અને ડ્રોઈંગ માગ્યુ હતુ. પાકુ નાળુ બનાવવા રેલ્વે અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યુ હતુ. ત્યારે ફાટક પાસે ૧૨૦૦ એમ.એમ.ની એક પાઈપ લાઈન નાખવામાં આવતા ભારે વરસાદમાં આ પાઈપ પાણીનો નિકાલ કેવી રીતે કરી શકાશે તે ચિતા સાથે રેલ્વેના અધિકારીઓની છેતરતી કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
તા.૨૬-૧૦-૨૦૧૮ને શુક્રવારના રોજ રાત્રે ફાટક પાસે વોર્ડ નં.૧ અને ૫ ના પાલિકા સભ્યો તથા રહીશો એકઠા થયા હતા. જેમનો રોષ હતો કે ફાટકથી ૨૫ મીટર દુર આવેલ પથ્થરના નાળાની ક્ષમતા ૩૦૦ થી ૪૦૦ ક્યુસેક પાણીનુ વહન થાય તેવી હતી. ત્યારે પાઈપ લાઈનની ક્ષમતા ૭૦ થી ૮૦ ક્યુસેક પાણીની છે. જ્યારે અંગ્રેજો વખતે રેલ્વે લાઈન નંખાઈ ત્યારે દુરંદેશી રાખી પથ્થરનું મોટુ નાળુ બનાવવામાં આવ્યુ હતુ. અત્યારે શહેરનો વિકાસ વધ્યો છે. સોસાયટી વિસ્તાર વધ્યો છે. ત્યારે પથ્થરનુ નાળુ તોડીને પુરી નાખ્યા બાદ એક પાઈપ નાખવામાં આવતા ભારે વરસાદમાં પાણીનો નિકાલ થશે નહી અને વોર્ડ નં.૧ અને ૫ની લગભગ ૫૦ સોસાયટીઓ ડુબમાં જશે જ્યા જુના નાળા હતા ત્યા નવા નાળા કર્યા છે. કાંસા એન.એ.ના વરસાદી પાણીના નિકાલ માટે દલિત સમાજના હિત માટે વિવેકનગર તેમજ શ્રીનાથજી સોસાયટી પાછળ જો આર.સી.સી નું આખો વ્યક્તિ પસાર થઈ શકે તેવુ નાળુ બનાવી શકાતુ હોય તો આઈ.ટી.આઈ.ફાટક પાસે આર.સી.સી. નાળુ બનાવવામાં રેલ્વે તંત્રને શું વાધો છે. આ સંદર્ભે અગાઉ સાંસદ જયશ્રીબેન પટેલ, ધારાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલ તથા રેલ્વે ના લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવામાં આવી છે. તેમ છતા રેલ્વે તંત્રએ લોકોને ભવિષ્યમાં શુ મુશ્કેલી પડશે તેનો વિચાર કર્યા વગર પોતાની મનમાની કરી પાકા નાળાની જ્ગ્યાએ એક પાઈપ નાખી છે. પાકુ નાળુ બનાવવામા નહી આવે તો જન આંદોલન કરવાનો પણ મીજાજ દાખવ્યો હતો. વોર્ડનં.૫ ના સભ્ય ભરતભાઈ પટેલ સુરતીએ જણાવ્યુ છે કે તા. ૨૯-૧૦-૨૦૧૮ને સોમવાર ના રોજ બપોરે ૩-૦૦ કલાકે આઈ.ટી.આઈ ફાટક પાસે બધા ભેગા થવાના છે. રેલ્વે તંત્ર પાકુ નાળુ બનાવવા કોઈ ત્વરીત નિર્ણય નહી કરે તો આંદોલન માટેના આગામી કાર્યક્રમો કરવાનો નિર્ણય કરવામાં આવશે.