લેખ ઉપર મેખ મારી દૈવી શક્તિના અને સચ્ચાઈની રાહના સહારે
ભાજપના ઋષિકેશભાઈ પટેલે ૧૦ વર્ષના શ્રાપને તોડ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વિધાનસભામાં ત્રીજી ટર્મમાં ભાજપમાંથી ચુંટાયેલ ઋષિકેશભાઈ પટેલે વિસનગરના બે ટર્મથી વધારે ધારાસભ્ય નહિ બનવાના શ્રાપ ઉપર લેખ ઉપર મેખ મારી જીત હાંસલ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં પરંપરા રહી છેકે કોઈપણ ધારાસભ્ય બે ટર્મથી વધારે પદ ઉપર રહી શકતા નથી. આવી પરંપરાને લઈ લોકોએ ધારાસભ્યની ત્રીજી ટર્મ શ્રાપિત ગણાવી છે. અગાઉ ભોળાભાઈ પટેલ ૧૯૮૫ અને ૧૯૯૦ માં બે ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. ત્રીજી વખત ઊભા રહ્યા અને વિસનગરમાં જેને થોડાક જ માણસો ઓળખતા હતા, ગામડાવાસીઓ પૂછતા હતા કે કીરીટભાઈ પટેલ કોણ છે તે કીરીટભાઈ પટેલ સામે હાર્યા હતા. પ્રહેલાદભાઈ ગોસા ૧૯૯૮ અને ૨૦૦૨ ની ટર્મમાં ભાજપમાંથી ચુંટાયા ત્રીજી વખત ભાજપનાજ વિરોધીઓ તેમની ટીકીટ કાપવામાં સફળ રહેતા ટીકીટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરી અને હાર્યા તે સામે ઋષિકેશભાઈ પટેલ ૨૦૦૭ અને ૨૦૧૨ ની ટર્મમાં ધારાસભ્ય રહ્યા અને ૨૦૧૭ માં ત્રીજી વખતે પક્ષે ટીકીટ આપી અને તેમની ઐતિહાસિક જીત થઈ. જેને નસીબ ગણી શકાય. ઋષિકેશભાઈ પટેલને ટીકીટ પણ નસીબ આધીન જ મળી છે. પ્રદેશ સંગઠને પ્રચંડ વિરોધના કારણે તેમને ટીકીટ નહિ આપવાનો નિર્ણય લીધા બાદ ૧૮૨ ધારાસભ્યમાં ૧૮૨ મી ટીકીટ જાહેર થઈ તે પણ દૈવી શક્તિનો ચમત્કાર જ ગણી શકાય. જીત પણ દૈવી શક્તિના આશિર્વાદ જેવી જ છે. બધાજ રાઉન્ડમાં પાછળ છેલ્લા બે રાઉન્ડમાં કોંગ્રેસી ઉમેદવાર મહેશભાઈ પટેલના જીલ્લા પંચાયતની ટેરીટરીના ગામ કડા સહિતના ગામોમાં ઋષિકેશભાઈ પટેલ પ્લસ નીકળે તે ચમત્કાર જ ગણી શકાય. ઋષિકેશભાઈ પટેલે વિસનગર ધારાસભાના બે ટર્મના શ્રાપિત લેખ ઉપર મેખ માર્યો છે. વ્યક્તિ ત્યારે જ લેખ ઉપર મેખ મારી શકે છે જ્યારે તેને કોઈ શક્તિના આશિર્વાદ મળ્યા હોય. આ વખતે સમગ્ર તાલુકામાં ઋષિકેશભાઈ પટેલની વોટબેન્ક પટેલો સામે હોવાથી શું થશે તેવું કહેવા તૈયાર નહતું છતાં ભાજપની જીત એ દૈવી ચમત્કાર જ છે.