તંત્રી સ્થાનેથી
રેમડેસિવિર ઈન્જેક્શન ડુપ્લીકેટ બનાવતા તત્વોને ફાંસીની સજા થવી જોઈએ
રેમડેસિવિર ઈન્જેક્શનોના કાળા બજારના સમાચારો અખબારોના પાને રોજેરોજ વાંચવા મળે છે. પોલીસ દારૂ જુગારની રેડ કરે તેમ રેડો કરી રેમડેસિવિર ઈન્જેક્શનો પકડે જાય છે અને અનેક લોકો પકડાય છે. પણ આ ઈન્જેક્શનો ક્યાંથી આવે છે તેના મૂળ સુધી પોલીસ પહોચતી નથી. હોસ્પિટલો અને જેમને કોરોનાના બેડ રાખવાની મંજુરી મળી છે તેવા હોસ્પિટલોના પોલીસ મૂળ સુધી પહોચે તો મોટા મોટા હોસ્પિટલો આ કૌભાંડમાં સપડાય તેમ છે. જોકે હોસ્પિટલના મેઈન સંચાલકો કે હોસ્પિટલના મેઈન ર્ડાક્ટર કૌભાંડમાં હોય પણ ખરા અને ન પણ હોય. પણ તેમના હોસ્પિટલના મેડીકલ સ્ટોર ર્ડાક્ટર અને સ્ટોરકીપર ગુનામાં સપડાઈ શકે છે. કોરોનાના દર્દીનું ઓક્સીજન ઓછુ થતું હોય તેવા દર્દીઓને તથા વધારે સંક્રમણવાળા દર્દીને કોરોના મટાડવા માટે રેમડેસિવિર ઈન્જેક્શન અપાય છે. એક દર્દીને વધારેમાં વધારે સામાન્ય રીતે છ ઈન્જેક્શનો આપી શકાય. એટલે એક દર્દીના નામે છ ઈન્જેક્શનો ઉધારી શકાય છે. દર્દી ઉપર કોરોનાના જમ્સનો કેટલો હુમલો છે તે પ્રમાણે ઈન્જેક્શનો અપાય છે. કોઈ દર્દી ત્રણ ઈન્જેક્શનોમાં સાજા થઈ જાય છે. કોઈને ચાર અને કોઈને પાંચ, વધારેમાં વધારે છ ઈન્જેક્શનો અપાય છે. દર્દીના ઈન્જેક્શનોની જરૂરીયાત કૌભાંડ કરી શકે છે. કોઈ દર્દીને ચાર ઈન્જેક્શનની જરૂર પડે તેના હોસ્પિટલના પ્રીસ્ક્રીપશનના ર્ડાક્ટર બે વધારે ઈન્જેક્શનો લખી નાખે તો દર્દીને ખબર પડવાની નથી કે તેને કેટલા ઈન્જેક્શનો અપાયા? વધેલા બે ઈન્જેક્શનો દર્દીના નામે ચડાવી કાળા બજારમાં વેચાય છે. આ કૌભાંડમાં ર્ડાક્ટર સ્ટોરકીપર વેચનાર અને વેચાવનાર ગુનેગાર બની શકે છે. કાળાબજારમાં નીકળેલા ઈન્જેક્શનો દવા બજાર સાથે સંકળાયેલા લોકોના માધ્યમથી કાળા બજાર થાય છે. એક હજાર રૂપિયાના ઈન્જેક્શનના ત્રીસ હજાર રૂપિયા ઉભા થાય એટલે ગમે તેવા માણસની દાનત બગડે અને લાલચમાં આવી ગોરખધંધામાં સપડાતા લોકો ગુનેગાર છે પણ તે મજબુરીથી આવા ધંધામાં પડ્યા છે તે તેમની દાનત ખરાબ નથી હોતી. તેમની દાનત ફક્ત કમાવવાની હોય છે. કોઈને નુકશાન કરવાની નથી હોતી પણ ડુપ્લીકેટ ઈન્જેક્શનો વેચતા, બનાવતા લોકોને કોઈપણ ભોગે માફ કરી શકાય નહિ. ડુપ્લીકેટ ઈન્જેક્શન બનાવનાર ઉત્પાદક અને વેચાણ કરનાર વેપારીને બધાને ખબર હોય છેકે આ ઈન્જેક્શન દર્દીને ફાયદો નહિ પણ ઉલટાનું નુકશાન કરશે. છતાં પૈસાની લાલચમાં આવી અંગત સ્વાર્થ ખાતર દર્દીના જીવના સાથે ચેડા કરાય છે. તેવા લોકોને ફાંસીના માંચડે ચડાવવા જોઈએ. હોસ્પિટલમાંથી ચોરાયેલા કાળા બજારના ઈન્જેક્શનો ભલે દર્દીને ગમે તે ભાવે મળે પણ તે દર્દિ મટાડવાના કામમાં આવે છે. જ્યારે ડુપ્લીકેટ ઈન્જેક્શનો દર્દીનો જીવ લઈ શકે છે. જેથી ડુપ્લીકેટ ઈન્જેક્શનો સાથે સંકળાયેલા બનાવનાર, વેચનાર ઉપર શુદ્ધ બુદ્ધિથી નીપજાયેલા મોત(ખૂન) માટે લગતી ફાંસીની સજાની કલમો લાગવી જોઈએ. જો તંત્ર આ બાબતે કડક નહિ થાય તો કોરોના જતો રહેવાનો નથી. હજુપણ લાંબો સમય ચાલે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેથી ડુપ્લીકેટ ઈન્જેક્શનોનો ધંધો ફૂલેફાલે નહિ તે જોવાનું છે. આતંકવાદીઓ લોકોને મારી નાખે છે તેથી તેમના સામે આતંકવાદની કલમ લાગુ પડે છે. આ બનાવટી ઈન્જેક્શનો બનાવતા તત્વો લોકોને મારી નાખવાનુ કાર્ય કરે છે. તેમની સામે આતંકવાદમાં લાગે છે તે ગુનાની કલમ લાગુ થવી જોઈએ. આ ડુપ્લીકેટના ધંધામાં ઈન્જેક્શનનુ મટીરીયલ પુરૂ પાડતા લોકો કદાચ અજાણ હોઈ શકે. પણ ઈન્જેક્શનજ જેવી બોટલો બનાવનાર લોકો તેના સ્ટીકરો બનાવતા પ્રેસોને જાણ છેકે તે ખોટુ કરી રહ્યા છે. તેમની સામે કડક પગલા લેવાવા જોઈએ.