ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરને શૈક્ષણિક નગરીનું બિરૂદ અપાવનાર શિક્ષણ અને સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા સ્વ. ભોળાભાઈ ચતુરદાસ પટેલની દ્રિતીય પુણ્યતિથિનો કાર્યક્રમ ગોઠવા જે.બી.વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ એસ.કે કેમ્પસના પુર્વ ડીેરેક્ટર ડૅા. એલ.એન.પટેલ, મજુર સહકારી મંડળીના પ્રમુખ પી.સી.પટેલ, વિસનગર ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ગોરધનભાઈ પટેલ, પુર્વ પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલ, કમાણાના અગ્રણી સુધિરભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, કંકુપુરા સરપંચ મહેન્દ્રભાઈ ઠાકોર , ઠાકોર સમાજના અગ્રણી મનુજી ઠાકોર સહિત ગોઠવા જુથ કેળવણી મંડળના સભ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ સ્વ. ભોળાભાઈ પટેલની આત્મસુઝ અને વિકાસલક્ષી કાર્યશૈલીની ભારોભાર પ્રસંશા કરી હતી. અને તમામે ભોળાભાઈની વિસનગરની શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓ માટેનુ પ્રદાન ક્યારેય ભુલાય તેમ નહી હોવાનુ જણાવ્યુ હતુ.
વિસનગર તાલુકાના ગોઠવા ગામની જે.બી.વિદ્યાલય દ્વારા શાળાના પટાંગણમાં ગત તા. ૧૩-૧૧-૨૦૧૮ના રોજ વિસનગરની શૈક્ષણિક તથા સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા મુરબ્બીશ્રી સ્વ.ભોળાભાઈ પટેલની દ્રિતીય પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ કમાણાના જીલ્લા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલે સ્વ.ભોળાભાઈ પટેલના સામાજીક કાર્યોને યાદ કરતાં જણાવ્યુ હતું કે હું ગોઠવા ગામની છું અને સ્વ.ભોળાભાઈ પટેલ મારા પિતા સમાન હતા. જેમને વિસનગર તાલુકાના ખેડુતો અને વિદ્યાર્થીઓ માટે અનેક વિકાસકામો કર્યા હતા. ભોળાભાઈએ શિક્ષણ અને સહકારીક્ષેત્રે પોતાની સેવાઓ આપી લોકચાહના મેળવી હતી. ત્યારે ભોળાભાઈના પુત્ર કૌશિકભાઈ પણ ભોળાભાઈની જેમ સમાજસેવાના કાર્યો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે તેમને ગોઠવા ગામના વિકાસ કામો માટે સરપંચ અને તલાટી નિષ્ક્રીય હોવાનો પણ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે એસ.કે.કેમ્પસના પુર્વ ડાયરેક્ટર ડૅા. લક્ષ્મણભાઈ એન. પટેલે જણાવ્યું હતુ કે ભોળાભાઈ શિક્ષણપ્રેમી હોવાથી તેમને વર્ષો પહેલા ગોઠવા જુથ કેળવણી ઉત્તેજક મંડળની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમને વિસનગરમાં વિશાળ જગ્યામાં એસ.કે.પટેલ શૈક્ષણિક સંકુલનો પાયો નાંખ્યો હતો. જેમા તેમને એન્જીનીયરીંગ અને બી. ગૃપની ડેન્ટલ, નર્સિંગ, ફાર્મસી, એમ.બી.એ તથા સાયન્સ ફેકલ્ટીની કોલેજો બનાવવા માટે રાત દિવસ મહેનત કરી હતી અને આજે આ શૈક્ષણિક સંકુલે શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજ્ય નહીં પણ વિશ્વ લેવલે નામના મેળવી છે. જ્યારે કમાણાના શિક્ષણ પ્રેમી સુધિરભાઈ પટેલે જણાવ્યુ હતું કે શિક્ષણથીજ સમાજનુ ઉત્થાન છે તેવું વિચારીને તેમને શિક્ષણક્ષેત્રને પ્રદાન કર્યુ હતુ. ભોળાભાઈએ પોતાની દિર્ધદ્રષ્ટી અને અનુભવથી શિક્ષણ, સહકારી તથા રાજકીય ક્ષેત્રે આગળ વધી પોતાના ગામ, તાલુકો અને જીલ્લાને શ્રેષ્ઠ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. ભોળાભાઈ પટેલના કાર્યોની સુવાસ કાયમ ફેલાયેલી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. વિસનગર નગરપાલિકના પુર્વ પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યું હતું કે સ્વ.ભોળાભાઈ પટેલ મારી રાજકીય અને સહકારી ક્ષેત્રની કારકિર્દીમાં સાચા માર્ગદર્શક રહ્યા હતા. જેઓ રાજકીય ક્ષેત્રે નાના કાર્યકરની પણ સલાહ લેતા હતા. વિસનગરના વિકાસમાં ભોળાભાઈ પટેલનો અમુલ્ય ફાળો છે. ભોળાભાઈએ ૧૦૦ થી ૧૨૫ વિઘા જમીનમાં એસ. કે. પટેલ સંકુલ ઉભુ કરીને વિસનગર પંથક સહિત ઉત્તરગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. કાર્યક્રમની આભારવિધી ભોળાભાઈ પટેલના પુત્ર કૌશિકભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જે.બી. વિદ્યાલયના ઉત્સાહી આચાર્ય સુરેશભાઈ પટેલ તથા તેમના સ્ટાફે કર્યું હતું.
↧
ગોઠવા જે.બી.વિદ્યાલયમાં ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવાઈ
↧