વિસનગરની નિષ્ણાત તબીબ ટીમેવિસનગરની નિષ્ણાત તબીબ ટીમેબાળકના ગળામાં ફસાયેલ બિલ્લો કાઢી જીવ બચાવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખ્યાતનામ વિસનગરની સંજીવની હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ર્ડા.અરૂણ આર.રાજપૂતે તેમના છેલ્લા ૨૫ વર્ષના તબીબી પ્રેક્ટીસના બહોળા અનુભવ અને પોતાની આગવી સુઝથી છેલ્લા છ મહિનાથી તાવ, શરદી અને ખાંસીની બિમારીથી પરેશાન થયેલા એક માસુમ બાળકનુ સફળ નિદાન કરીને તેના ગળામાંથી મોટો બિલ્લો કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જેમાં શહેરના જાણીતા ઈ.એન.ટી. ર્ડા.કેયુર એ.મહેતા સહિતના પાંચ ર્ડાક્ટરોની ટીમે બાળકને સારવાર આપી હતી. વડનગર તાલુકાના મિરજાપુર ગામના વતની ઈન્દ્રસિંહ સમરસિંહ રાજપૂતનો સવા વર્ષનો દિકરો હર્ષિલસિંહ આશરે છ મહિના પહેલા ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે તેના મામાના ઘરે ગયો હતો. જ્યાંથી ઘરે આવ્યા પછી તે શરદી, ખાંસી અને તાવની બિમારીમાં રહેતો હતો અને શ્વાસ લેતી વખતે કે ઉધરસ ખાતી વખતે તેના ગળામાંથી કોઈ અજીબ પ્રકારનો અવાજ આવતો હતો. આ બાળકના પરિવારજનોએ છ મહિના સુધી બીજા દવાખાનાઓમાં સારવાર કરાવવા છતાં તેની તબીયતમાં કોઈ સુધારો થતો નહતો. ત્યારે ચાણસોલમાં રહેતા હર્ષિલસિંહના નાના કુશાલસિંહ હરિસિંહ નવાજી રણા હર્ષિલસિંહની સફળ સારવાર કરાવવા વિસનગરની સંજીવની હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ર્ડા.અરૂણ આર.રાજપૂત પાસે લાવ્યા હતા. જ્યા ર્ડા.અરૂણ રાજપૂતે આ માસુમ બાળકની સારવાર કરતા તેના ગળામાં કોઈ મેટલની વસ્તુ જેવી કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તેવુ જણાયુ હતુ. જેથી તેમને આ બાળકના ગળાની તપાસ કરાવવા વિસનગરના શિવમાર્કેટમાં આવેલ પહલ ઈ.એન.ટી. હોસ્પિટલના નિષ્ણાંત ર્ડા.કેયુર એ.મહેતા પાસે મોકલ્યા હતા. જ્યાં ર્ડા.કેયુર મહેતાએ આ બાળકના ગળાનો એક્સ-રે કરાવતા તેના ગળામાં કોઈ મોટો બિલ્લો ફસાયો હોવાનુ માલુમ પડ્યુ હતુ. જોકે બાળકના ગળામાં ફસાયેલો બિલ્લો ૨ થી ૩ ઈંચ લાંબો, અને ૧ થી ૧.૫ ઈંચ પહોળો હતો. તથા તેના પાછળના ભાગે સેફ્ટીપીન જેવી બે પીનો દેખાતી હોવાથી આ સવા વર્ષના માસુમ બાળકના ગળામાંથી બિલ્લો કાઢવો જોખમી હતુ. ત્યારે ર્ડા.અરૂણ રાજપૂત અને ર્ડા.કેયુર મહેતાએ ચર્ચા વિચારણા કરીને બાળકને બેભાન કરીને તેના ગળામાંથી બિલ્લો કાઢવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બિલ્લો કાઢતી વખતે તેની પાછળની ખુલ્લી પીનના લીધે જો માસુમને બ્લીડીંગ થાય અને તે શ્વાસનળીમાં જાય તો બાળક માટે જોખમ જેવુ લાગતુ હતુ. તેમ છતાં બન્ને ર્ડાક્ટરોએ પોતાની તબીબી પ્રેક્ટીસના બહોળા અનુભવથી બાળકના ગળામાંથી બિલ્લો કાઢવા જોખમ લેવાનુ નક્કી કર્યુ હતુ. જેના માટે તેમને શહેરના જાણીતા એનેસ્થેટીક ર્ડા.મહેન્દ્રભાઈ પટેલ તથા ર્ડા.શૈલેષભાઈ પટેલની મદદ લીધી હતી. અને ચારેય ર્ડાક્ટરોએ એન્ડોસ્કોપીથી બાળકના ગળામાંથી સલામત રીતે બિલ્લો બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ બિલ્લો ગુજરાત પોલીસના લોગોવાળુ મોટુ બક્કલ હતુ. બાળકના ગળામાંથી સફળતાપૂર્વક બિલ્લો નીકળતા તેના પરિવારજનોએ ભાવુક બની તમામ ર્ડાક્ટરોનો આભાર માન્યો હતો. ત્યારબાદ આ બાળકને બાળકોના નિષ્ણાંત ર્ડા.શૈલેષ પ્રજાપતિની વત્સલ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. જ્યાં તેની તબીયત સારી હોવાથી શુક્રવારે તેને રજા આપી હતી.