તંત્રી સ્થાનેથી
બ્લેક ફંગલ સામે પ્રજાએ જાગૃત બનવુ જ પડશે
છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાંથી દેશ બહાર નીકળ્યો નથી, ત્યાં તો મ્યુકરમાઈકોસિસ બ્લેક ફંગલનો રોગ શરૂ થઈ ગયો છે. વર્ષો બાદ પહેલી વાર જોગાનુંજોગ એવું બન્યુ છે કે સોળ મહિનાના ટૂંકા ગાળામાંજ એક સાથે બે મહામારીઓ સરકારને જાહેર કરવી પડી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે બ્લેક ફંગલ રોગને મહામારી તરીકે જાહેર કર્યો છે. આ રોગ કોરોના કરતાં પણ વધારે ખતરનાક છે. જેમાં દર્દીની આંખ અને જડબા જેવા અંગ કાઢી નાંખવા પડે છે. બ્લેક ફંગલ થવાના અનેક કારણો છે. કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓને બ્લેક ફંગલ વધારે થાય છે.
કયા લક્ષણો દેખાય તો તપાસ કરાવવી
નાકમાંથી દુર્ગંધ મારતુ છીંકણી કે કાળુ પ્રવાહી દેખાય, આંખની આજુબાજુ અને માથામાં દુઃખાવો થતો હોય, આંખનો ડોળો ફૂલી જઈ બહાર આવે, નાક બંધ થઈ જાય તો ર્ડાક્ટર સલાહ લેવી, રોગની શરૂઆતમાં ખબર પડશે તો આંખ બચાવી શકાશે. રોગ મગજ સુધી પહોચી જાય તો દર્દી બચી શકતો નથી
કોરોનાની સારવાર દરમ્યાન દર્દીને સ્ટેરોઈડ આપવામાં આવ્યુ હોય અને દર્દીનું બ્લડ સુગર લેવલ કાબુમાં ન રહેતું હોય તેવા લોકોને આ રોગ થવાનો ભય સૌથી વધારે રહે છે. બ્લેક ફંગલ થવાનું એક કારણ બહાર આવ્યુ છે કે ઓક્સીજન સીલીન્ડર સાથે અપાતુ પાણી. સ્વચ્છ પાણી જેમાં સ્ટરાઈલ વોટરનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો બ્લેક ફંગલ થવાની શક્યતાઓ અનેકઘણી વધી જાય છે. આ રોગ એટલો ગંભીર છેકે શરૂઆતમાં માત્ર માથાના દુઃખાવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. પરંતુ તેનું નિદાન થાય તે પહેલાં તે શરીરમાં ફેલાઈ ગયો હોય છે. અને અંગો કાઢવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ રોગ લાગુ ન પડે તે માટે તકેદારીના પગલાં ભરવા જોઈએ. તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ રોગ કોરોના સંક્રમિત લોકોને જલદી ઝડપી લે છે. પરંતુ કોરોના ન થયો હોય તેવા દર્દીને પણ આ રોગ લાગી શકે છે. આ રોગ ભેજના કારણે ઉત્પન્ન થતી ફુગથી થાય છે, તે સ્પષ્ટ છે. જેથી જ્યાં ભેજ હોય માટી હોય તેવા વાતાવરણથી દૂર રહેવું જોઈએ. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું હિતાવહ છે. પરંતુ હવે ચોમાસાની સીઝન શરૂ થતી હોવાથી માસ્ક ભીનું થઈ જાય તો તેનો ઉપયોગ ન કરવો. ભીના માસ્કનું ભેજનુ પ્રમાણ સીધુ નાકને અસર કરે છે. ફંગસ લાગવાની શક્યતાઓ અનેકઘણી વધી જાય છે. કોરોનાથી સાજા થઈ ઘરે ગયેલા દર્દીઓને બ્લેક ફંગલની તપાસ કરાવતા રહેવું જોઈએ. અને જરૂર જણાય તો ર્ડાક્ટરને બતાવવું જોઈએ. આ બિમારીના કોઈપણ લક્ષણ જણાય તો ર્ડાક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે. જેથી રોગ વધતો અટકાવી શકાય. સમયસરની સારવાર લઈ આ બિમારીથી બચી શકાય છે. કોરોનાની સારવાર કરતાં આ રોગની સારવાર ખુબજ ખર્ચાળ છે. જેમાં વપરાતા એમેફોટેરીસીન ઈન્જેક્શનની ખુબ મોટી અછત ઊભી થઈ ગઈ છે. સરકારે આ ઈન્જેક્શનોનું ઉત્પાદન વધે અને સરળતાથી ઓછી કિંમતમાં મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ રોગની સારવાર પાછળ ૧૫ થી ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. સામાન્ય માણસનું આ સારવાર કરવાનું ગજુ નથી. સરકારે જ્યારે આ રોગને મહામારી તરીકે જાહેર કર્યો છે તેની દવા પણ ઘણા ઓછા ખર્ચમાં થઈ શકે અને સામાન્યમાં સામાન્ય માણસ તેનો જીવ બચાવી શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવું તે સરકારની ફરજનો એક ભાગ છે.