પ્રચાર સાપ્તાહિકના સમાચારને પગલે નિષ્ક્રીય તંત્રની ઉંઘ ઉડી
ખેરાલુ-સતલાસણાના ૪૩ ગામોમાં સિંચાઈ માટે સર્વે શરૂ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
પ્રચાર સાપ્તાહિકે ગત અંકમાં સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા કે ધારાસભ્ય અજમલજી ઠાકોરનું સરકાર કાંઈ સાંભળતી નથી. દોઢ વર્ષથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે પણ એક બે કામો સિવાય પ્રજાહિતના કામોમાં કાંઈ ખાસ ઘાડ મારી શક્યા નથી. અત્યાર સુધીમાં ૧૦૦ ઉપરાંત પત્રો લખ્યા છે. પરંતુ સરકારમાં ધારાસભ્યનું કાંઈ ઉપજતુ ન હોવાથી કામો થતા નથી.આ સમાચાર પ્રસિધ્ધ થતા છેવટે છ મહિના જુની રજુઆત કે જે ખરેખર તાલુકા પંચાયતની ચુંટણી પહેલા જેનો હલ થઈ જવો જોઈતો હતો પરંતુ હવે ર૦રરની વિધાનસભાને ધ્યાને લઈને પ્રજાના રોષનો ભોગ ન બનાય તે માટે ખેરાલુ તાલુકાના ૧૮ અને સતલાસણા તાલુકાના રપ ગામો કે જયાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં પાઈપ લાઈન મારફત સિંચાઈ માટે પાણી આપવા સર્વે કરવાનું નાટક શરૂ થયુ છે.
ધારાસભ્ય અજમલજી ઠાકોરે ૧૦-૧ર-ર૦ર૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને પત્ર લખ્યો હતો કે, ખેરાલુ વિધાનસભામાં ખેતી અને પશુપાલન આધારીત વિસ્તાર છે. જેમાં સિંચાઈનો લાભ મળતો નથી તેવા સતલાસણા તાલુકાના સાંતોલા, સમરાપુર, વજાપુર, નેદરડી, ગોઠડા, મુમનવાસ, કોઠાસણા (મોટા), કોઠાસણા (નાના), શેષપુર, ભાલુસણા, ભાટવાસ, નાનીભાલુ, મોટીભાલુ, ઉમરેચા, સેમોર, ઉંમરી, વાંસડા, કુબડા, સરદારપુર (ચી), સુદાસણા, રીંછડા, ખિલોડ, જસપુર, કેશરપુરા, તેમજ ખેરાલુ તાલુકાના વરેઠા, ડાલીસણા, ડાવોલ, ડભાડ, ચાણસોલ, મહીયલ, મહેકુબપુરા, સાકરી, મંદ્રોપુરા, સુવરીયા, બળાદ, મલેકપુર, ફતેપુરા, સંતોકપુરા, વિઠોડા, પાન્છા, હાથીપુરા, અને વાવડી, ગામો બિન પિયત વિસ્તાર છે. આમ કુલ ૪૩ ગામોને સિંચાઈનો પાઈપ લાઈન દ્વારા લાભ આપો તેમ પત્રમાં ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યુ હતુ.
પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૪૩ ગામોને ધરોઈના પાણીથી સિંચાઈનો લાભ આપવા સર્વે શરૂ થયો પરંતુ હજુ સુધી આ ગામડાને ધરોઈ કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરાયો નથી. જેથી આ સર્વે એક પ્રકારનું લોલીપોપ હોય તેમ લાગે છે. ૧૦-૧ર-ર૦ર૦ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે સરકારે કાંઈ ધ્યાને લીધુ નહી. ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરનું વર્તન મહેતો મારેય નહી અને ભણાવેય નહી તેવું છે. કામ થાય તો ઠીક બાકી પત્રો લખી છુટી જવું. લોકોને કહી શકાય કે પત્ર લખ્યો છે. લોકો ધારાસભ્ય અજમલજી ઠાકોરથી ત્રાસી ગયા છે. જેથી તાલુકા પંચાયતની ચુંટણીમાં આ ૪૩ ગામોના લોકોના સિંચાઈની સમિતિ બની તેની મિટીંગમાં જાહેર કર્યુ હતુ કે પાણી નહી તો વોટ નહી જેમા બધા જ ગામો એ સાથ ન આપ્યો છતાય ડાલીસણા સીટના પાંચ ગામોના લોકોએ મક્કમ થઈને મતદાનનો બહિષ્કાર કર્યો. જો અત્યારે સર્વે શરૂ થયો છે તે તાલુકા પંચાયતની ચુંટણી પહેલા શરૂ થયો હોત તો ભાજપની બે-ચાર સીટો વધી હોત. ધારાસભ્યની કામ કરવાની અણ આવડત અને તેમની આજુબાજુ ફરતા નેતાઓ ધારાસભ્યને યોગ્ય માર્ગદર્શન ઈરાદાપુર્વક આપતા નથી જેથી સતલાસણા તાલુકા પંચાયતમાં રીતસર ભાજપે બહુમતી ગુમાવી હતી. પરંતુ શામ-દામ-દંડ-ભેદની રાજનીતીથી સત્તા ભાજપે મેળવી હતી. જેમા ધારાસભ્યનો કોઈ રોલ નહોતો. સતલાસણા એ.પી.એમ.સી.ના ચેરમેન વિરેન્દ્રસિંહ પરમારને કારણે સતલાસણા તાલુકા પંચાયત ભાજપની બની હતી. હાલ સર્વે પૂર્ણ કરવા પાછળ પણ વિરેન્દ્રસિંહ પરમારની દોડધામ નિર્ણાયક સાબિત થઈ રહી છે. ૪૩ ગામોને ધરોઈ કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કર્યા વગર સર્વે શરુ પૂર્ણ થવા આવ્યો છે. ત્યારે ર૦રરની વિધાનસભા પહેલા આ કામ કોઈપણ સંજોગોમાં શરૂ થાય તેમ લાગતુ નથી. ધરોઈનું વધારાનું પાણી ઉંઝા, અને પાટણ સુધી આપવાની જોગવાઈ રાતોરાત થઈ ગઈ પરંતુ ખેરાલુ અને સતલાસણાને પાણી આપવા માટે સૈધ્ધાંતિક સ્વીકાર થયો નથી. જે ધારાસભ્ય ની મોટામાં મોટી ભુલ સાબિત થશે.
↧
પ્રચાર સાપ્તાહિકના સમાચારને પગલે નિષ્ક્રીય તંત્રની ઉંઘ ઉડી ખેરાલુ-સતલાસણાના ૪૩ ગામોમાં સિંચાઈ માટે સર્વે શરૂ
↧