વિસનગર પાલિકાનો ગરીબ લારીઓવાળા ઉપર અત્યાચાર
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર પાલિકા આડેધડ દબાણો કરતા તવંગરો સામે ચુ કે ચા કરી શકતી નથી. જ્યારે ટ્રાફીક અને દબાણના નામે સ્ટેશન રોડ ઉપર રોજીરોટી કમાતા ગરીબ લારીઓવાળા ઉપર વારંવાર અત્યાચાર કરવામાં આવે છે. ઉતરાયણના બે દિવસ અગાઉ ટ્રાફીકના નામે પાલિકા કર્મચારીઓ અને શાકભાજીની લારીઓવાળા વચ્ચે ઘર્ષણ થતાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. નવાઈની વાત તો એ છેકે આ હોબાળા સમયે પાલિકા પ્રમુખ કે એકપણ સભ્ય ફરક્યા નહતા. કોંગ્રેસ શાસિત પાલિકા વિધાનસભાની ચૂંટણીના રાગદ્વેષમાં શાકભાજીની લારીવાળાઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ લારીઓવાળાએ કર્યો હતો.
વિસનગર પાલિકામાં ગઠબંધન શાસન આવ્યુ ત્યારથી સ્ટેશન રોડ ઉપર ગરીબ લારીઓવાળા ઉપર વારંવાર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જ્યારે માલેતુજાર છેડેચોક નડતરરૂપ દબાણ કરે તેમને પંપાળવામાં આવે છે. તા.૧૨-૧-૨૦૧૮ને શુક્રવારના દિવસે બપોરે પાલિકાના મકાનભાડા ક્લાર્ક વિનુભાઈ પટેલ અને અશ્વીનભાઈ ચૌહાણ સ્ટેશન રોડ ઉપર ટ્રાફીકને નડતરરૂપ લારીઓ હટાવવાની કામગીરી કરતા હતા ત્યારે કૃષ્ણ સીનેમા આગળ એક લારીવાળાનો વજન કાંટો ખેચવામાં ઘર્ષણ થયુ હતુ. જેમાં મકાનભાડા ક્લાર્ક વિનુભાઈ પટેલને આંગળી ઉપર વાગ્યુ હતુ. મકાનભાડા ક્લાર્કના જણાવ્યા પ્રમાણે લારીવાળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલને કરવામાં આવતા તેઓ તાત્કાલીક અન્ય સ્ટાફ અને જેસીબી સાથે લારીઓ ટ્રેક્ટરમાં ભરવામાં આવતા ભારે હોબાળો થયો હતો. કેટલીક લારીઓ ઉંધી પાડી હતી. પાલિકા તંત્રની આવી દાદાગીરી જોતા ગરીબ લારીવાળા ભારે રોષે ભરાયા હતા. જે લારીવાળા ધંધા બંધ કરી રોડ ઉપર ઉતરી આવી અન્ય લારીઓ પણ બંધ કરાવી હતી. જેના કારણે તહેવારની ખરીદી કરવા નીકળેલ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શાકભાજીની લારીઓવાળા રેલી કાઢી પાલિકા ઓફીસમાં પહોચ્યા હતા. જ્યાં પાલિકા તંત્ર વિરુધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. ગરીબ વેપારીઓએ ચીફ ઓફીસર સમક્ષ કર્મચારીઓની મનમાની બાબતે રજુઆત કરી કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. ત્યારે રજુઆત કરવા આવેલ લારીઓવાળા સામે ચીફ ઓફીસરના વલણથી મહદ્અંશે મામલો શાંત પડ્યો હતો.
તહેવાર સમયે શાકભાજી અને અન્ય વસ્તુઓનો વેપાર કરતા લારીઓવાળાએ જણાવ્યુ હતું કે, વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને મત નહી આપતા અત્યારે કોંગ્રેસ શાસીત પાલિકા ગરીબો ઉપર દ્વેષભાવનુ વર્તન કરી રહી છે. પાલિકા વિરોધપક્ષના નેતા અજમલજી ઠાકોરે પ્રતિભાવ આપ્યો હતો કે, તહેવારના સમયે ગરીબ વેપારીઓને કમાવવાના બે-ત્રણ દિવસ હોય છે ત્યારે પાલિકા ગરીબ વેપારીઓને હેરાન કરે છે તે યોગ્ય નથી. વારંવાર ગરીબ લારીઓવાળાનેજ ટારગેટ કેમ બનાવવામાં આવે છે? જ્યારે પાલિકાના પૂર્વ ચેરમેન નાગજીભાઈ રબારીએ ગરીબો ઉપર દમનભરી કામગીરી કરનાર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો કે, પાલિકાને ટ્રાફીકની સમસ્યા નડતી હોય તો જે વેપારીઓએ દબાણ કર્યા છે, દુકાનો આગળ ચરખા મુકી ટ્રાફીકને નડતરરૂપ થઈ રહ્યા છે તેમની સામે કેમ પગલા ભરવામાં આવતા નથી? કર્મચારીઓ દાદાગીરી અને ગુંડાગીરી કરી રહ્યા છે તે હરગીજ ચલાવી લેવામાં આવશે નહી. કોના ઈશારાથી ગુંડાગીરી થઈ રહી છે. ચુંટણીમાં હારજીત કોઈની પણ હોઈ શકે. વોટ આપ્યો કે ન આપ્યો તે જોઈ આવી ગરીબો પ્રત્યે વેરભાવના રાખવી જોઈએ નહી. પાલિકામાં કોંગ્રેસના શાસનમાં ગરીબો ઉપર આવો દમન ગુજારાય તે વ્યાજબી નથી. આજ રીતે ચાલશે તો ગરીબ વેપારીઓ રોડ ઉપર ઉતરી આવશે અને ભુખ હડતાલ ઉપર ઉતરશે. જ્યારે ભાજપ અગ્રણી ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પાલિકા તંત્રની ગરીબો પ્રત્યે તાનાશાહી, જોહુકમી ચાલી રહી છે, તહેવારના સમયેજ આ ટ્રાફીક દેખાયો? અત્યાર સુધી રોડ ઉપર ફરતી લારીઓ કેમ દેખાતી નહોતી, આનો મતલબ શુ સમજવો? બગીચા આગળ પતંગના સ્ટોલ આપ્યા છે ત્યાં રોડ સુધી દબાણ છે. ચાલવાની પણ જગ્યા નથી. પાલિકાના ટ્રાફીક નિયમમાં આ સ્ટોલ આવતા નથી. આ સ્ટોલવાળા પૈસા આપે છે તો લારીઓવાળા પણ રૂા.૩૦૦ ની પાવતી ફડાવે છે. ત્રણ દરવાજા ટાવર આગળ આડેધડ વાહનોનુ પાર્કિંગ થાય છે તેની સામે કેમ પાલિકા જોતી નથી. પાલિકા પ્રમુખને આજેજ કેમ ટ્રાફીક જોવા મળ્યો. તહેવારના સમયે હેરાન કરવાનુ કારણ શુ? ગરીબ લારીઓવાળાને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. વર્ષોથી તહેવાર સમયે આ પરિસ્થિતિ જોવા મળે છે. ગરીબ લારીઓવાળા પ્રત્યે રાજકીય દ્વેષભાવ રાખી જે રીતે હેરાન કરાય છે તે શરમજનક છે.