વડાપ્રધાન કહે છે સૌનો સાથ સૌનો વિકાસ તો મહેસાણા જિલ્લાના વાંસફોડ(વાદી) સમાજનો વિકાસ કયારે?
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં ઝાલી તળાવની પાળે રહેતા વાદી (વાંસફોડ) વાજા વિચરતી જાતીના લોકો છેલ્લા પ૦ વર્ષ ઉપરાંતથી રહે છે વર્ષોથી ઝાલી તળાવ ઉપર રહેતા વાદી સમાજને સરકારના કોઈ લાભો મળતા નથી. જેથી શ્રીવાદી (વાંસફોડ) વાંજા યુવા વિચરતી જાતી વિકાસ ટ્રસ્ટ, મહેસાણા બનાવ્યુ છે. જેના પ્રમુખ રાજુભાઈ પથુભાઈ વાંસફોડા (વાદી) એ ખેરાલુ સહિત મહેસાણા જિલ્લાના વાદી સમાજના લોકો સાથે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મળવા ગયા હતા મુખ્યમંત્રી ન મળતા તેમના પી.એ. પરિમલભાઈ શાહ સમક્ષ રજુઆત કરતા તેમણે યોગ્ય કાર્યવાહી કરી તમામ સમાજને સરકારી લાભો મળે તે માટે સંતોષકારક જવાબ આપતા વાદી સમાજના અગ્રણીઓ ખુબજ ખુશ જણાતા હતા.મુખ્યમંત્રીશ્રીના પી.એ.પરિમલભાઈ શાહ સમક્ષ વાદી સમાજના આગેવાનોએ રજુઆત કરી હતી કે વિચરતી વિમુક્ત જાતીમાં વાદી સમાજ આવે છે છતા હજુ સુધી બી.પી.એલ.રેશનકાર્ડ મળતા નથી વિચરતી જાતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે છે તેનુ મુખ્ય કારણ બેરોજગારી છે. ગુજરાન ચલાવવા ગ્રામ્ય વિસ્તારોમાંંથી શહેરી વિસ્તારોમાં જાય છે. સરકારી કામોમાં રોજગારી મળે. શ્રમયોગી કાર્ડ હોવા છતા રોજગારી મળતી નથી. વાદી સમાજની છોકરીઓને શિક્ષક નર્સ તથા આંગણવાડી સરકારી નોકરીઓમા ભરતી માટે અનામતનો લાભ મળે તેવી વ્યવસ્થા કરો. સરકારી કોર્ષ માટે ઓછી ફીમા શીખવા મળે તેવી વ્યવસ્થા કરી સરકાર સહાય આપે. સરકારી બેંકો તથા પોસ્ટઓફીસમા વાદી સમાજના ખાતા છે પણ પૈસાની આવક ન હોવાથી લેણદેણ થતી નથી જેથી લોન મળે તો ધંધા કરી હપ્તા ભરી શકાય વાંસફોડવા માટે સરકારી સબસીડી મળતી નથી છેલ્લા પચીસ વર્ષથી વાંસફોડ કરતા કામદારો સહકારી મંડળીઓ બંધ છે. જેથી સહાય આપી સહકારી મંડળીઓ ચાલુ કરાવવા વિનંતી કરી હતી. વાંસ મંડળીઓ બંધ થવાથી વાંસ કામ કરી છુટક રોજગારી મેળવે છે. મોટાભાગનો સમાજ બેરોજગાર કંગાળ, ગરીબ સ્થિતીમાં જીવે છે. વાંસફોડ સમાજ માટે સબસીડી વાળી લોનો આપી પેકેજ જાહેર કરાય તો રોજગારી મેળવી બાળકોને સારી રીતે ભણાવી સારુ જીવન જીવી શકાય. વાદી સમાજ છેલ્લા પ૦ વર્ષથી કાચા ઝુંપડામા રહે છે સરદાર આવાસ યોજના અંતર્ગત મફતગાળા મળે તો પાકા મકાનોની સહાય મેળવી શકાય. ગરીબ કલ્યાણ મેળાઓમા વાદી સમાજને કોઈ લાભ મળતા નથી જેથી ગરીબ વાંસફોડ વાદી સમાજ માટે પેકેજ જાહેર કરી જીવન ધોરણ ઉંચુ લાવવા સરકારમાં વિનંતી કરી હતી જોઈએ હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વાદી સમાજ માટે પેકેજ જાહેર કરી સૌનો સાથ સૌનો વિકાસના વડાપ્રધાનના મંત્રને સાચા અર્થમાં સાર્થક કયારે કરે છે તેતો સમય જ બતાવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં વાદી રાજુભાઈ પથુભાઈ પ્રમુખ સાથે વાદી જગદીશભાઈ કાન્તીભાઈ (મહામંત્રી) વાદી ભગાભાઈ મોહનભાઈ (ઉપપ્રમુખ), વાદી અમનભાઈ કાનજીભાઈ, વાદી અલ્કેશભાઈ કેશવલાલ (વિસનગર), વાદી રોશનભાઈ બાદરભાઈ (મહેસાણા) રજુઆત કરવા ગયા હતા.