વિસનગરના દર્દિઓના પ્રાણવાયુ માટે તંત્ર સામે જંગ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોનાના દર્દિઓની સારવાર માટે ઓક્સીજન સપ્લાય કરવાની જવાબદારી સરકારની છે. ત્યારે વિતરણ વ્યવસ્થામાં સરકારની નિષ્ફળતાના કારણે નૂતન હોસ્પિટલના દર્દિઓ માટે પ્રકાશભાઈ પટેલ અને સિવિલ હોસ્પિટલ તથા હોમ કોરોન્ટાઈન દર્દિઓ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તંત્ર સામે જંગ ખેલી રહ્યા છે. વિસનગરમાં દાખલ થયેલા દર્દિઓને પ્રાણવાયુ પુરો પાડવા માટે અત્યારે આ બન્ને આગેવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેમના પ્રયત્નોથી મુખ્યમંત્રી દ્વારા ઓક્સીજન સપ્લાયની બાહેધરી આપવા છતાં નૂતન હોસ્પિટલમાં આવતુ ઓક્સીજન ટેન્કર રસ્તામાં લુંટાતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. પ્રકાશભાઈ પટેલની આવડતથી ઓક્સીજન સપ્લાયમાં કોઈ ખામી સર્જાઈ નહોતી અને દર્દિઓને ઓક્સીજન પુરો પાડવામાં આવ્યો હતો.
વિસનગરમાં ઓક્સીજન સપ્લાયમાં કોઈ ઉણપ ન આવે, સિવિલ હોસ્પિટલ તથા હોમ કોરોન્ટાઈન દર્દિઓને ઓક્સીજન પુરતા પ્રમાણમાં સપ્લાય થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા વિજાપુરના ઓક્સીજન સપ્લાય માટે ધારાસભ્ય રમણભાઈ પટેલ જીલ્લા કલેક્ટરને રજુઆત કરવા માટે ગયા હતા. આ સમયે નૂતન હોસ્પિટલના ઓક્સીજન સપ્લાય માટે પ્રકાશભાઈ પટેલ અને તેમના મામા દુષ્યંતભાઈ પટેલ પણ બેઠા હતા. જેમણે ઓક્સીજન માટે કલેક્ટર સમક્ષ રજુઆત કરી હતી. સરકાર હસ્તક સપ્લાયનો કંટ્રોલ હોઈ જીલ્લા કલેક્ટરે લાચારી દર્શાવી હતી. ત્યારે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલ રાત્રે ૯-૦૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈ ઓક્સીજનની પરિસ્થિતિ માટે ચર્ચા કરી હતી. સમગ્ર ગુજરાતની હોસ્પિટલોમાં ઓક્સીજન સપ્લાયની જવાબદારી ધનંજય દ્વીવેદી સંભાળતા હોવાથી તેમનો પણ સંપર્ક કર્યો હતો. ઓક્સીજનની અત્યારે લુંટફાટ થતી હોવાથી વિસનગરમાં જે પુરવઠો પહોચે છે તે બીજી જગ્યાએ જાય નહી, પુરવઠો અટકે નહી તે બાબતે ચર્ચા કરતા વિસનગરને ફાળવ્યા પ્રમાણેનો ઓક્સીજન નિયમિત રીતે પહોચતો કરવા મુખ્યમંત્રી તથા ધનંજય દ્વીવેદી દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ મુલાકાતમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલે વિસનગરની ખાનગી હોસ્પિટલો તથા હોમ કોરોન્ટાઈન સારવાર લેતા દર્દિઓને પણ ઓક્સીજન સપ્લાયની વ્યવસ્થા ગોઠવાય તે માટે રજુઆત કરી હતી.
વિસનગરના દર્દિઓને પ્રાણવાયુ પહોચતો થાય તે માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને પ્રકાશભાઈ પટેલની જાણે આગમચેતી રૂપ રજુઆત હતી. તા.૨૯-૪-૨૦૨૧ ના રોજ નૂતન હોસ્પિટલ માટે જામનગર
પ્લાન્ટમાંથી
ઓક્સીજન ટેન્કર ફળવાયુ હતુ. હોસ્પિટલમાં થોડા કલાક ચાલે તેટલોજ ઓક્સજન હતો. ઓક્સીજન ટેન્કર આવ્યા બાદ ઓક્સીજન લાઈનમાં સપ્લાય આપી શકાય તેમ હતો. એવામાં જામનગર પ્લાન્ટમાંથી નિકળેલુ ટેન્કર સ્થાનિક આગેવાનોએ રોકી ટેન્કરની લુંટ કરી જામનગરની હોસ્પિટલમાં પુરવઠો આપ્યો હતો. જેની જાણ થતાંજ નૂતન હોસ્પિટલમાં અફડાતફડી સર્જાઈ હતી. બે કલાક ચાલે તેટલોજ ઓક્સીજન હોવાથી ઓક્સીજન ન મળે તો દાખલ કરાયેલા ૧૨૦ દર્દિઓનો જીવ જોખમાય તેમ હોવાથી પ્રકાશભાઈ પટેલે ત્વરીત ગતિએ ઓક્સીજન વ્યવસ્થા સંભાળી હતી. ખાલી સીલીંડરો સાથે હોસ્પિટલની અલગ અલગ ટીમ જીલ્લાના ઓક્સીજન પ્લાન્ટ ઉપર દોડતી કરી હતી. ઓક્સીજન ખુટે તે પહેલાજ નૂતન હોસ્પિટલમાં બીજા સીલીંડર લાવવામાં આવ્યા હતા.
જીલ્લામાં આવતુ ઓક્સીજન ટેન્કર જામનગરના લોકલ આગેવાનોએ જપ્ત કરતાજ મહેસાણા સર્કિટ હાઉસમાં પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા જીલ્લાના અન્ય ધારાસભ્યોની તાત્કાલીક મીટીંગ મળી હતી. પ્રકાશભાઈ પટેલ પણ આ મીટીંગમાં તાત્કાલીક પહોચી ગયા હતા. ઓક્સીજન લાવવાની જવાબદારી જીલ્લા વહીવટી તંત્રની હતી. ત્યારે મીટીંગમાં વહીવટી તંત્ર ઉપર પસ્તાળ પાડવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે મીટીંગમાં કલેક્ટરે લાચારી વ્યક્ત કરી હતી કે સરકારમાંથીજ ઓક્સીજન મળતો ન હોય તો હું શું કરૂ?
નૂતન હોસ્પિટલમાં આવતુ ટેન્કર રસ્તામાં લુંટાતા પ્રકાશભાઈ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો કે, બે કલાક ચાલે તેટલોજ ઓક્સીજન હતો તો હોસ્પિટલ ચલાવવી કઈ રીતે? ૧૦૦ બેડનો ઓક્સીજન આપવા સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવે અને સરકારના ભરોસે ૧૦૦ બેડમાં સારામાં સારી સારવાર આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આવી પરિસ્થિતિમાં ઓક્સીજન ન પહોચતા દર્દિઓની પરિસ્થિતિ શું થાય. ઓક્સીજન વગર દર્દિઓને કંઈ થશે તો જવાબદારી કોની? જાણવા મળ્યા પ્રમાણે આ મીટીંગમાં સાંસદ શારદાબેન પટેલ, ધારાસભ્ય ઋષિભાઈ પટેલ તથા અન્ય ધારાસભ્યોએ પણ જીલ્લા વહીવટી તંત્રનો ઉધડો લીધો હતો. અમે શું કરીએ તેમ કહી જવાબદાર વ્યક્તિઓ આ મહામારીમાં છટકે તો ઓક્સીજન ઉપર રહેલા દર્દિઓની સ્થિતિ શું થાય? સરકાર અને જીલ્લા વહીવટી તંત્રની ઓક્સીજન પુરો નહી પાડવાની નબળાઈના કારણે આજ ખાનગી હોસ્પિટલોમાં બેડ હોવા છતાં ર્ડાક્ટરો દર્દિઓને દાખલ કરતા નથી. ભાજપ સરકાર ઓક્સીજન પુરો પાડવામાં નિષ્ફળ રહેતા હોસ્પિટલોમાં બેડ હોવા છતાં સંક્રમીતને સારવાર મળતી નથી અને લોકો મરી રહ્યા છે.