વિસનગર ટી.ડી.ઓ.અને સી.ડી.પી.ઓના ઓચિંતા ચેકીંગમાં આંગણવાડી કાર્યકરો-મુખ્ય સેવિકાઓની નિષ્કાળજી પકડાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી વિસનગર ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરી, વિસનગર ઘટકના સી.ડી.પી.ઓ.પન્નાબેન પરીખ તથા વાલમ ઘટકના સીડીપીઓ. કોકીલાબેન મકવાણાએ ગત અઠવાડીયે પોતાના વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં ઓચિંતી મુલાકાત લઈ બાળકોને આપવામા આવતા ગરમ નાસ્તા અને રજીસ્ટરની ચકાસણી કરી હતી. જેમા મોટાભાગની આંગણવાડી કાર્યકરોની નિષ્કાળજી જોવા મળી હતી. ફરજમા નિષ્કાળજી દાખવનાર આંગણવાડી કાર્યકરોને નોટીસો આપી ખુલાસો કરવા જણાવ્યુ હતુ. આંગણવાડી કાર્યકરો સાથે મુખ્ય સેવિકાઓની પણ નિષ્કાળજી બહાર આવી છે.
ગુજરાત રાજ્યમાં નાના બાળકોમાં વધતું જતું કુપોષણ અટકાવવા માટે સરકાર ગંભીર બની છે અને બાળકોનુ કુપોષણ દુર કરવા સરકાર સતત પ્રયત્નો કરે છે. ગત અઠવાડીયે મહેસાણા જીલ્લા વિકાસ અધિકારીને મહેસાણા જીલ્લાના તમામ તાલુકાના ટી.ડી.ઓ, સી.ડી.પી.ઓ. અને કાર્યકરોની મીંટીંગ બોલાવી આંગણવાડીના કાર્યકરોની અનિયમિતતા દુર કરવા અને બાળકોને અપાતો ગરમ નાસ્તો નિયમિત આપવા માટે આંગણવાડી કેન્દ્રોમા ઓચિંતી મુલાકાત લઈ માટે તપાસ કરવા સુચના આપી હતી. આ ઉપરાંત આંગણવાડીના કુપોષિત નાના બાળકોને સમયસર આરોગ્યલક્ષી ચકાસણી કરાવી કુપોષણ નાબુદ કરવા સુચના આપી હતી. વધુમા જીલ્લા વિકાસ અધિકારીએ જીલ્લાની તમામ આંગણવાડીઓને નિયમિત અને સરળ બનાવવા માટે શું પગલા લેવા તેની ચર્ચા કરી તમામ અધિકારીઓ પાસે તેમના સુચનો અને મંતવ્યો લીધા હતા. જીલ્લા વિકાસ અધિકારીની સુચનાથી વિસનગર ટી.ડી.ઓ. વિજયભાઈ ચૌધરી, વિસનગર આઈ.સી.ડી.એસ. ઘટક ૧ના સી.ડી.પી.ઓ પન્નાબેન પરીખ તથા વાલમ ઘટકના સી.ડી.પી.ઓ કોકીલાબેન મકવાણાએ પોતાના ઘટકની આંગણવાડીઓમા ઓચિંતી મુલાકાત લઈ આંગણવાડીમા બાળકોને અપાતો ગરમ નાસ્તો સુખડી તથા નાસ્તાના રજીસ્ટરની તપાસ કરી આંગણવાડીના કાર્યકરોને નાના બાળકોને સમયસર પોષણક્ષમ આહાર અને ગરમ નાસ્તો આપવાની સુચના આપી હતી. જયારે ફરજ ઉપર નિષ્કાળજી દાખવનાર કેટલાક કાર્યકરોને નોટીસ આપી. ખુલાસો કરવા જણાવ્યુ હતુ. ટી.ડી.ઓ વિજયભાઈ ચૌધરીની ઓચિંતી મુલાકાતથી વિસનગર શહેર-તાલુકાની તમામ આંગણવાડી કાર્યકરોમા ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે આ ચેકીંગમાં આંગણવાડી કાર્યકરોની સાથે મુખ્ય સેવિકાઓની ફરજ ઉપરની નિષ્કાળજી પણ જોવા મળી હતી. ટી.ડી.ઓ.એ આંગણવાડીઓની તપાસનો તમામ રીપોર્ટ જીલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો છે.