મેઈન્ટેનન્સની જવાબદારી નહી હોવા છતા કોન્ટ્રાક્ટર કુંડીઓ અને પાઈપલાઈન સાફ કરે છે
વિસનગર પાલિકા ભુગર્ભ ગટર હેન્ડ ઓવર નહી કરતા મુશ્કેલીઓ વધી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ભુગર્ભ ગટર યોજના પુરી થયે ત્રણ વર્ષનો સમય થઈ ગયો છે. લોકોએ જોડાણ આપી દીધા છે ત્યારે પાલિકા ભુગર્ભ ગટર હેન્ડ ઓવર નહી કરતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાઈન ચોકઅપના કારણે કૃષ્ણનગરમાં ગંદકી ફેલાતા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે ધારાસભ્યએ ચીફ ઓફીસરનો સંપર્ક કરી કૃષ્ણનગરના પ્રશ્નનુ નિરાકરણ લાવવા સુચના આપી છે. વિસનગરમાં ભુગર્ભ ગટર વંચીત સોસાયટી વિસ્તારમાં પાઈપલાઈન નાખવાની શરૂઆત લગભગ ૨૦૧૧-૧૨ માં શરૂ થઈ હતી. જે પાઈપલાઈન નાખવાની કામગીરી વર્ષ ૨૦૧૪ માં પૂર્ણ થઈ હતી. ભૂગર્ભ ગટરલાઈન નંખાઈ ગયા બાદ ગટરલાઈન શરૂ થઈ ગઈ તેમ સમજી સોસાયટી વિસ્તારના કેટલાક લોકોએ શોષકુવા પુરી દઈ ગટરલાઈનના જોડાણ ભુગર્ભ ગટર લાઈનમાં આપી દીધા હતા. બીજી બાજુ ગટરલાઈન ચાલુ ન થતાં લાઈનોમાં પાણી ભરાતા ગટરના પાણી બેક મારી રહ્યા છે. ગટરલાઈનનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થયો નથી. ત્યારે ભુગર્ભ ગટરલાઈન નંખાયા બાદ આજ ત્રણ વર્ષનો સમય થવા છતાં પાલિકા દ્વારા આ યોજના હેન્ડ ઓવર કરવામાં આવતી નથી. પાલિકા ભુગર્ભ ગટરની જવાબદારી સ્વિકારવા તૈયાર નથી. સરકારી એસટીપી પ્લાન્ટ બનાવતી નથી. બીજી બાજુ પાલિકા ગટરલાઈન હેન્ડ ઓવર કરતી નહી હોવાથી ગટરલાઈનમાં જોડાણ કરનાર લોકોની જવાબદારી સેન્ડવીચ જેવી થઈ છે. પાલિકા યોજના હેન્ડઓવર કરે ત્યારે મેઈન્ટેનન્સ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની ઉભી થાય છે. હેન્ડ ઓવર કર્યા બાદ બે વર્ધ સુધી કોન્ટ્રાક્ટરને નિભામણી અને મરામ્મત કરવાની જવાબદારી લેવાતી હોય છે. પરંતુ એસટીપી પ્લાન્ટના બહાને પાલિકા યોજના હેન્ડઓવર કરતી નથી. કોન્ટ્રાક્ટરે મોટાભાગના પાઈપના જોડાણ આપી દીધા છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર પાસે કમ્પલેન થાય ત્યારે મરામ્મતની જવાબદારી નહી હોવા છતા સ્વખર્ચ પાઈપલાઈન અને કુંડીઓ સાફ કરી લોકોની મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયત્ન કરે છે. પાલિકા યોજના હેન્ડ ઓવર કરે ત્યારબાદ તમામ લાઈનો ચાલુ કરવાની અને નિભામણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરે ફરિયાદો આવતા કલ્યાણ બંગ્લોઝ, અમથેર મંદિર, પરિમલ, શેરડીનગર, કૃષ્ણનગર, સામવેદ, આગણવિલા, દેણપ રોડ ઉપર વિગેરે વિસ્તારમાં કુંડીઓ અને લાઈન સફાઈ કરી છે. નવાઈની વાત તો એ છેકે લોકો હેરાન થાય તે માટે કેટલાક તત્વો જોડે રહી કુંડીઓમાં કચરો નાખી, કુંડીઓ ચોકઅપ કરી રહ્યા છે. આવા ફોલ્ટ ઉભા કરી ત્યારબાદ સરકારમાં, જીયુડીસીમાં કમ્પલેન કરવા પાછળનુ રહસ્ય શુ તે સમજાતુ નથી. ગટરલાઈનોનુ પાણી ખાલી થાય તે માટે તાત્કાલીક મહેસાણા રોડ ઉપરનુ પંપીંગ સ્ટેશન ચાલુ થાય તે માટે કોન્ટ્રાક્ટરે રૂા.૧૭ લાખના સ્વખર્ચે ટ્રાન્સફરમર લગાવી પંપીંગ સ્ટેશન શરૂ કર્યુ. હાલમાં પાલિકા ભુગર્ભ ગટર યોજના હેન્ડ ઓવર કરે તો દિપરા દરવાજા પંપીંગ સ્ટેશન તથા મહેસાણા રોડ ઉપર અગાઉની જેમ ખુલ્લામાં ગટરના પાણીનો નિકાલ થઈ શકે તેમ છે, પરંતુ કઈ મોટી લાલચમાં પાલિકાના સત્તાધીશો ભુગર્ભ ગટર યોજના હેન્ડ ઓવર કરવા માગતા નથી તે સમજાતુ નથી. જીયુડીસી દ્વારા ઉત્તર ગુજરાતમાં વિવિધ પાલિકાઓમાં ભુગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવી તેમાંથી તમામ પાલિકાઓની ભુગર્ભ ગટર પાલિકાઓએ હેન્ડ ઓવર કરી દીધી છે. કોન્ટ્રાક્ટરોએ બે વર્ષની મેઈન્ટેઈન કરવાની જવાબદારી પણ પુર્ણ કરી યોજના પાલિકાને સુપરત કરી દીધી છે. ત્યારે વિસનગર પાલિકાજ એકમાત્ર એવી પાલિકા છે જ્યાં ભુગર્ભ ગટર હેન્ડ ઓવર કરવામાં આવી નથી. પાલિકાની આ નિષ્ક્રીયતા પાછળનુ કારણ એ ચર્ચાય છેકે રૂા.૨૩ કરોડની યોજનામાં કેટલા ટકાની લાલચ રાખવામાં આવી રહી છે. વિસનગરમાં ભુગર્ભ ગટરનુ પાણી પહેલા પણ ખુલ્લામાં દિપરા દરવાજા તથા મહેસાણા રોડ કેનાલમાં વહેતુ હતુ. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ ન થાય ત્યાં સુધી પાલિકા યોજના હેન્ડ ઓવર કરે તો ગટરના પાણીનો નિકાલ કરવાની તો વ્યવસ્થા છેજ. પરંતુ તગડા કમિશનોની લાલચમાં અત્યારે પ્રજા હેરાન થઈ રહી છે.