વિસનગર વિધાનસભા સીટના ઈતિહાસમાં
મહેશભાઈ પટેલ ૭૪૬૨૭ મત લાવનાર પ્રથમ હરિફ ઉમેદવાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વિધાનસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ હારીને પણ જીત્યા છે. આ સીટમાં વિજેતા ઉમેદવાર સામેના હરિફ ઉમેદવારોમાં મહેશભાઈ પટેલ પ્રથમ ઉમેદવાર છેકે જે ૭૪૬૨૭ જંગી મત મેળવ્યા હોય. જેતે વખતની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોમાં સૌથી વધારે મત મેળવનાર મહેશભાઈ પટેલ પ્રથમ ઉમેદવાર છે. આટલા મત મળતા એ પણ ચર્ચાય છેકે અન્ય સમાજ ભાજપ તરફે હતો તો પાટીદારો સીવાય બીજા કયા સમાજના મત મોટી સંખ્યામાં મળ્યા? વિસનગર વિધાનસભા સીટ માટે ભાજપ અને કોંગ્રેસની ટીકીટ જાહેર થાય તે પહેલા એવુ ચર્ચાતુ હતુ કે ભાજપમાંથી ઋષિભાઈ પટેલ આવે અને કોંગ્રેસમાંથી જો કીરીટભાઈ પટેલને ટીકીટ મળે તો ભાજપને જીતવુ ભારે પડી જાય અને જો મહેશભાઈ પટેલને ટીકીટ મળે તો ભાજપની જીત સરળ થઈ જાય. ટીકીટ જાહેર થતા કોંગ્રેસમાંથી મહેશભાઈ પટેલે ફોર્મ ભરતા કોંગ્રેસના કેટલાક અદના આગેવાનો ઉપરાંત ભાજપના આગેવાનો કહેતા હતા કે વિસનગર સીટ ઉપર ભાજપનો વિજય નિશ્ચીત છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલે એવો ચુંટણી પ્રચાર કર્યો કે જેના કારણે ભાજપને આંખમાંથી પાણી અને મોંમાંથી ફીણ નીકળી ગયુ હતુ. કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલને પાટીદાર અનામત આંદોલનના કાર્યકરોનો સપોર્ટ હતો. વળી મહેશભાઈ પટેલ ભલે પ્રથમ વખત ચુંટણી લડ્યા હોય પરંતુ કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથેની બેઠક ઉઠકના કારણે ચુંટણી પ્રચારના અનુભવી ખેલાડી હતા. આવા સંયોગના કારણે મહેશભાઈ પટેલને વિસનગર મત વિસ્તારમાંથી જંગી કહી શકાય તેવા ૭૪૬૨૭ મત મળ્યા. અગાઉ મતદારોની સંખ્યા ઓછી હતી પરંતુ વર્ષ ૨૦૦૨ ની વિધાનસભાની ચુંટણીથી જોઈએ તો વર્ષ ૨૦૦૨ ની વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કીરીટભાઈ પટેલને ૫૫૪૩૭, ૨૦૦૭ માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર બાવનના સમાજના બબલદાલ પટેલને ૩૩૩૦૪ તથા વર્ષ ૨૦૧૨ માં એનસીપીમાંથી ઉમેદવારી કરનાર ભોળાભાઈ પટેલને ૪૬૭૮૬ મત મળ્યા હતા. જ્યારે ૨૨ વર્ષમાં ભાજપ સામે હરિફ ઉમેદવારમાં મહેશભાઈ પટેલે સૌથી વધારે મત મેળવ્યા છે. વિસનગર સીટના ઈતિહાસમાં આટલા જંગી મત મેળવ્યા તેજ મહેશભાઈ પટેલની જીત છે. વિસનગર સીટમાં મહેશભાઈ પટેલને આટલા મત મળતાજ એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છેકે પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ તરફે પાટીદારો મતદારો હતા. તાલુકામાં પાટીદાર મતદાર લગભગ ૬૨૦૦૦ છે. પાટીદારોએ ૮૦ ટકા મતદાન કર્યુ હોય તો પાટીદારોનું મતદાન ૫૦,૦૦૦ નુ થયુ કહેવાય. જેમાંથી ભાજપના ઉમેદવાર ઋષિભાઈ પટેલને પાટીદારોના ૧૫ થી ૨૦ ટકા મત મળ્યા હોવાનુ કહેવાય છે. જે ગણતરી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલને ૪૦,૦૦૦ થી ૪૨,૦૦૦ પાટીદારોના મત મળ્યા. મહેશભાઈ પટેલને કુલ ૭૪૬૨૭ મત મળ્યા છે જેમાંથી પાટીદારના ૪૨,૦૦૦ મત બાદ કરીએ તો અન્ય મોટા સમાજમાંથી મહેશભાઈ પટેલે ૩૨,૦૦૦ મત મેળવ્યા છે. પાટીદાર સીવાય તો અન્ય સમાજ જો ભાજપ તરફે હોય તો આટલી મોટી સંખ્યામાં કયા સમાજે મત આપ્યા તે પણ આ સાથે ચર્ચાઈ રહ્યુ છે.