અઠવાડીયામાં ૫૭૦ પોઝીટીવ – ૬૦ ના મૃત્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આંશિક લોકડાઉન અને સંપુર્ણ લોકડાઉનના કારણે પોઝીટીવ કેસમાં ઘટાડો થવાનુ શરૂ થયુ હતુ. શહેરના વેપારીઓ અને સમગ્ર નાગરિકો સંક્રમણનો ભોગ ન બને તે માટે બીજા એક અઠવાડીયુ લોકડાઉન જરૂરી છે તેવામાં તા.૩-૫ ને સોમવારથી બજારો શરૂ કરવાનો નિર્ણય ઘાતક બને તેમ છે. આ મહામારીમાં શહેરના આગેવાનો, તથા તંત્રને સાથે રાખી નિર્ણય કરવાની જગ્યાએ ૨૦ થી ૨૫ જેટલા વેપારીઓની ઉપસ્થિતિમાં લેવાયેલો નિર્ણય શહેરના નાગરિકોને ઘણુ નુકશાન કરી શકે તેમ છે. અઠવાડીયામાં ૫૭૦ પોઝીટીવ તથા શહેર અને તાલુકામાંથી ૬૦ ના મૃત્યુ થયા છે. સારવાર વગર લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે મુઠ્ઠીભર વેપારીઓ શહેરને બાનમાં લઈ લોકોના જીવ જોખમાય તેવો કરેલો નિર્ણય ભારે પડવાનો છે.
૫૭૦ પોઝીટીવ – ૬૦ ના મૃત્યુ
કોરોના મહામારીના કારણે સંક્રમણ વધતા તા.૨૪-૪ ના રોજ શહેરમાં ૬૨ ગામડામાં ૩૭, તા.૨૫-૪ શહેરમાં ૪૬ ગામડામાં ૩૮, તા.૨૬-૪ શહેરમાં ૫૪ ગામડામાં ૨૮, તા.૨૭-૪ શહેરમાં ૬૧ ગામડામાં ૪૪, તા.૨૮-૪ શહેરમાં ૫૦ ગામડામાં ૩૦ તથા તા.૨૯-૪ શહેરમાં ૬૦ અને ગામડામાં ૬૦ થઈ કુલ ૫૭૦ પોઝીટીવ કેસ નોધાયા છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે શહેરમાંથી ૨૫ પુરુષ અને ૨૭ સ્ત્રી તથા ગામડામાં ૯ પુરુષ અને ૯ સ્ત્રી સાથે કુલ ૬૦ મૃત્યુ થયા છે.
વિસનગરમાં કોરોના સંક્રમણ વધતા તેને કાબુમાં લેવા માટે પ્રથમ આંશિક લોકડાઉન આપવામાં આવ્યુ હતુ. જે નિર્ણયથી સંક્રમણમાં કોઈ ઘટાડો નહી થતા તા.૨૨-૪ થી ૨-૫ સુધી શહેરમાં સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય વેપારી મંડળો દ્વારા કરવામાં આવ્યો હતો. શહેર અને તાલુકાના લોકોના હિતમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનને આવકારી અભૂતપૂર્વ રીતે બજારો બંધ રાખ્યા હતા. જેના કારણે સંક્રમત વધતુ અટક્યુ હતુ. અર્બન હેલ્થ સેન્ટરમાં રોજ થતા ટેસ્ટમાં પોઝીટીવ કેસમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો થયો હતો. બંસીધર સીટી સ્કેન સેન્ટરમાં લાઈનો લાગતી હતી તેની જગ્યાએ ૭૦ થી ૮૦ સીટી સ્કેન થઈ રહ્યા છે. જાણીતા ફીજીશીયન ર્ડા.કેતનભાઈ જોષીની ઓપનએર ઓપીડીમાં રોજના ૧૦૦ ઉપરાંત્ત દર્દિઓ સારવાર માટે આવતા હતા. તેની જગ્યાએ દર્દિઓની સંખ્યા ૧૦૦ ની અંદર આવી છે. આમ લોકડાઉનથી ૨૫ થી ૩૦ ટકા પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકડાઉનનુ આવુ સારુ પરિણામ મળ્યુ હતુ ત્યારે વધુ અઠવાડીયુ લોકડાઉન જરૂરી હતુ. એટલા માટે કે સંક્રમણ ઘટ્યુ છે. પરંતુ હોસ્પિટલોમાં હજુ પણ બેડ મળતા નથી. હોસ્પિટલોમાં ઓક્સીજનની તંગી છે. કોરોના સારવાર માટેની દવાઓ અને ઈન્જેક્શન મળતા નથી. આવા સંજોગોમાં લોકડાઉનની મુદત વધારી હોત તો પોઝીટીવ કેસની સંખ્યા ઘટે તેમ હતી.
વિસનગરમાં તા.૨-૫ સુધી બજારો સ્વૈચ્છીક લોકડાઉન હોવાથી સમય સંજોગો પ્રમાણે આગળ શું નિર્ણય કરવો તે માટે વેપારી મંડળની મીટીંગ મળી હતી. જેમાં વેપારી મહામંડળના હોદ્દેદારોની ગેરહાજરી હતી. જેની પાછળ પણ કોપરસીટી એસો.ના નિર્ણયને મુક સંમતી આપવા માગતા હોય તે માટે ગેરહાજરી હોવાનુ ચર્ચાય છે. કોપરસીટી એસો.ના પ્રમુખ પરેશભાઈ પટેલ, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો તથા વિવિધ એસો.ના હોદ્દેદારોએ હાજરી આપી હતી. સંખ્યા ૨૦ થી ૨૫ ની હતી. આ ફક્ત વેપારીઓના હિતની મીટીંગ નહોતી પરંતુ મહામારીમાં સમગ્ર શહેરની જનતાની સુખાકારી માટેની મીટીંગ હતી. શહેરના આગેવાનો, બુધ્ધીજીવી વર્ગના લોકોને આમંત્રીત કરવાની જરૂરી હતી. પરંતુ બજારો શરૂ કરવાનો પ્રથમથીજ નિર્ણય લેવાઈ ગયો હોય તેમ બજારો શરૂ કરવાની તરફદારી કરતા વેપારી હોદ્દેદારોનેજ બોલાવવામાં આવ્યા હોય તેમ જણાતુ હતુ. મીટીંગમાં તમામ વેપારીઓનો એકજ સૂર હતો કે બજારો શરૂ કરો નહીતો વેપારીઓ પતી જશે. પરંતુ બજારો શરૂ કરવાથી લોકો જીવ ગુમાવશે અને અનેક પરિવારો ખંડીત થશે તેવી રજુઆત કરવાવાળુ કોઈ નહોતુ. બધાને વેપાર ધંધાની પડી હતી. કોપરસીટી પ્રમુખ તથા કરશનભાઈ પટેલે લોકડાઉન વધારવા આડકતરી રજુઆત કરી હતી. પરંતુ બજારો શરૂ કરવાથી સંક્રમણ વધશે અને જાનહાની થશે તેવી બોલવાની હિમ્મત કરી શક્યા નહોતા. છેવટે ગણ્યા ગાઠ્યા વેપારી હોદ્દેદારોના આગ્રહ પ્રમાણે તા.૩-૫ ને સોમવારથી સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ કલાક સુધી બજારો રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો.
વેપારીઓના પ્રશ્નો માટેની ચર્ચા કરવા વેપારી મંડળો ફક્ત વેપારીઓને બોલાવે કે વેપારી એસો.ના હોદ્દેદારોને બોલાવે તે બરોબર છે. પરંતુ આ મીટીંગ ફક્ત વેપારીઓના હિતની નહોતી, મહામારીમાં સમગ્ર શહેરના હિતને લગતી મીટીંગ હતી. તો મહત્વની મીટીંગમાં શહેરના આગેવાનો, પાલિકા સભ્યો વિગેરેને બોલાવવાની જરૂર હતી. પરંતુ પોતાનોજ કક્કો સાચો ઠેરવવા માટે લોકોને મોતના મુખમાં ધકેલતો મુઠ્ઠીભર વેપારીઓએ બજારો શરૂ કરવાનો જે નિર્ણય કર્યો છે તે ભારે પડવાનો છે. હજુ પણ વિચાર કરવામાં નહી આવે તો લાશો રસ્તામાં રઝળતી જોવા મળે તેવી સ્થિતિ ઉદ્ભવે તો કહેવાય નહી. અન્ય આગેવાનોની બાદબાકી કરીને બોલાવેલી મીટીંગમાં બજારો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે લોકો જીવ ગુમાવશે તો શુ આ વેપારી આગેવાનો જવાબદારી સ્વિકારશે ખરા?